-
ફિલ્મનું નામ : તુમસા નહીં દેખા ભાષા : હિન્દીપ્રોડ્યુસર : શશધર મુખર્જી ડાયરેકટર : નાસીર હુસૈન કલાકાર : અમિતા, શમ્મી કપૂર, રાજ મેહરા, બી. એમ. વ્યાસ, કનુ રોય અને પ્રાણ રીલીઝ ડેટ : ૧૯૫૭ ત્રણ વર્ષ પહેલાં જ કેરિયર શરૂ કરેલી હિરોઈન, જેના ખાતામાં માંડ સાત ફિલ્મો બોલતી હતી. ઓગણીસ કેટલી ફિલ્મો આપી ચૂકેલો હીરો જેની મોટાભાગની ફિલ્મો અસફળ હતી. જેની સાથે કોઈ મોટી હિરોઈન કામ કરવા માગતી ન હતી. પહેલીવાર નિર્દેશન કરી રહેલ ડાયરેકટર. ઘણા બધાં નકારાત્મક પાસાં હતાં, પણ ફિલ્મ રીલીઝ થઇ અને દ્રશ્ય બદલાઈ ગયું. ૧૯૫૭માં રીલીઝ થયેલી ફિલ્મોની યાદી જુઓ તો ખબર પડે કે કેવી ફિલ્મોને ટક્કર આપીને આ ફિલ્મ ચોથા નંબરે રહીને એક કરોડ જેટલી કમાણી કરી. મધર ઇન્ડિયા, નયા દૌર, પ્યાસા, દો આંખે બારહ હાથ, પેઈંગ ગેસ્ટ, આશા, ભાભી, શારદા મુસાફિર જેવી એકથી એક ચઢિયાતી ફિલ્મો ૧૯૫૭માં રીલીઝ થઇ હતી. ફિલ્મીસ્તાનના માલિક તોલારામ જાલાન હિરોઈન અમિતાને મોટા પાયે પ્રોજેક્ટ કરવા માગતા હતા અને તે માટે હીરો તરીકે પહેલાં ફિલ્મ તે સમયના રોમાન્સના રાજા દેવ આનંદને ઓફર કરવામાં આવી હતી, પણ દેવ આનંદે નકાર આપતાં તે ફિલ્મ શમ્મી કપૂરને ફાળે ગઈ. જો કે શમ્મી કપૂરને લેવું એ તે સમયે જુગાર જ હતો કારણ તેની મોટા ભાગની ફિલ્મો ફ્લોપ થઇ હતી. આ ફિલ્મની સ્ક્રીપ્ટ નાસીર હુસૈને પહેલાં દેવ આનંદ અને વૈજયંતી માલાને આપી હતી, પણ શશધર મુખર્જીએ વૈજયંતી માલાને પણ રિપ્લેસ કરીને આ ફિલ્મ અમિતાને આપી. આ ફિલ્મના પોસ્ટર ઉપર પણ મુખ્ય ચહેરો અમિતાનો હતો અને તેનાં કપડાં અને તેના દેખાવ પાછળ તોલારામ જાલાને મબલખ ખર્ચ કર્યો હતો. આ ફિલ્મ સફળ થઇ અને હિરોઈન અમિતાને બદલે શમ્મી કપૂર રાતોરાત સ્ટાર બની ગયો. આ ફિલ્મમાં શમ્મી કપૂરે પોતાની અલગ શૈલી વિકસાવી જે તેને અન્ય હીરોથી અલગ પાડતી હતી અને આ ફિલ્મ પછી શમ્મી કપૂરે પાછળ ફરીને જોયું નથી. અમિતાને લીધે શમ્મી કપૂર સ્ટાર બની ગયો. રાજેન્દ્રકુમારની કારકિર્દીને ઉઠાવ આપતી ફિલ્મ ગુંજ ઉઠી શેહનાઈની હિરોઈન અમિતા જ હતી, પણ તેનાં વાંકાં નસીબ કહો કે પછી તેનું રોલનું સિલેકશન ચુક્યું તેની કારકિર્દીએ ઝડપથી અસ્તાચળ તરફ ગતિ કરી. ૧૯૬૨ પછી તેણે કામ ઓછું કરી દીધું. વાર્તા કંઈક એવી છે. ગોપાલ (બી. એમ. વ્યાસ) ના હાથે તેને જુગારની લત લગાડીને તેની બધી ધન સંપત્તિ લુંટનાર તેના મિત્ર અમરનું ખૂન થઇ જાય છે જેનો સાક્ષીદાર અમરનો ભાઈ વિષ્ણુ (રાજ મેહરા) છે. પકડાઈ જવાના ડરથી તે પોતાની પત્ની કમલા (અંજલી દેવી) અને નાના પુત્ર શંકરને શિલોંગમાં છોડીને આસામમાં ભાગી જાય છે. આસામમાં સરદાર રાજપાલ નામ ધારણ કરીને રહેવા લાગે છે. ત્યાં એક નાની છોકરીને દત્તક લે છે અને તેને મોટી કરે છે અને તેણે નક્કી કર્યું હોય છે કે મીના (અમિતા) લગ્ન પોતાના પુત્ર શંકર સાથે કરશે. બીજી તરફ લોકોનાં કપડાં સીવીને દીકરા શંકર (શમ્મી કપૂર) ને મોટો કરે છે. શંકર મીલેટરીમાં કામ કરતો હોય છે, પણ યુદ્ધ ન હોવાથી તેને ત્યાંથી રજા આપી દીધી છે (ફિલ્મમાં એવી દેખાડવામાં આવ્યું નથી છતાં કેટલીક વાતો આપણે ધારી લેવી પડે,) મીના કોઈક કામસર શહેરમાં જાય છે અને તેના પાલક પિતા સરદાર રાજપાલને ઇસ્ટેટની દેખરેખ માટે બે ઘોડેસવારી જાણતાં અને બંદુક ચલાવી શકનાર બે માણસોની જરૂર હોય છે એવી અખબારમાં જાહેરાત આપે છે. તે સાથે જ સરદાર રાજપાલ તેમની પત્નીને જે નામથી ઓળખતા હોય છે તે નામ કમ્મોના નામે જાહેરાત આપે છે કે કમ્મો તું શંકરને લઈને મારી પાસે આવી જા. આ જાહેરાત કમલા જુએ છે (તે સમયમાં દરેક જણ અખબાર વાંચતું અને ખાસ તો નાની કોલમમાં આવેલી જાહેરાત તો ખાસ!) અને સમજી જાય છે કે સરદાર રાજપાલ એ જ તેના પતિ ગોપાલ છે. શંકરને તેના પિતા પ્રત્યે નફરત હોય છે તેથી કમલા તેને સત્ય નથી જણાવતી અને પોતાના પતિ ગોપાલના નામે એક ચિઠ્ઠી લખીને શંકરને આપે છે અને સરદાર રાજપાલ પાસે નોકરીએ જવાનું કહે છે. મીના અને શંકર વચ્ચે રેલવે ટિકિટ કાઉન્ટર ઉપર ઝડપ થઇ જાય છે અને તે પછી શંકર પણ એ જ ડબ્બામાં ચઢે છે જેમાં મીના બેઠી હોય છે. તેના બેફીકરા અને બેબાક વર્તનને લીધે મીના તેને લોફર સમજે છે. તે બંને વચ્ચે ટક્કર સુનાનગરના અડધા રસ્તા સુધી ચાલતી રહે છે અને ભયંકર વરસાદને લીધે તેઓ એક જ ઘરમાં આશરો લે છે. આ જાહેરાત વિષ્ણુ અને અને તેના દીકરા સોહને (પ્રાણ) પણ જોઈ હોય છે. વિષ્ણુ જાણતો હોય છે કે ગોપાલ તેની પત્નીને કયા નામે બોલાવતો હોય છે. સોહન સરદાર રાજપાલ પાસે શંકર બનીને જઈને તેની જાયદાદ હડપ કરવાનું કાવતરું રચે છે. તે પણ એ જ મકાનના પ્રાંગણમાં આશરો લે છે જ્યાં મીના અને શંકર હોય છે. અડધી રાત્રે એક ચોર જોની (રામ અવતાર) શંકર અને મીનાનાં કપડાં લઈને ભાગી જાય છે. તે સમયે તે કમલાએ લખેલો પત્ર નીચે પડી જાય છે, જે સોહનને મળે છે. સોહનને તૈયાર ભાણે મીઠાઈ મળી જાય છે અને તે પહેલાં જ શંકર બનીને રાજપાલ પાસે પહોંચી જાય છે. જો કે પત્રમાં કમલાએ કરેલી તાકીદ પ્રમાણે રાજપાલ શંકરને જણાવતો નથી કે તે તેનો પિતા છે, તેને બદલે તેને નોકરીએ રાખી લે છે. તે રાજી થઇ જાય છે કે તેનો દીકરો તેની પાસે આવી ગયો છે. બીજી તરફ જોની પકડાઈ જાય છે અને મીના તેમ જ શંકરના કપડાં મળી જાય છે, પણ પત્ર નથી મળતો એટલે માતાનો ભલામણનો પત્ર મળે તે માટે શંકર ત્યાં જ રોકાઈ જાય છે. ચાર દિવસ પછી શંકર પણ ત્યાં પહોંચે છે અને પત્ર સરદાર રાજપાલને આપે છે. હવે પોતાની પાસે આવેલ બે શંકરમાંથી પોતાનો દીકરો કોણ, તે યક્ષપ્રશ્ન તેની સામે ઉભો રહે છે. સરદાર રામપાલ કેવી રીતે જાણે છે કે સાચો શંકર કોણ છે? મીના શંકરને પ્રેમમાં કેવી રીતે પડે છે? શું વિષ્ણુ અને સોહન પોતાના દાવમાં સફળ રહે છે? (જો