કથા કાલ્પનિક... વેદના વાસ્તવિક… આપણી દીકરીની… ફરી નિર્ભયા એ એક સ્ત્રી જીવનની મુશ્કેલભરી પરિસ્થિતિને રજૂ કરતી લઘુનવલ છે. લઘુનવલના લેખક હિના બહેન દવેએ આખી કથામાં અવનવા વળાંકો, ઇન્સ્પેકટરની આગવી તપાસ સાથે સાથે હેવાનોની હેવાનિયત અને હૃદયસ્પર્શી, લાગણી સભર લેખન વાચકોને અંત સુધી જકડી રાખે છે. ક્યાંય ધિક્કારની ભાવના તો ક્યાંક હૃદય વલોવાતું વર્ણન એ લેખકની આગવી શૈલી દેખાડે છે. - રાજુસર ગરસોંદિયા
***
નિર્ભયા – એક એવું નામ જે કાને પડતાં જ શરીરમાં કંપારી જન્માવી દે. એક હારી ચૂકેલાં સ્ત્રી શરીરને શક્તિ પ્રદાન કરવા અપાતું ઉપનામ. પરંતુ આ નામ ધારણ કર્યાં પછી પણ એને નિર્ભયતા પ્રદાન થાય છે ખરી? એક પરિવારને છિન્નભિન્ન કરી નાખે છે આ નામ. સઘળું ગુમાવીને બસ થોડું આશ્વાસન પ્રદાન કરી શકે છે આ નામ. સદીઓથી કુરબાન થતી નિર્ભયાઓની વ્યથા આલેખતી આ કથા વાચકના અંતરને ઝણઝણાવી મૂકે છે. - ભૂમિધા પારેખ
***
વાસ્તવવાદી સાહિત્ય કાળજું કઠણ કરીને વાંચવું પડતું હોય છે. દેશની ચેતનાને હચમચાવી જનારા, ૨૦૧૨ના નિર્ભયા કેસની પીડા અને આક્રોશના પ્રત્યાઘાતરૂપે જન્મેલા સાહિત્યમાં એ સમયે દેશની જનતાનો અવાજ પડઘાયો છે. આ પુસ્તક પણ એવો જ અવાજ વ્યક્ત કરે છે. ત્યાર કરતાં અત્યારની પરિસ્થિતિ જુદી છે. જાગરૂકતા અને વિરોધના માધ્યમો વધ્યાં છે. છતાં એ કડવી વાસ્તવિકતા હજુ પૂર્ણરૂપે પલટાઈ નથી, જે રોજબરોજ સમાચારો દ્વારા આપણાં સુધી પહોંચે છે. આ પુસ્તક સમાજને સચેત રાખવાની ભૂમિકા અદા કરે એવી આશા સાથે હિના દવેને અભિનંદન અને શુભેચ્છાઓ. - સ્પર્શ હાર્દિક
***
નિર્ભયા… આ શબ્દ સાંભળતાં જ તન અને મનમાં જે સંવેદન પ્રગટે છે, એ તેના નામથી તદ્દન વિપરીત છે. અતિ ચકચારી નિર્ભયા કેસથી સમગ્ર દેશની ચેતના એકજૂટ થઈ ગઈ હતી. વિરોધનો એક વંટોળ ઉદ્ભવ્યો હતો, પરંતુ એ ઘણો અલ્પજીવી બની રહ્યો. ત્યાર પછી પણ ઘણી નિર્ભયાઓ અસ્તિત્વમાં આવી! ઘણી નિર્ભયાઓનું અસ્તિત્વ ખોવાઇ ગયું, પછી એ નાની બાળકી હોય, યુવતી હોય કે પાકટ સ્ત્રી! એ દરેકની વ્યથા શ્રી હીનાબેન દવેએ 'ફરી નિર્ભયા?'માં આબાદ ઝીલી છે. ભોગ બનનાર મહિલા હોય કે તેના પરિજન, એમની વેદનાનું વર્ણન રૂંવાડાં ઊભા કરી જાય છે. તો સામે પક્ષે ગુનેગારની માનસિકતા અને પોલીસ વિભાગ દ્વારા અપાતો સપોર્ટ - કલમમાંથી જાણે શબ્દો નહીં, દૃશ્યો વહ્યાં છે. થોડા થોડા સમયે શમી જતો લોકજુવાળ આવી સત્યાન્વેશી કથાઓ દ્વારા સતત જાગતો રહી શકશે. લાગણીઓને ઝંઝોડતી, અચૂક વાંચવા જેવી કથા… ફરી નિર્ભયા? - અમિષા શાહ