લેખિકા દેવાંગી ભટ્ટની નવલકથા 'વાસાંસિ જીર્ણાનિ' એના શીર્ષકથી જ વાંચકોને આકર્ષિત કરી દે છે. 'વાસાંસિ જીર્ણાનિ' સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ નવલકથા વાંચ્યા બાદ આપમેળે સમજાય જશે.
આખી કથા વાંચ્યા બાદ થશે કે આનાથી વધુ ઉચિત શીર્ષક બીજું હોય જ ન શકે.
નવલકથાની કથાવસ્તુ છે કે, 'આપણે રોજિંદી જિંદગી જીવીએ છીએ એમાં આપણને ક્યારેક એના કરતાં જુદી જ રીતે જીવવાનું મન થઈ આવે. જુદી રીતે જીવવાની કલ્પનાઓ મનોજગતમાં રચાય. જીવાય રહેલી જિંદગી સામાન્ય અને કંટાળાજનક લાગે ત્યારે વાસ્તવિકતાથી કલ્પના તરફ દોટ મૂકીએ.' જ્યારે આ ઈચ્છા પ્રબળ બનતી જાય ત્યારે આપણને જાતે સર્જેલું કલ્પજગત આપણને વ્હાલું લાગે ને વારંવાર એમાં વિહરવું ગમે. બસ આવું જ કંઈક થાય કે આ નવલકથાની નાયિકાને. અને પછી આવી અતરંગી ઘટના મનોવૈજ્ઞાનિક થિયરી સાથે જોડાઈ છે અને એક રસપ્રદ કથાનો આરંભ થાય છે.
દેવાંગીબેનની લખાણશૈલી સરળ છતાંય રસાળ છે. એમનું કથન આગવું છે. કથા હૃદયને સ્પર્શી એવી સંવેદનશીલ છે. નાયિકાવિશ્વ નોખું તથા કથાનું હાર્દ બની રહે છે. નાયિકાઓ કથામાં ચારચાંદ લગાવી દે છે.
આ નવલકથામાં આવતી ચાર નાયિકાઓ એકબીજાથી તદ્દન અલગ છે. પણ ચારેય ભાવકોને વાંચતી વેળાએ મંત્રમુગ્ધ કરી દેનાર છે. એક જ કથા ચાર નાયિકાઓનું લેખિકાએ જે રીતે પાત્રાલેખન કર્યું છે એ કાબિલેતારીફ છે!
કથાની શરૂઆત કૉલકતાથી થાય છે અને પૂર્ણ થાય છે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં. અને મધ્યમાં લેખિકા વાચકોને પ્રવાસ કરાવે છે ચાર અલગ સમયખંડમાં તથા ચાર ભિન્ન પરિવેશમાં.
જેમ જેમ પ્રકરણ બદલતા જાય છે એમ એમ કથા ઉઘડતી જાય છે. ક્યાંક શૃંગારરસ ટપકે છે તો ક્યાંક વિરહ રસની ટીસ ઉમટે છે. વચ્ચે વચ્ચે ક્યારેક અદ્ભૂત રસ પણ ડોકાય છે.
પહાડ પરથી ઝરમર વહેતું ઝરણું આપણી આંખો સામે હોય ત્યારે એ રમણીય દ્રશ્યને આપણે માણવા ઉત્સુક હોઈએ છીએ. એવું જ આ કથાનું છે. ધીમે ધીમે વહેતી કથા આપણને સ્પર્શે છે અને ઉત્સાહ વધારે છે. વાંચતા વાંચતા સવાલ ઊભો થાય કે આ કથા ક્યાં જઈને અટકશે? અને બસ પછી આ સવાલનો જવાબ મેળવવા નિરંતર વાંચવી પડે અને છેલ્લા પ્રકરણે આપણને સંપૂર્ણ જવાબ મળે એવી કથા છે.
કથાનું સબળ પાસું છે લેખિકાએ પસંદ કરેલ નવલકથાનું રૂપ 'સિમ્બલિઝમ'. ભાવકોને કશુંક જુદી ભાતનું સાહિત્ય વાંચવાનો લ્હાવો મળે છે.
'વાસાંસિ જીર્ણાનિ' એટલે શું? આ કથાની ચાર નાયિકાઓ કોણ છે? ચાર ભિન્નસમયખંડ અને પરિવેશ ક્યા ક્યા? આ બધાથી ભાવકો જાતે જ પરિચિત થશે ને અનુભવશે તો મજા આવશે.
સાહિત્યજગતમાં એક સુંદર રંગોળીરૂપી આ નવલકથા ભાવકોને ચોક્કસ પસંદ પડશે.
- મીરા પટેલ
લેખિકા દેવાંગી ભટ્ટની નવલકથા 'વાસાંસિ જીર્ણાનિ' એના શીર્ષકથી જ વાંચકોને આકર્ષિત કરી દે છે. 'વાસાંસિ જીર્ણાનિ' સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ નવલકથા વાંચ્યા બાદ આપમેળે સમજાય જશે.
આખી કથા વાંચ્યા બાદ થશે કે આનાથી વધુ ઉચિત શીર્ષક બીજું હોય જ ન શકે.
નવલકથાની કથાવસ્તુ છે કે, 'આપણે રોજિંદી જિંદગી જીવીએ છીએ એમાં...Read more