કે સફળ નથી થવાના એ તો દરેકને ખબર છે, પણ મારે તો લખવું રહ્યું.) આ ફિલ્મ દ્વારા વધુ એક કલાકારે પદાર્પણ કર્યું છે. તેનું નામ હતું એમ. બી. શેટ્ટી જેને આપણે શેટ્ટીના નામથી ઓળખીએ છીએ. શેટ્ટીની આ પહેલી ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેણે સરદાર રાજપાલના વિરોધી ટકલુ ગેંગના સરદાર ભોલા (કનુ રોય)ના ખાસ માણસની ભૂમિકા ભજવી છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ ભલે આસામ અને શિલોંગનું દર્શાવ્યું હોય, પણ ફિલ્મનું શૂટિંગ થાણેના આસપાસના એરિયામાં થયું હતું. અમુક જગ્યાએ બનાવેલ સેટ તરત ખબર પડી જાય છે. બીજી પણ થોડી કમી છે. સાલું, આટલો ચતુર અને બદમાશ છોકરો છે, પણ માતાએ લખીને આપેલી ભલામણની ચિઠ્ઠી પણ નથી વાંચતો. જે સમયે ખૂન થયું તે સમયે તપાસ કરનાર ઇન્સ્પેકટર આટલાં વર્ષો પણ ઇન્સ્પેક્ટર જ રહે છે અને તે પણ જાહેરાત જોઇને ફરી ગોપાલને તપાસ આદરે છે. જો કે આવી અનેક નાની મોટી ત્રુટીઓ છતાં ફિલ્મ માણવાલાયક છે અને તેમાં મહત્વનું પાસું છે ફિલ્મનું સુમધુર સંગીત. આ ફિલ્મના સંગીતકાર છે ઓ.પી. નૈયર જવાનીયાં એ મસ્ત મસ્ત (રફીસાબ), છુપનેવાલે સામને આ (રફીસાબ), તુમ સા નહિ દેખા (ટાઈટલ સોંગ હોવાથી રફીસાબ અને આશા ભોંસલે બંનેને અલગથી ગાવા મળ્યું છે.), આયે હૈ દૂર સે (આશા ભોંસલે અને રફીસાબ), દેખો કસમ સે (આશા ભોંસલે અને રફીસાબ), સર પે ટોપી લાલ ( આશા ભોંસલે અને રફીસાબ). જો કે દેખો કસમ સે એક વર્ષ પહેલાં જ રીલીઝ થયેલ અંગ્રેજી ગાયક જ્યોર્જિયા ગીબ્સના ગીત ‘કિસ મિ અનોધર ધ અધર ડે’ ની કોપી હતું. નારાજ શમ્મી કપૂરને મનાવતી અમિતાના મુખે આ ગીત છે અને આવી સીચવેશન ત્યારબાદ શમ્મી કપૂરને ઘણીબધી ફિલ્મોમાં આવી, જેમાં હિરોઈન હીરોને ગીત ગાઈને મનાવે છે. સંગીતમય આ ફિલ્મ જોવાની મજા પડે એવી છે. સમાપ્ત જ્યોતિન્દ્ર મહેતા
ફિલ્મનું નામ : તુમસા નહીં દેખા ભાષા : હિન્દીપ્રોડ્યુસર : શશધર મુખર્જી ડાયરેકટર : નાસીર હુસૈન કલાકાર : અમિતા, શમ્મી કપૂર, રાજ મેહરા, બી. એમ. વ્યાસ, કનુ રોય અને પ્રાણ રીલીઝ ડેટ : ૧૯૫૭ ત્રણ વર્ષ પહેલાં જ કેરિયર શરૂ કરેલી હિરોઈન, જેના ખાતામાં માંડ સાત ફિલ્મો બોલતી હતી. ઓગણીસ કેટલી ફિલ્મો આપી ચૂકેલો હીરો જેની...Read more
-
Suraj
16 October 2023
8.5
ફિલ્મનું નામ : સુરજ ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ટી. ગોવિંદરાજન અને એસ. કૃષ્ણમૂર્તિ ડાયરેકટર : ટી. પ્રકાશ રાવ કલાકાર : રાજેન્દ્ર કુમાર, વૈજયંતીમાલા, અજીત, મુમતાઝ, જોની વોકર, ગજાનન જાગીરદાર, ડેવિડ, લલિતા પવાર અને મલ્લિકા રીલીઝ ડેટ : ૨૫ માર્ચ ૧૯૬૬ ધર્મેન્દ્રની ફુલ ઔર પથ્થર અને આયે દિન બહાર કે, સુનીલ દત્તની મેરા સાયા અને આમ્રપાલી, મનોજ કુમારની દો બદન અને સાવન કી ઘટા, દિલીપ કુમારની દિલ દિયા દર્દ લિયા, શશી કપૂરની પ્યાર કિયે જા જેવી એક થી એક ચઢિયાતી ફિલ્મો (લિસ્ટ હજી લાંબુ છે.) ૧૯૬૬ ના વર્ષમાં રીલીઝ થઇ હતી અને એવા શંભુમેળામાં સ્વેશબક્લર રુરીટેનિયન રોમાન્સ પ્રકારની ફિલ્મ સુરજ કમાણીમાં બીજે નંબરે રહી હતી. તે સમયમાં પણ દક્ષિણના નિર્માતાઓ અને નિર્દેશકો સારી હિન્દી ફિલ્મો આપતા હતા અને સુરજ તેનો ઉત્તમ નમૂનો છે. ટી, પ્રકાશ રાવે આ પહેલાં પણ એન. ટી. રામારાવને ચમકાવતી જયમ મનડે નામની કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મ(તેલુગુ) ડાયરેક્ટ કરી હતી અને તે અનુભવ તેમને આ ફિલ્મ બનાવતી વખતે કામમાં આવ્યો. ફિલ્મરસિયાઓ માટે શંકર જયકિશનના સુંદર સંગીતથી મઢેલી આ ફિલ્મ ખરેખર જલસો છે. ફિલ્મમાં ચોક્કસ ગાળો દર્શાવવામાં આવ્યો નથી. ફિલ્મ જોઈ ત્યારે એટલું જ ધ્યાનમાં આવે કે રાજા મહારાજાઓનો સમય હતો. વિક્રમ સિંઘ (ડેવિડ) એ બત્રીસ રજવાડાના રાજા છે અને પોતાના વફાદાર મિત્ર સંગ્રામ સિંઘ (નિરંજન શર્મા) ને તેની બહાદૂરી અને વફાદારી માટે પ્રતાપનગરના રાજા બનાવી દે છે અને સાથે જ પોતાની તાજેતરમાં જન્મેલી દીકરી અનુરાધાનું સગપણ સંગ્રામ સિંઘના દીકરા પ્રતાપ સાથે કરી દે છે. પોતાના વચનની નિશાની તરીકે એક હાર વિક્રમ સિઘ સંગ્રામ સિંઘને આપે છે, જે તે પોતાના દીકરા પ્રતાપને પહેરાવી દે છે. પ્રતાપ હંમેશાં સંગ્રામ સિંઘના વફાદાર રામ સિંઘ (ગજાનન જાગીરદાર) સાથે રહેતો હોય છે. એક દિવસ પ્રતાપ રામ સિંઘ સાથે રમતો હોય છે અને તે હાર નીચે પડી જાય છે. તે હાર એક દાસી ઉઠાવી જાય છે અને હાર ન મળતાં સંગ્રામ સિંઘ રામ સિંઘને ગુનેગાર માની લે છે અને તેને સજા આપે છે. બીજે દિવસે તે હાર મળી જાય છે, પણ રામ સિંઘના મનમાં બદલાની ભાવના સળગી ઉઠે છે અને તેને સંગ્રામ સિંઘ નિર્દોષ જાહેર કરે તે પહેલાં તે પ્રતાપને ઉપાડીને જંગલમાં ભાગી જાય છે. રામ સિંઘને એક દીકરો સુરજ અને એક દીકરી ગીતા પણ હોય છે. ચાર વર્ષ પછી રામ સિંઘ ચાલાકી કરે છે અને પોતાના દીકરા સુરજના હાથ ઉપર પ્રતાપ જેવું જ બળવાનું નિશાન બનાવીને સંગ્રામ સિંઘ પાસે મોકલી દે છે. રાજા સંગ્રામ સિંઘ અને રાણી (લલિતા પવાર) હાથનું નિશાન જોઇને માની લે છે કે એ તેમની દીકરો છે. બીજી તરફ રામ સિંઘ રાજુકુમાર પ્રતાપનું નામ સુરજ કરી દે છે અને કડક હાથે તેનો ઉછેર કરે છે. મોટો થયેલ સુરજ (રાજેન્દ્ર કુમાર) બહાદૂર છે અને લોકો તેને ખુબ પ્રેમ કરે છે કારણ તે બધાંને મદદ કરતો રહે છે. તેને રામ સિંઘ ત્યાંથી પસાર થઇ રહેલ સરકારી ખજાનો લુંટવા કહે છે, પણ તે જ સમયે સુરજ અને તેના સાથીદાર ભોલા (જોની વોકર)ની નજર પ્રતાપનગરના રાજકુમાર પ્રતાપ (અજીત) ના કાફલા ઉપર પડે છે, જે ગામની છોકરીઓને બળજબરીથી લઇ જઈ રહ્યો હોય છે. સુરજ તેનો સામનો કરે છે અને છોકરીઓને બચાવે છે. સંગ્રામ સિંઘને પ્રતાપની કરતૂતોની જાણ થતાં તેનું