કવિશ્રી ભગુભાઈ શિક્ષણ સાહિત્ય અને ક્લાના ઉપાસક છે. સંગીત તેમનો પ્રિય વિષય છે. સંગીતના જાણકાર છે. સુગમ ગીત સોરઠી વાણી પ્રાચિન અને અર્વાચિન ભજનના સારા ગાયક છે. લોકકવિ છે અને લોકસાહિત્યના સારા વક્તા છે. પોતાની બનાવેલી કવિતાને રાગમાં ગાઈ શકે છે. તેમના બે કાવ્યસંગ્રહ અને એક લઘુલેખ સંગ્રહ પ્રસિદ્ધ થયેલાં છે. તેઓ આપણને વધુમાં વધુ સાહિત્ય આપતા રહે એ જ આશા સહ તેમના આ કાવ્યસંગ્રહને આવકારીએ છીએ. અભિનંદન. કવિ શ્રી કે.કે. રોહિત (અફ્સોસ ઇખરવી) *** કવિ શ્રી ભગુભાઈ ભીમડાના "શબ્દ સાગર" કાવ્યસંગ્રહને ભાવભીનો આવકાર છે. તેમના આ સંગ્રહમાં કાવ્યો ગઝલ કાવ્યપ્રકારના ઢાળે ઢળેલાં છે. રદીફ કાફિયાનો સારો મેળ છે. અત્યંત ધૈર્યશીલ મહેનતું અને નમ્ર વ્યક્તિત્વ ધરાવનાર ભગુભાઈના જીવનમાં ડોકિયું કરતાં તેમનામાં આ સદગુણો જોવા મળે છે. ભગુભાઈ પોતે નિવૃત્ત બેંક કેશિયર છે. રૂપિયાની નોટો ગણતા ગણતા કવિતાઓ લખે એ અશક્ય લાગે, પણ એમણે શક્ય બનાવીને ઉમદા સાહિત્યનું સર્જન કર્યું છે. ઘણાં કાવ્યોમાં ગેયતાની સાથે સાથે ભાવ અને ભાવનાઓનું સરસ રીતે થયેલ સંમિશ્રણ જોવા મળે છે. જે ઉત્તમ નજરાણું લેખી શકાય. ઘણી કવિતાઓ રાગ મુજબ ગાઈ શકાય છે. દીર્ધ દ્રષ્ટિવાળા ભગુભાઈના કાવ્યોમાં કોઈ કાવ્ય ખુશામતિયું નથી કે જેથી વાચકને વાંચતા ખૂંચે, ડંખે કે ઘેરા પ્રત્યાઘાત પડે. ઘણાં કાવ્યોમાં સમાજનું વાસ્તવિક દર્શન પણ જોવા મળે છે. શ્રી હરિવદન જોશી (તંત્રીશ્રી શબ્દ સાનિધ્ય નિકોરા, નિકોરા તા.જી.ભરૂચ)