રાજતિલક કેન્સલ કરી દે છે, પણ રાણીની વિનવણીથી પ્રતાપના લગ્ન કરાવવા માટે તૈયાર થઇ જાય છે અને તેઓ મહારાજ વિક્રમ સિંઘ અને રાજકુમારી અનુરાધા (વૈજયંતી માલા) ને વાર્ષિક ઉત્સવ દરમ્યાન આવવા માટે આમંત્રણ આપે છે. જીદ્દી અનુરાધા પોતાના પિતા વિક્રમ સિંઘને એ માટે મનાવી લે છે કે તે એકલી જ પોતાની દાસી કલાવતી (મુમતાઝ) સાથે પ્રતાપનગર જશે. બંને એકલી નીકળે છે, પણ રંગપુરમાં પ્રતાપના માણસો તેને ઉપડવાનો પ્રયત્ન કરે છે. તે સમયે સુરજ તેને બચાવે છે. તે મનોમન સુરજની બહાદૂરીથી અંજાઈ જાય છે અને તેને રાજકુમાર સમજી બેસે છે. મહેલમાં અનુરાધા પોતાની ઓળખાણ કલાવતી તરીકે આપે છે અને કલાવતીને રાજકુમારી તરીકે પેશ કરે છે. ધીમે ધીમે અનુરાધાને ખબર પડે છે કે જેને તે રાજકુમાર સમજે છે એ સુરજ નામનો લુંટારો છે, પણ દિલથી બહુ સારો છે અને પછી તે તેના પ્રેમમાં પડી જાય છે, બીજી તરફ પ્રતાપ દાસી બનેલી અનુરાધાને પોતાના વશમાં કરવા માટે તત્પર છે. શું અનુરાધા બચી શકશે? શું સંગ્રામ સિંઘને ખબર પડે છે કે સુરજ અસલી રાજકુમાર છે? આગળ શું થાય છે એ જાણવા માટે આ ઘટનાસભર ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં હીરોઅન ટ્રેક સાથે કોમેડીનો એક ટ્રેક પણ ચાલતો રહે છે અને તેનો નાયક છે ભોલા જે કોતવાલ (આગા) ની દીકરી માધુરી (મલ્લિકા) ને પરણવા માટે એક અલગ જ ઢોંગ રચે અને તેને રોકવા માટે અનોખે (મુકરી) પણ પોતાની તરફથી પ્રયત્નો કરતો રહે છે. તે સમયમાં કોમેડીનું પણ આગવું મહત્વ હતું અને તે માટે ઘણીવાર કોમેડીયનોને હીરો કરતાં પણ વધુ પૈસા મળતાં. આ ફિલ્મમાં પણ જોની વોકરના અનોખા રંગ જોવા મળે છે. તેની હિરોઈન મલ્લિકા એ મુમતાઝની નાની બહેન અને દારાસિંઘના ભાઈ રંધાવાની પત્ની. તેનો દીકરો શાદ રંધાવા હિન્દી ફિલ્મોમાં સક્રિય છે. આ ફિલ્મમાં ક્યાંક મીસકાસ્ટિંગ પણ થયું છે. ડેવિડને વિગ લગાવીને અને પાઘડી પહેરાવીને કોઈ ઈચ્છે કે દર્શકો બત્રીસ રજવાડાનો મહારાજ છે એ માની લે (ઐસા સોચા હી કૈસે.) અભિનયની ઉસ્તાદ લલિતા પવારને ભાગે વધુ કાંઈ કરવાનું આવ્યું નથી. જોતી વખતે એમ થાય કે હમણાં એ કોઈ ચાલબાજી કરેશે, પણ છેલ્લે સુધી એ કંઈ કરતી નથી (એ તો ધોખા હૈ.) અન્ય કલાકારોએ પોતાના ભાગે આવેલું કામ સરસ રીતે પાર પાડ્યું છે. મુમતાઝ ઉપર ફોકસ ન હોવાથી હેરાન પરેશાન થવાના અને ક્યાંક વૈજયંતી માલાને ટોકવાના કેટલાક ડાયલોગ સિવાય બીજું કંઈ જ નથી. આ ફિલ્મથી એક નાની કલાકારે બોલીવુડમાં પ્રવેશ કર્યો જે આગળ જઈને ફિલ્મસ્ટાર અને કપૂર ખાનદાનની વહુ બની. નીતુ સિંઘ આ ફિલ્મમાં રામ સિંઘની દીકરી ગીતાના નાનપણના રોલમાં છે. આ ફિલ્મનો હીરો રાજેન્દ્રકુમાર બહુ સ્ટ્રગલ કરીને આગળ આવ્યો હતો. તેના પિતાની કરાચીમાં કપડાંની મિલ હતી, પણ દેશના ભાગલા પડવાને લીધે બધું છોડીને ભારત આવી જવું પડ્યું. યુવા રાજેન્દ્ર કુમાર તુલીએ પોતાના કેરિયરની શરૂઆત આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે કરી. ચાર વર્ષ સુધી તેણે આ કામ કર્યું. ૧૯૫૦ માં દિલીપ કુમાર અને નરગીસને ચમકાવતી ફિલ્મ જોગનમાં નાનો રોલ કર્યો અને તેના ઉપર નજર પડી દેવેન્દ્ર ગોયલની. તેમણે પોતાની ફિલ્મ વચનમાં રાજેન્દ્ર કુમારની હીરો તરીકે ચમકાવ્યો અને તે ફિલ્મ સિલ્વર જ્યુબિલી હીટ થઇ. ત્યાર બાદ તેને મેહબૂબ ખાનની ફિલ્મ મધર ઇન્ડિયામાં રોલ મળ્યો અને ત્યારબાદ તેણે પાછળ વળીને જોયું નથી. રાજેશ ખન્નાના આગમન સુધી તેનું બોક્સ ઓફીસ ઉપર રાજ ચાલતું રહ્યું. લોકો તેને જ્યુબિલી કુમાર નામથી બોલવતાં. તેની મોટાભાગની ફિલ્મો સફળ રહી. જો કે તેને ફિલ્મમાં અભિનય માટે ફિલ્મફેર કે અન્ય એવોર્ડ ક્યારેય ન મળ્યો, પણ તેનું બોલીવુડમાં યોગદાન નિશ્ચિતતાથી છે. લોકો કહેતા કે તે ચહેરાને બદલે હાથથી વધુ અભિનય કરે છે. ભારત સરકારે તેને પદ્મશ્રી પુરસ્કાર આપીને તેનું સન્માન કર્યું તે ઉપરાંત ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા કાનૂન અને મેહંદી રંગ લાગ્યો (ગુજરાતી ફિલ્મ) ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. ફિલ્મફેર એવોર્ડ તેનાથી છેટો જ રહ્યો. તેની ફિલ્મોની સફળતામાં સંગીતનું પણ એટલું જ યોગદાન હોતું અને આ ફિલ્મમાં પણ એવું જ છે. શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલ ગીતોને શંકર જયકિશને જબરદસ્ત સંગીત આપીને શણગાર્યાં છે. તિતલી ઉડી ઉડ જો ચાલી (શારદા), દેખો મેરા દિલ મચલ ગયા (શારદા), કૈસે સમઝાઉં બડી નાસમઝ હો (રફી સાબ અને આશા ભોસલે), ઇતના હૈ તુમસે પ્યાર મુઝે (રફી સાબ અને સુમન કલ્યાણપુર), ચેહરે પે ગિરિ ઝૂલ્ફે (રફી સાબ), બહારોં ફુલ બરસાઓ (રફી સાબ). રાજેન્દ્ર કુમારને એવોર્ડ ભલે ન મળ્યો, પણ આ ફિલ્મના સંગીતે ત્રણ એવોર્ડ મેળવ્યા હતા, શ્રેષ્ઠ સંગીતકાર, શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ ગાયક. સંગીતના શોખીનો માટે આ ફિલ્મ ઉત્તમ નજરાણું છે.જ્યોતિન્દ્ર મહેતા
ફિલ્મનું નામ : સુરજ ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ટી. ગોવિંદરાજન અને એસ. કૃષ્ણમૂર્તિ ડાયરેકટર : ટી. પ્રકાશ રાવ કલાકાર : રાજેન્દ્ર કુમાર, વૈજયંતીમાલા, અજીત, મુમતાઝ, જોની વોકર, ગજાનન જાગીરદાર, ડેવિડ, લલિતા પવાર અને મલ્લિકા રીલીઝ ડેટ : ૨૫ માર્ચ ૧૯૬૬ ધર્મેન્દ્રની ફુલ ઔર પથ્થર અને આયે દિન બહાર કે, સુનીલ દત્તની મેરા...Read more
-
ફિલ્મનું નામ : કિસ્મત ભાષા : હિન્દીપ્રોડ્યુસર : બોમ્બે ટોકીઝ ડાયરેકટર : જ્ઞાન મુખર્જી કલાકાર : અશોક કુમાર, મુમતાઝ શાંતિ, શાહ નવાઝ, વી. એચ. દેસાઈ, કનુ રોય, ચંદ્રપ્રભા, ડેવિડરીલીઝ ડેટ : ૯ જાન્યુઆરી ૧૯૪૩ બીજા વિશ્વયુદ્ધના સમયે ૧૯૪૩માં રીલીઝ થયેલી આ ફિલ્મ પોતાની રીતે ભારતીય સિનેમા માટે એક માઈલસ્ટોન છે. આ ફિલ્મ ભારતની સૌથી પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ ગણાય છે, તે ઉપરાંત આ ફિલ્મ દ્વારા જ પહેલીવાર એન્ટીહીરોનો ભારતીય સિનેમામાં પ્રવેશ થયો. આનાથી પહેલાં આવેલી ફિલ્મોમાં હીરો હંમેશાં સ્વચ્છ ચરિત્રના જ ધરાવતા. આ ફિલ્મ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મુલાની પહેલી ફિલ્મ ગણાય છે, જો કે આ ફિલ્મની અગાઉ જ્ઞાન મુખર્જી પોતાની પહેલી ફિલ્મ ‘ગીતા’ માં વાપરી ચુક્યા હતાં, પણ તેને સફળતા મળી નહોતી. આ ફિલ્મ કલકત્તાના રોક્સી થીએટરમાં લાગલગાટ ત્રણ વર્ષ આઠ મહિના સુધી ચાલી અને આ રેકોર્ડ શોલે રીલીઝ થઇ ત્યાં સુધી (લગભગ ૩૨ વર્ષ) અકબંધ રહ્યો. આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે ફિલ્મ ઇન્ડિયા મેગેઝીનવાળા બાબુરાવ પટેલે રીતસરનાં માછલાં ધોયાં હતાં, પણ ફિલ્મ રીલીઝ થઇ અને ટીકીટબારી ઉપર ટંકશાળ પડી..બે લાખના ખર્ચે બનેલી ફિલ્મે એક કરોડનો વકરો કર્યો. એક કરોડના આંકડાને સ્પર્શ કરનાર આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ જ્ઞાન મુખર્જીએ અગજાની કાશ્મીરી (મૂળ નામ સૈયદ વાજીદ હુસૈન રીઝવી) સાથે મળીને લખી હતી. અગજાની યુવાનીમાં પ્રવેશ કરતાં જ આંખોમાં હીરો બનવાનાં શમણાં આંજીને ઘરેથી ભાગીને મુંબઈ આવી ગયા હતા. થોડી ફિલ્મોમાં કામ કર્યું, પણ લેખન ઉપર સારો કાબુ હોવાથી બોમ્બે ટોકીઝના હિમાંશુ રાય પાસે સ્ક્રીનપ્લે લખવાનું શીખ્યા અને ડાયલોગ લખાવનું શીખ્યા. તેમણે લખેલી ફિલ્મોમાં કિસ્મત ઉપરાંત રાજ કપૂરની ચોરી ચોરી, સુનીલ દત્તની એ રાસ્તે હૈ પ્યાર કે અને અમિતાભની પરવાના જેવી સારી ફિલ્મોનો સમાવેશ થાય છે. હિમાંશુ રાયના મૃત્યુ પછી બોમ્બે ટોકીઝની માલિકી માટે ઘણા બધાં લોકો વચ્ચે સ્પર્ધા શરૂ હતી. કિસ્મત આ સમયમાં જ બની. દેવિકા રાની અને શશધર મુખર્જી (અશોક કુમારના જીજાજી) એ સાથે મળીને આ ફિલ્મ બનાવી. એન્ટી હીરોની એન્ટ્રીવાળી આ ફિલ્મની શરૂઆત એક કેદીની જેલની રિહાઈ સાથે થાય છે. જેલમાંથી છુટેલ શેખર (અશોક કુમાર)ને જેલર ગુનેગારીનો રસ્તો છોડી દેવા સમજાવે છે. જેલથી બહાર આવેલ શેખર જુએ છે એક ચોર બાંકે (વી.એચ. દેસાઈ) એક વ્યક્તિ (પી.એફ. પીઠાવાલા) નું ખિસ્સું કાપી રહ્યો છે. સફળતાપૂર્વક ચોરી કરીને જઈ રહેલ બાંકે સાથે શેખર ભટકાઈ જાય છે અને તેની પાસેથી ચોરી કરેલ ઘડિયાળ તફડાવી લે છે. ચોરીનો માલ વેચવા માટે બાંકે દુકાનમાં પ્રવેશે છે, પણ તેને ખબર પડી જાય છે કોઈએ તેનું ખિસ્સું કાતરી લીધું છે. પાછળથી આવેલ શેખર પાસે ઘડિયાળ જોઇને તે સમજી જાય છે એક શેખર જ ચોર ઉપર મોર સાબિત થયો છે. દુકાનદાર (ડેવિડ અબ્રાહમ) ને લીધે બંને વચ્ચે ઓળખાણ થાય છે અને બાંકે પોતાનાથી મોટા ચોર શેખર સાથે પાર્ટનરશીપ કરી લે છે. જેની ઘડિયાળ હોય છે તે વ્યક્તિ પોતાની દીકરી રાની (મુમતાઝ શાંતિ) નો શો જોવા માટે જ ઘડિયાળ વેચવા માટે નીકળ્યો હોય છે. શેખરને તેની દયા આવે છે અને તેની દીકરીનો શો જોવા માટે થિયેટરમાં લઈ જાય છે. તે વ્યક્તિ સાથે વાત કરતાં ખબર પડે છે કે તે ક્યારેક તે થિયેટરનો માલિક હતો અને તેના વ્યસનને લીધે જ તે બરબાદ થઇ ગયો હોય છે. પોતાની દીકરી રાની પણ તેની મૂર્ખતાને લીધે અપંગ થઇ ગઈ હોય છે અને તે શોમાં એક ખૂણામાં ઉભી રહીને ગાતી હોય છે. રાની તેના પિતાને જોઈ જાય છે અને તેમની નજીક જવા જાય છે, પણ તેના પિતા ભાગી જાય છે. રાની શેખરને તેના પિતાના મિત્ર સમજે છે. શેખર તે થિયેટરના માલિક ઇન્દ્રજીત બાબુ (મુબારક)ની પત્નીના ગળામાંથી મોતીનો હાર સેરવી લે છે અને બચવા માટે રાનીના સામાનમાં મૂકી દે છે. રાત્રે તે રાનીના ઘરે હાર પાછો લેવા જાય છે. તે સમયે અવાજ થતાં બધાં જાગી જાય છે, પણ રાની શેખરને પિતાએ મોકલ્યો છે એમ સમજીને શેખરને પોલીસથી બચાવે છે. શેખર રાનીના પ્રેમમાં પડી જાય છે. રાની પણ તેને પ્રેમ કરવા લાગે છે. રાનીની બહેન લીલા (ચંદ્રપ્રભા) થિયેટરના માલિક ઇન્દ્રજીતબાબુના દીકરા મોહન (કનુ રોય) સાથે પ્રેમ કરે છે અને પ્રેગનેન્ટ થઇ જાય છે. (ભારતીય સિનેમાના ઇતિહાસમાં લગ્ન પહેલાં સ્ત્રીને ગર્ભવતી થતાં દર્શાવતી આ પહેલી ફિલ્મ હતી.) એક સમય આવે છે જયારે રાની સામે શેખર ચોર છે એ જાહેર થઇ જાય છે. આગળ જે રસપ્રદ ઘટનાઓ થાય છે તે માટે ફિલ્મ જોવી રહી. અશોક કુમારના સહજ અભિનયને લીધે લોકોએ એક ચોરનો પણ હીરો તરીકે બહુ સહજતાથી સ્વીકાર કર્યો. એક્ટિંગને મામલે તે બાકી બધા કલાકારો ઉપર હાવી રહ્યા. મુમતાઝ શાંતિ પણ પોતાનો રોલ બહુ સારી રીતે નિભાવ્યો છે. પંજાબમાં જન્મેલી મુમતાઝ બેગમે ૧૯૩૭ માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને બહુ જ જલદી તે ધ જ્યુબિલી ગર્લ તરીકે ઓળખાવા લાગી. ૧૯૫૦ માં પોતાના પતિ વલી સાહેબ સાથે તે પાકિસ્તાન જતી રહી. ૧૯૪૦ થી ૧૯૫૦ સુધી તેણે અનેક સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું. ૧૯૭૫ માં તેણે ફરી સંજીવ કુમારની આક્રમણ નામની ફિલ્મમાં શોખ માટે નાની ભૂમિકા ભજવી. કિસ્મતમાં કોમેડીનો ભાર વી. એચ. દેસાઈ અને ડેવિડના ખભે છે એજ તે બંનેએ બરાબર ઉપાડ્યો છે. તે સમયમાં કંપની કલાકારોને નોકરી ઉપર રાખતી તેથી ઘણા કલાકારો એક જ પ્રોડ્યુસરની ફિલ્મોમાં દેખાતા. દેસાઈ તેમાંનો એક હતો. તેણે જે ફિલ્મમાં રોલ કર્યો છે તે બધી જ બોમ્બે ટોકીઝની ફિલ્મો હતી. ૧૯૫૦માં મૃત્યુ થતાં હિન્દી સિનેમાએ એક સારો કોમેડિયન ગુમાવ્યો. ડેવિડને હંમેશાં વૃદ્ધ અને ટાલિયાના રોલમાં જોયો હોવાથી પહેલી નજરમાં એકદમ યુવા ડેવિડ ઓળખાતો નથી. ખંધા તેમ જ હંમેશાં કોઈ સ્ત્રી સાથે ફોન ઉપર વાત કરતા રહેતા દુકાનદારના રોલમાં તે જામે છે. પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરનાર શાહ નવાઝ પણ આઝાદી પછી પાકિસ્તાન જતો રહ્યો. આ ફિલ્મથી ગીતા રોય ચૌધરી (ગીતા દત્ત) ના ભાઈ કનુ રોયે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. શેખરના બાળપણનો રોલ મેહમૂદે ભજવ્યો છે. સંગીત આ ફિલ્મનું જમાપાસું છે. અનિલ બિસ્વાસે સરસ ગીતો આપ્યાં છે. અનિલ બિસ્વાસે પહેલીવાર ફુલ કોરસનો ઉપયોગ કર્યો છે, એટલે કે સંપૂર્ણ ગીત કોરસે જ ગયું. સંપૂર્ણ કોરસમાં ગવાયેલું તે ગીત હતું ‘આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હતી, દૂર હટો ઐ દુનિયાવાલો’ તે ગીત અંગ્રેજોની લોખંડી સેન્સરશીપમાંથી પસાર થવાનું કારણ પણ તેની એક પંક્તિમાં છે, જ્યાં જર્મન અને જાપાન શબ્દ વાપર્યા હતા. તે સમયે બીજું વિશ્વયુદ્ધ શરૂ હતું અને બ્રિટન મિત્રદેશો સાથે મળીને જર્મની અને જાપાન સામે લડી રહ્યું હતું તેથી પ્રદીપે ચાલાકીથી એક પંક્તિ ગોઠવી અને દિલમાં આગ જગાવી શકતું દેશભક્તિનું ગીત સેન્સરમાંથી પાસ થઇ ગયું. ફિલ્મ રીલીઝ થઇ અને થોડા જ સમયમાં આ ગીત રાષ્ટ્રભક્તિ માટેનું ગીત બની ગયું. અંગ્રેજો ફિલ્મ ઉપર બેન ન લગાવી શક્યા, પણ કવિ પ્રદીપ માટે અરેસ્ટ વોરંટ નીકળ્યું. જો કે કવિ પ્રદીપ અન્ડરગ્રાઉન્ડ થઇ ગયા હતા. ‘દે દિ હમેં આઝાદી’, ‘અય મેરે વતન કે લોગોં’, ‘આઓ બચ્ચો તુમ્હે દિખાયે’, ‘હમ લાયે હૈ તુફાન સે’ જેવાં દેશભક્તિનાં ગીતો કવિ પ્રદીપને કલમથી નીકળ્યાં છે. કૂલ આઠ ગીતો છે આ ફિલ્મમાં જેમાંથી ‘આજ હિમાલય કી ચોટી સે’, ‘મેરા બુલબુલ સો રહા હૈ’, ‘ઐ દુનિયા બતા – ઘર ઘર મેં દિવાલી’ આજના સમયમાં પણ કર્ણપ્રિય લાગે છે. બાકીનાં ગીતો ‘અબ તેરે સિવા કીન મેરા કિશન’, ‘ હમ ઐસી કિસ્મત કો’, ‘પપીહા રે મેરે પિયા સે કહીયો’, ‘તેરે દુઃખ કે દિન’ તે સમયે કદાચ ચાલ્યાં હશે, પણ આજના સમયમાં સાંભળવામાં મજા નથી આવતી. મોટાભાગનાં ગીતો અમીરબાઈ કર્નાટકીએ ગાયાં છે. કન્નડ કોકિલાના નામથી જાણીતી આ ગાયિકાનો ગુજરાતી ઉપર પણ એટલો જ કાબુ હતો. તેણે અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશનમાં ;મારે તે ગામડે એક વાર આવજો’ ગાયું હતું. તેણે ગીતો ગાવા ઉપરાંત ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. કેટલીક બાબતો આ ફિલ્મમાં ખટકે છે. અપંગ બનેલી રાનીને કાખઘોડી લઈને ફક્ત ગીત દરમ્યાન દેખાડવામાં આવી છે, બાકી સમયમાં તે કાખઘોડી અદ્રશ્ય થઇ જાય છે. તે અપંગ છે એવું એક પણ દ્રશ્ય દ્વારા લાગતું નથી. ગુરૂજી નામનું એક પાત્ર ઉભડક રીતે બતાવવામાં આવ્યું છે. તે શા માટે રાની અને લીલા સાથે રહે છે અને અચાનક કેવી રીતે ગીત ગાવા લાગે છે તે રહસ્યમય લાગે છે. આરોહ અવરોહ સાથે બોલતા ડાયલોગ અને બ્લેક એન્ડ વ્હાઈટ તેમ જ અશોક કુમારના ફેન હોવ તો આ ફિલ્મ જોવાની મજા આવશે. જ્યોતિન્દ્ર મહેતા
ફિલ્મનું નામ : કિસ્મત ભાષા : હિન્દીપ્રોડ્યુસર : બોમ્બે ટોકીઝ ડાયરેકટર : જ્ઞાન મુખર્જી કલાકાર : અશોક કુમાર, મુમતાઝ શાંતિ, શાહ નવાઝ, વી. એચ. દેસાઈ, કનુ રોય, ચંદ્રપ્રભા, ડેવિડરીલીઝ ડેટ : ૯ જાન્યુઆરી ૧૯૪૩ બીજા વિશ્વયુદ્ધના સમયે ૧૯૪૩માં રીલીઝ થયેલી આ ફિલ્મ પોતાની રીતે ભારતીય સિનેમા માટે એક માઈલસ્ટોન છે. આ ફિલ્મ...Read more
-
ફિલ્મનું નામ : મિસ્ટર એન્ડ મિસેસ ૫૫ ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ગુરૂદત્ત ડાયરેકટર : ગુરૂદત્ત કલાકાર : ગુરૂદત્ત, મધુબાલા, લલિતા પવાર, જોની વોકર અને ઉમાદેવી રીલીઝ ડેટ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૫૫ ગુરૂદત્તનું નામ સાંભળતાં જ આપણી નજર સામે ધીરગંભીર ચહેરો આવી જાય અને આપણે તેને ક્યારેય કોમિક રોલમાં કલ્પી ન શકીએ, પણ આ કોમેડી ફિલ્મમાં ગુરૂદત્ત પ્રોડ્યુસર, ડાયરેકટર તેમ જ અભિનેતા એવી ત્રિવિધ ભૂમિકામાં છે. ટાઈમ આઉટ મેગેઝીને ૨૦૧૯માં બોલીવૂડની ટોપ ૧૦૦ ફિલ્મોનું લિસ્ટ બનાવ્યું તેમાં આ ફિલ્મ ૫૭ મા નંબરે બિરાજે છે. ૧૯૨૫ માં જન્મેલ ગુરૂદત્ત ખરેખર સ્વપ્નવત જીવન જીવી ગયા. તેમના પિતા શિવશંકર પાદુકોણ સ્કુલમાં હેડમાસ્તર હતા અને માતા વાસંથીદેવી શિક્ષિકા તેમ જ લેખિકા હતાં. આમ તો ગુરૂદત્તનું મૂળ નામ વસંથકુમાર હતું. (આમ તો વસંત જ કહેવાય, પણ દક્ષિણમાં ઉચ્ચાર થ થતો હોવાથી સાચું નામ વસંથ જ કહેવાય.) નાનપણમાં એક્સીડેન્ટ પછી માતાપિતાએ બદલીને તેમનું નામ ગુરૂદત્ત કરી દીધું. તેમનું બાળપણ કલકત્તાના ભવાનીપોરમાં વીત્યું હોવાથી તેમનો બંગાળી ભાષા ઉપર પણ સારો કાબુ હતો. ગુરૂદત્તને ત્રણ ભાઈઓ અને એક બહેન હતી. આત્મારામ, દેવી, વિજય અને લલિતા. જેમાંથી આત્મારામ ડાયરેક્ટર બન્યો અને દેવી ફિલ્મ નિર્માતા બન્યો. બહેન લલિતા લાજમી એ પ્રખ્યાત ચિત્રકાર બની અને તેની દીકરી કલ્પના લાજમીની ગણના સારા ફિલ્મ ડાયરેકટરમાં થાય છે. ૧૯૪૨માં ગુરૂદત્તે ઉદયશંકર (પ્રખ્યાત નૃત્યગુરૂ અને કોરિયોગ્રાફર) ની ડાન્સ સ્કૂલમાં એડમીશન લીધું અને તેમની નૃત્ય તાલીમ શરૂ થઇ. જો કે કેટલાક સમય બાદ સ્કુલ છોડીને લીવર બ્રધર્સ કંપનીમાં ટેલિફોન ઓપરેટર તરીકે જોડાયા. ડાન્સ સ્કુલ છોડવા પાછળનું કારણ કોઈ સ્ત્રી હતી એવું કહેવાય છે. થોડા જ સમયમાંથી નોકરીમાંથી કંટાળીને રાજીનામું આપી દીધું અને મુંબઈમાં સ્થાઈ થયેલ માતાપિતા પાસે પાછા ફર્યા. ત્યારબાદ તે પુણે સ્થિત પ્રભાત ફિલ્મ કંપનીમાં જોડાયા અને ત્યાં જ તેમની મુલાકાત જીવનના કાયમી મિત્રો રેહમાન અને દેવ આનંદ સાથે થઇ. પ્રભાત કંપનીમાં એક ફિલ્મમાં નાનો રોલ કર્યો અને પી. એક સંતોષીની ફિલ્મ ‘હમ એક હૈ’ માં આસીસ્ટન્ટ ડાયરેકટર અને કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું, જે દેવ આનંદની પહેલી ફિલ્મ હતી. પ્રભાત ફિલ્મ સાથેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી તે બાબુરાવ પૈના આસિસ્ટન્ટ તરીકે જોડાયા અને ત્યાં પણ થોડા સમયમાં કામ છોડી દીધું. મુંબઈ આવ્યા પછી તેમણે લેખનમાં હાથ અજમાવ્યો કેટલીક અંગ્રેજી ટૂંકી વાર્તાઓ ધ ઈલસ્ટ્રેટેડ વીકલી માટે લખી. ત્યારબાદ તેમણે થોડો સમય અમીય ચક્રવર્તી અને જ્ઞાન મુખર્જી સાથે કામ કર્યું. તે જ સમયમાં જે સફળ થશે તે બીજાને બ્રેક આપશે એ ન્યાયે દેવ આનંદે નવકેતન બેનર તળે બનાવી રહેલ ‘બાઝી’ નું નિર્દેશન કરવાનું કહ્યું અને આમ બોલીવુડને ઓલ ટાઈમ ગ્રેટ ડાયરેકટરની લીસ્ટમાં ટોપ ટેનમાં સામેલ થઇ શકે એવો ડાયરેકટર મળ્યો. ગુરૂદત્તને પ્રકાશ અને છાયા વિષે અદ્ભુત સૂઝ હતી. ક્લોઝ અપ કેવી રીતે લેવા તેનો અંદાજ અન્ય ડાયરેકટરોથી અલગ હતો. બાઝીના નિર્માણ દરમ્યાન ફિલ્મની લેખિકા (આ ફિલ્મના સહલેખક બલરાજ સહાની હતા) તેમ જ ગાયિકા ગીતા રોય ચૌધરી સાથે ગુરૂદત્તને પ્રેમ થઇ ગયો ત્રણ વર્ષના પ્રેમ પછી ૧૯૫૪ માં તેમણે લગ્ન કર્યાં. ત્યારબાદ ગુરૂદત્તની ફિલ્મો આવતી ગઈ અને સફળ થતી ગઈ. તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું અને તેના બેનર હેઠળ બાઝ ફિલ્મ બનાવી, જે આંશિક સફળ રહી. ગુરૂદત્તની મોટાભાગની ફિલ્મો સફળ થઇ. તેમની ફ્લોપ ગયેલી ફિલ્મ હતી કાગઝ કે ફુલ, જેની ગણના પાછળથી ક્લાસિક ફિલ્મોમાં થાય છે. ફિલ્મના સેટ ઉપર શિસ્તબદ્ધ રહેતાં ગુરૂદત્ત પોતાના નીજી જીવનમાં એટલા શિસ્તબદ્ધ નહોતા. તે ઉપરાંત કેટલાક સમય બાદ તેમનું અને ગીતા દત્તનું લગ્નજીવન ખરાબે ચડ્યું અને ૧૯૬૪માં ઊંઘની ગોળીના ઓવરડોઝને લીધે તેમનું અવસાન થયું. તેમણે બનાવેલી ફિલ્મોની ગણના આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવે છે. નિર્દેશક તરીકે તો તે ઊંચું સ્તર ધરાવતા હતા, સાથે જ અભિનેતા તરીકે પણ એટલા જ અદ્ભુત હતા. સી.એન. એન. ની ટોપ ૨૫ એશિયન એક્ટરની લીસ્ટમાં ગુરૂદત્ત અમિતાભ. નરગીસ, પ્રાણ અને મીના કુમારી સાથે બિરાજે છે. આ ફિલ્મની વાત કરીએ તો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહેલ ભારતીયો ઉપર વ્યંગ કરવામાં આવ્યો છે. અનિતા વર્મા (મધુબાલા) એ સ્વર્ગીય લખપતિ બાપની દીકરી છે જે પોતાની ફોઈ સીતા દેવી (લલિતા પવાર) સાથે રહે છે. સીતા દેવીને પુરુષોથી સખત ચીડ છે અને સંસદમાં આવી રહેલ ડાયવોર્સ બીલની તરફેણમાં ક્લબમાં ભાષણો આપતી રહે છે. અનિતા ટેનિસ પ્લેયર રમેશ (અલ-નાસીર : મહેમાન કલાકાર)ને પ્રેમ કરે છે, તે ટેનિસ અને રમેશ પાછળ ગાંડી છે. આવી જ એક મેચમાં તે મુફલીસ અને બેકાર કાર્ટુનીસ્ટ પ્રીતમ કુમાર (ગુરૂદત્ત) સાથે ટકરાઈ જાય છે. તેને જોઇને પ્રીતમ દિલ દઈ બેસે છે. જો કે પ્રીતમ પાસે કોઈ નોકરી નથી અને તેનો બધો ખર્ચ તેનો રંગીન સ્વભાવનો મિત્ર જોની (જ્હોની વોકર) કરતો હોય છે. અનિતાની અઢારમી વર્ષગાંઠે તેના પિતાની વસિયત ખુલે જે જેમાં લખ્યું હોય છે કે વિલ ખુલ્યાના એક મહિનામાં અનિતા લગ્ન નહિ કરે તો સિત્તેર લાખની જાયદાદ અનાથ આશ્રમને આપી દેવામાં આવશે. અનિતા રમેશને લગ્ન માટે વિનવે છે, પણ તે ઇનકાર કરીને વિમ્બલ્ડન રમવા જતો રહે છે. બીજી તરફ સીતા દેવી એક બેકાર વ્યક્તિની શોધ કરી રહ્યાં હોય છે, જે અનિતા સાથે થોડા સમય માટે લગ્ન કરીને તેઓ કહે ત્યારે ડાયવોર્સ આપી દે અને તેમના સંપર્કમાં આવે છે પ્રીતમ. પ્રીતમ અને અનિતાનાં લગ્ન થયાં પછી શું થાય છે તે માટે ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં કોમેડીનો ભાર મધુબાલા અને જોની વોકરના ખભે છે. બોલીવુડની આજ સુધીની સૌથી સુંદર અભિનેત્રી મધુબાલા દરેક પ્રકારના રોલમાં ખીલી જતી. કોમેડી હોય કે સિરીયસ તે દરેક પ્રકારના રોલમાં સહજ રહેતી. આ ફિલ્મ પહેલાં શ્યામાને ઓફર કરવામાં આવી હતી જે ગુરૂદત્તની અગાઉની ફિલ્મ આર પારની હિરોઈન હતી, પણ તેણે ઉંચી ફી માંગતા આ ફિલ્મ વૈજયંતી માલાને ઓફર કરવામાં આવી. વૈજયંતી માલાએ વ્યસ્તતાનું કારણ આપીને ફિલ્મ છોડી દીધી, જેનો તેને પાછળથી બહુ પછતાવો થયો. ત્રીજી ચોઈસ રહેલ મધુબાલાએ આ ફિલ્મમાં અદ્ભુત એક્ટિંગ કરી બતાવી છે. ૧૯૫૫ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ પાંચમે નંબરે રહી. બાઝી ફિલ્મના શુટિંગ વખતે બસમાં ભટકાયેલ રમૂજી કંડકટરને લઈને તે ફિલ્મના લેખક બલરાજ સહાની સેટ ઉપર પહોંચ્યા અને તેને દારૂડિયાની એક્ટિંગ કરવા કહ્યું. તેણે સેટ ઉપર હંગામો મચાવી દીધો. દેવ આનંદ અને ગુરૂદત્ત પણ હેરાન પરેશાન થઇ ગયા, પણ જયારે તેમને ખબર પડી કે તે એક્ટિંગ કરી રહ્યો છે, ત્યારે તે કલાકારથી અંજાઈ ગયા અને બાઝીમાં નાનો રોલ પણ આપ્યો. તે ફિલ્મના ટાઈટલમાં તો તે કલાકારની નામ ન ચમક્યું, પણ ત્યારબાદ બદરુદ્દીન કાઝી નામનો તે કંડકટર જોની વોકરના નામથી જાણીતો થઇ ગયો. પચાસ અને સાઈઠના દાયકો તેની કોમેડીના નામે લખાયો. તેને સારા ગીતો અને સુંદર સહકલાકારા પણ અપાતી. આ ફિલ્મમાં પણ તેની સાથે જોડી જમાવનાર યાસ્મીનને જુઓ તો જ ખ્યાલ આવે કે એક જમાના જોની કા ભી થા. ઘટનાઓ ઉપર આધારિત કોમેડી ફિલ્મ હોવાથી આ ફિલ્મમાં કેટલાક સીનમાં લલિતા પવાર પણ હસાવી જાય છે. આ ફિલ્મ સુધી ટાઈટલમાં જાણીતી ગાયિકા અને કોમેડિયન ટુનટુનનું નામ ઉમાદેવી તરીકે જ લખાતું હતું. તે જોની અને ગુરૂદત્ત જે ઘરમાં રહે છે તેની માલકણના રોલમાં છે. ચંદ્રશેખર દુબે (અંગૂરનો છેદીલાલ) એ આ ફિલ્મ દ્વારા જ બોલીવુડમાં પદાર્પણ કર્યું છે. શરૂઆતમાં ડોક્ટર બનીને એક સીન માટે આવે છે. સંગીતની વાત કરીએ તો ઓ.પી. નૈયરે ધમાકેદાર સંગીત આપ્યું છે. આ ફિલ્મની હાઈલાઈટ છે રફી સાબનું ‘મેરી દુનિયા લૂટ રહી થી.’ છે તે ઉપરાંત રફી સાબ અને ગીતા દત્તનું ‘જાને કહાં મેરા જીગર ગયા જી’ (એક જમાના જોની કા ભી થા) ‘નીલે આસમાની’ (ગીતા દત્ત) (આ ગીતના ટ્રેકનો ઉપયોગ પોપ ગાયકોએ પણ કર્યો છે), ચલ દિયે બંદા નવાઝ (રફી સાબ અને ગીતા દત્ત), એ જી દિલ પર હુઆ ઐસા જાદુ (રફી સાબ), ઉધર તુમ હસીન હો (રફી સાબ અને ગીતા દત્ત), ઠંડી હવા કાલી ઘટા (ગીતા દત્ત અને શમશાદ બેગમ), અબ તો જી હોને લગા (શમશાદ બેગમ). આ ગીતો સિવાય પણ એક ગીત છે જે પહેલાં નોન ફિલ્મી આલ્બમમાં આવ્યું હતું. ગાયક હતા સી. એચ. આત્મા અને ગીત હતું ‘પ્રીતમ આન મિલો’ તેમના નોન ફિલ્મી ગીતને પણ ઓ. પી. નૈયરે જ સંગીત બદ્ધ કર્યું હતું. અંગૂર ફિલ્મમાં વપરાયેલ ‘પ્રીતમ આન મિલો’ તે મૂળ આ ફિલ્મમાં હતું. ગીતા દત્તે પોતાનો મધુર કંઠ આ ગીતને આપ્યો છે. આ ગીતથી ગુરૂદત્ત એટલા પ્રભાવિત થઇ ગયા કે ફિલ્મમાં પોતાના પાત્રનું નામ પ્રીતમ રાખી દીધું.આ ફિલ્મમાં જેટલાં પણ કાર્ટુનો ગુરૂદત્તે દોરેલાં બતાવ્યાં છે તે પ્રખ્યાત કાર્ટુનીસ્ટ આર. કે. લક્ષ્મણે દોરેલાં છે.ગુરૂદત્તને કોમેડી રોલમાં જોવા માગતા ચાહકો માટે અને મધુબાલાના અઠંગ ચાહકો માટે આ ફિલ્મ જલસો છે. યુટ્યુબ ઉપર જોવા મળી રહેશે. જ્યોતિન્દ્ર મહેતા
ફિલ્મનું નામ : મિસ્ટર એન્ડ મિસેસ ૫૫ ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ગુરૂદત્ત ડાયરેકટર : ગુરૂદત્ત કલાકાર : ગુરૂદત્ત, મધુબાલા, લલિતા પવાર, જોની વોકર અને ઉમાદેવી રીલીઝ ડેટ : ૧૧ ફેબ્રુઆરી ૧૯૫૫ ગુરૂદત્તનું નામ સાંભળતાં જ આપણી નજર સામે ધીરગંભીર ચહેરો આવી જાય અને આપણે તેને ક્યારેય કોમિક રોલમાં કલ્પી ન શકીએ, પણ આ...Read more
-
ફિલ્મનું નામ : ફૂલ ઔર પત્થર ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ઓ. પી. રાલ્હન ડાયરેકટર : ઓ.પી. રાલ્હન કલાકાર : મીના કુમારી, ધર્મેન્દ્ર, શશીકલા, મદન પૂરી, જીવન, લલિતા પવાર, રામ મોહન, સુંદર. ઓ.પી. રાલ્હન અને મનમોહન કૃષ્ણ રીલીઝ ડેટ : ૧૪ ઓગસ્ટ ૧૯૬૬ ફિલ્મફેરની ન્યુ ટેલેન્ટ સ્પર્ધામાં વિજેતા બનેલ પંજાબી જાટ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ વિજેતા માટેની ફિલ્મમાં કામ કરવા માટે મુંબઈ આવ્યો, પણ તે ફિલ્મ શરૂ જ ન થઇ. તેણે ફિલ્મોમાં પદાર્પણ કર્યું અર્જુન હિંગોરાનીની ૧૯૬૦ની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’. ત્યારબાદ તેણે ૧૯૬૧માં અશોક કુમારની કિસ્મતની રીમેક અને શમ્મી કપૂરને ચમકાવતી ‘બોય ફ્રેન્ડ’ માં કામ કર્યું. બંને ફિલ્મો સફળ હતી અને આ પંજાબી પુત્તર ચાલી નીકળ્યો. તેની શરૂઆતની ફિલ્મોમાં તેના રોલ રોમેન્ટિક હીરોના હતા તેમ જ મોટાભાગની ફિલ્મો સ્ત્રીપ્રધાન હતી. ૧૯૬૬માં આવેલી ફિલ્મ ફૂલ ઔર પત્થરે તેના કરીકીર્દીની દિશા અને દશા બંને બદલી દીધી. અગાઉ તે મીના કુમારી સાથે ચાર ફિલ્મોમાં કામ કરી ચૂક્યો હતો અને બંનેની જોડી સફળ ગણાતી. જો કે આ ફિલ્મ માટે તે પહેલી ચોઈસ નહોતો. આ ફિલ્મ માટે ઓ.પી. રાલ્હને પોતાના જીજાજી રાજેન્દ્રકુમારને ફિલ્મના હિરોનો રોલ કરવાનું કહ્યું, પણ તેમણે હીરોને બદલે પ્રેઝેન્ટર બનવાનું સ્વીકાર્યું. ત્યારબાદ રાલ્હન ગયા સુનીલ દત્ત પાસે અને તેમણે પણ ના પાડી. નિરાશ થયેલ રાલ્હને પ્રસ્થાપિત હિરોને બદલે કોઈ નવા હિરોને લેવાનું નક્કી કર્યું. તેણે ધર્મેન્દ્રને વાત કરી અને ધર્મેન્દ્રે હા પાડી. ધર્મેન્દ્ર હિરોનો રોલ કરવાનો છે એ જાણીને મીના કુમારીના પતિ કમાલ અમરોહીએ વિરોધ કર્યો, પણ રાલ્હન પોતાના નિર્ણય ઉપર અડગ હતા. વિધિની વક્રતા જુઓ કે આ ફિલ્મ ૧૯૬૬ની ટોપ ગ્રોસિંગ ફિલ્મ બની અને તેની સામે કમાણીમાં રાજેન્દ્ર કુમારની સુરજ બીજા નંબરે રહી અને સુનીલ દત્તની મેરા સાયા ત્રીજે નંબરે રહી. આ જ ફિલ્મે ધર્મેન્દ્રને સામાન્ય હિરોમાંથી સુપરસ્ટાર બનાવી દીધો. ઓમ પ્રકાશ રાલ્હને અખબારમાં એક સમાચાર વાંચ્યા હતા કે કોઈ ઊંચા ખાનદાનની સ્ત્રી એક દલિતના ઘરે જઈને રહી અને તેની સાથે લગ્ન કર્યાં. આ વાત તેમના મનમાં ઘૂંટાતી રહી અને આ જ વિષય ઉપર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મ બનાવતી વખતે કોઈ વિવાદ ન થાય તેથી પુરુષને ચોર બતાવ્યો અને અન્ય રંગો પણ ઉમેર્યા. રાલ્હન આમ તો ૧૯૫૦થી કાર્યરત હતા, પણ તે ફિલ્મોમાં નાના મોટા રોલ કરતા. રાજેન્દ્રકુમાર સફળ થતાં જીજાજીની સલાહ પ્રમાણે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની નક્કી કર્યું અને રાજેન્દ્રકુમારને લઈને ‘ગેહરા દાગ’ બનાવી. તે આંશિક સફળ રહી અને તે નિર્માતા અને નિર્દેશક તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. ઝીનત અમાનને બ્રેક આપનાર પહેલા નિર્દેશક પણ રાલ્હન જ હતા. દેવ આનંદની ‘હરે રામા હરે ક્રિશ્ના’ પહેલાં ઝીનત અમાન એક પણ ગીત વગરની રાલ્હનની કોમેડી સસ્પેન્સ થ્રીલર ‘હલચલ’ કામ કરી ચૂકી હતી. રાલ્હને કૂલ મળીને સાત કે આઠ જ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું અને તેમની સૌથી સફળ ફિલ્મ ફૂલ ઔર પથ્થર હતી. ફિલ્મની શરૂઆત થાય છે એક નાના બાળકથી જે અનાથ છે અને પોતાની ભૂખ ભાંગવા તે ચોરી કરે છે અને તેને લાગે છે ચોરી કરીને ભૂખ ભાંગી શકાય છે. આ બાળક એટલે શક્તિસિંહ ઉર્ફ શાકા (ધર્મેન્દ્ર). તે ચોરી કરવામાં મહારત હાંસલ કરે છે અને તેની જેલમાં આવન જાવન થતી રહે છે. તે કામ કરે છે જોન ઉર્ફ બોસ (મદન પૂરી) માટે. ચોરીનો માલ બોસને વેચીને શાકા કમાણી કરતો હોય છે. એક દિવસ બોસ શાકાને બોલાવીને સેઠ જીવનરામ (જીવન) ની માહિતી આપે છે જે એક નાના ગામમાં રહેતો હોય છે. ગામમાં ગયેલા શાકાનો ભેટો થાય છે સડકરામ (ઓ.પી. રાલ્હન) સાથે જે તેની જેમ ચોર છે અને તેનો મિત્ર પણ છે. તે જ સમયે સમાચાર મળે છે કે ગામમાં પ્લેગ ફેલાયો છે. સડકરામ શાકાને ચોરીનો કાર્યક્રમ પડતો મુકીને જતાં રહેવાનું કહે છે, પણ શાકા તેનું ન માનીને જીવનરામના મકાન તરફ જાય છે. મકાનની તિજોરીઓ ખાલી હોય છે, મકાનની વધુ તલાશી લેતાં શાકાના કાનમાં કોઈના કણસવાનો અવાજ પડે છે. તે જુએ છે કે સ્ત્રી તાવમાં ફફડી રહી છે. તે હોય છે શાંતી દેવી (મીના કુમારી) તે ઘરની વિધવા વહુ. શાકા ચોર છે, પણ દિલનો સાફ તેથી તે તેની સેવા કરે છે અને વૈદ્યરાજ અલોપીનાથ (સુંદર) ને બોલાવીને તેની સારવાર કરાવે છે. તે સાજી થાય છે ત્યાં સુધીમાં જીવનરામ, તેની પત્ની (લલિતા પવાર) અને તેમનો નાનો દીકરો કાલીચરણ (રામ મોહન, નદિયા કે પાર ફિલ્મના સચિનના કાકા) ઘરે પાછા ફરે છે. તેમનો વિચાર હતો કે શાંતી મારી ગઈ હશે, પણ તેને જીવતી જોઇને તે લોકો નિરાશ થઇ જાય છે. તેની રૂમમાં સિગરેટનાં ઠુંઠા જોઇને તેઓ શાંતીના ચરિત્ર ઉપર લાંછન લગાડે છે અને મારઝૂડ કરે છે. રાત્રે કાલીચરણ શાંતીની રૂમમાં જાય છે અને બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે, પણ તે સમયે શાકા તેને બચાવે છે અને બેહોશ થયેલી શાંતીને પોતાની સાથે લઈને આવે છે. શરૂઆતમાં શાંતી શાકા સાથે શહેરમાં જવાની ના પાડે છે, પણ શાકા તેની સુરક્ષાની ખાતરી આપે છે એટલે તેની સાથે તે જે ચાલમાં રહેતો હોય છે ત્યાં રહેવા જાય છે. શાંતી શાકાને ચોરી કરવાની ના પાડે છે ત્યારે શાકા તેને પોતાના ફૂલમાંથી પથ્થર બનવાની કહાની કહે છે. શાકા શાંતીના પ્રેમમાં પડી ગયો હોય છે અને તેની દરેક વાત માનવા તૈયાર થાય છે. પ્રેમનો ત્રીજો ખૂણો પણ આ ફિલ્મમાં છે. બોસ પાસે કામ કરતી ડાન્સર રીટા (શશીકલા) પણ શાકાને ચાહે છે અને તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. બીજી તરફ શાંતીના કોઈ કાકા ગુજરી જાય છે અને શાંતી માટે છ લાખની જાયદાદ મુકીને જાય છે. જીવનરામ અને તેના પરિવારને ખબર પડતાં તેઓ પોલીસમાં ખબર કરે છે જેથી શાંતીને ઘરે લાવીને તે જાયદાદ મેળવી શકાય. બોસ શાકા માટે એક ટીપ મેળવે છે, જેનાથી લાખો રૂપિયા શાકાને મળી શકે. ચોરી ન કરવાનું નક્કી કરેલ શાકા છેલ્લી ચોરી કરવાનું નક્કી કરે છે. શું શાકા ચોરી કરે છે? શું શાંતી તેને ચોરીના રસ્તેથી પાછો વાળે છે? શું જીવનરામ અને તેનો પરિવાર તેમના ઘરની બહુને પાછી લાવી શકે છે? આ પ્રશ્નોનો જવાબ મેળવવા ફિલ્મ જોવી રહી. ભારોભાર કમર્શિયલ એવી આ ફિલ્મમાં કલાકારોનો શંભુમેળો છે. ફિલ્મનો મુખ્ય ફોકસ ધર્મેન્દ્ર, મીના કુમારી, ઓ.પી. રાલ્હન, મદન પૂરી અને શશીકલા ઉપર રહે છે અને તે સિવાય જીવન, લલિતા પવાર, રામ મોહન, સુંદર, ટુનટુન (સુંદરની પત્નીના રોલમાં છે), બેબી ફરીદા (હાલની ફરીદા જલાલ), ઈફ્તેખાર (આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરને બદલે બોસના માણસનો રોલ કર્યો છે.આવો ફાલતુ રોલ કેમ કર્યો હશે? એવો પણ વિચાર આવે) લીલા ચીટનીસ (ગરીબ ભિખારણ, જેને ધર્મેન્દ્ર મદદ કરતો રહે છે) ડી. કે. સપ્રુ (જજ), મનમોહન કૃષ્ણ (ઇન્સ્પેકટર, સંત જેવો ઇન્સ્પેક્ટર બતાવવો હોય તો આ જ ચાલે), બ્રહ્મ ભારદ્વાજ (સરકારી વકીલ, હંમેશાં સફેદ વિગમાં દેખાયેલ એક્ટર), રામ અવતાર (જાડિયો ચોર, ફિલ્મમાં કોમેડી ઉમેરવા રાલ્હને રામ અવતારને અને બીજા ત્રણ ચોરોને સ્ત્રીના વેશમાં દેખાડ્યા છે. હે રામ!) આ ફિલ્મમાં ધર્મેન્દ્રે પહેલીવાર પોતાનું શર્ટ ઉતાર્યું હતું. ફિલ્મમાં દારુ પીને ધર્મેન્દ્ર પોતાના ઘર તરફ આવતો હોય છે અને આંધળી ભિખારણને ઠંડીમાં થથરતી જુએ છે એટલે પોતાનો શર્ટ ઉતારીને તેને ઓઢાડે છે અને ઘરે આવે છે. તેને ઉઘાડો જોઇને ડરેલી મીના કુમારી સુવાનું નાટક કરે છે અને ધર્મેન્દ્ર તેની ચાદર સરખી કરીને જતો રહે છે. ફિલ્મના પોસ્ટર ઉપર પણ આ જ સીન હતો. આ સીન માટે ધર્મેન્દ્રની બહુ તારીફ થઇ હતી. આ ફિલ્મથી તેને હીમેનનું બિરુદ મળ્યું. તેની ગણના એક્શન હિરોમાં થવા લાગી. આ ફિલ્મ માટે પહેલી વાર ધર્મેન્દ્રને ફિલ્મફેર માટે નોમીનેશન મળ્યું, જો કે એવોડ મળ્યો નહિ. ફિલ્મફેરનો લાઈફટાઈમ એવોર્ડ દિલીપકુમારના હાથે મેળવતી વખતે ધર્મેન્દ્રએ વસવસો વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેને હિરો તરીકે ક્યારેય ફિલ્મફેર એવોર્ડ મળ્યો નથી. જો કે તે સમયે દિલીપકુમારે ફિલ્મફેરના મંચ ઉપરથી જાહેર કર્યું કે મર્યા પછી પોતે ઈશ્વર પાસે જશે ત્યારે એક ફરિયાદ જરૂર કરશે કે મને ધર્મેન્દ્ર જેવો હેન્ડસમ કેમ ન બનાવ્યો? ૭૦ ના દાયકામાં ધર્મેન્દ્રને વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાંથી એક જાહેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ એટલી સફળ રહી કે આ ફિલ્મને તમિલમાં એમ. જી. રામચંદ્રના લઈને બનાવવામાં આવી અને તેલુગુમાં ધર્મેન્દ્રનો રોલ એન. ટી. રામારાવે કર્યો હતો. મલયાલમમાં જયનને લઈને રીમેક બનાવવામાં આવી. આ ફિલ્મનું નબળું પાંસુ એ તેનું સંગીત છે. રવિ એક મહાન સંગીતકાર હતા એમાં કોઈ બેમત નથી, પણ તેમણે ઓ.પી. રાલ્હન સાથે જેટલી પણ ફિલ્મો કરી તેમાં બહુ નબળું સંગીત પીરસ્યું છે. ‘યે રાતેં યે મૌસમ, નદી કા કિનારા’, ‘ચૌદહવી કા ચાંદ હો’ જેવાં જબરદસ્ત ગીતો આપનાર રવિ આ ફિલ્મમાં એક પણ ઉલ્લેખનીય ગીત આપવામાં અસફળ રહ્યા છે. કદાચ ભૂલ રાલ્હનની જ હોવી જોઈએ બાકી અન્ય નિર્દેશકોએ તેમની પાસે જબરદસ્ત કામ કરાવ્યું છે, પાછા ગીતકાર શકીલ બદાયુની હતા. તેમની સાથે પણ આવા ફાલતુ ગીતો આપ્યાં. જો કે કથાવસ્તુ મજબુત હોવાને લીધે ફિલ્મ સૌથી સફળ રહી.સમાપ્ત. જ્યોતિન્દ્ર મહેતા
ફિલ્મનું નામ : ફૂલ ઔર પત્થર ભાષા : હિન્દીપ્રોડ્યુસર : ઓ. પી. રાલ્હન ડાયરેકટર : ઓ.પી. રાલ્હન કલાકાર : મીના કુમારી, ધર્મેન્દ્ર, શશીકલા, મદન પૂરી, જીવન, લલિતા પવાર, રામ મોહન, સુંદર. ઓ.પી. રાલ્હન અને મનમોહન કૃષ્ણ રીલીઝ ડેટ : ૧૪ ઓગસ્ટ ૧૯૬૬ ફિલ્મફેરની ન્યુ ટેલેન્ટ સ્પર્ધામાં વિજેતા બનેલ પંજાબી જાટ ધર્મેન્દ્ર કેવલ...Read more