હું પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ નિભાવવાની સાથે કલા અને સાહિત્યમાં રસ ધરાવું છું. લેખનકાર્ય મારા માટે ઑક્સિજન સમાન છે. નાનપણમાં નાના દ્વારા કહેલી વાર્તા સાંભળીને મારામાં કલ્પનાશક્તિ ખીલી છે. જેના દ્વારા હું લેખનકાર્ય શીખી રહી છું. આજુબાજુનાં વાતાવરણમાં બનતી ઘટનાઓના મણકા જોડી શ્રેણી રચું છું.
***
સમાજમાં સ્ત્રીઓ હંમેશાં પીડાનો ભોગ બનતી આવી છે. શિક્ષણના અભાવના કારણે ઘણી બધી યાતનાઓનો સામનો કરવો પડ્યો છે. આજના આધુનિક યુગમાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવી છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રીએ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દુનિયાની તમામ બેડી તોડી પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી છે. પણ, જ્યાં સ્ત્રીના હૃદયની વાત કરવામાં આવે તો ક્યાંય ખૂણે તે એકલતા અનુભવે છે. પોતાની લાગણીઓ સમાજ, પરિવાર સમક્ષ રજૂ કરવા હજુ પણ સક્ષમ નથી.
આવી જ કંઈક વેદના છે મારી નવલકથાની નાયિકા આકૃતિની. જે મનની વ્યથા પોતાની ભીતર ધરબી રાખે છે. લાગણીઓને સહજતાથી કહી શકતી નથી. સતત હૃદયમાં ઊઠતા પ્રશ્નોના જવાબ ઝંખતી આકૃતિને નિરાકરણ મળશે ખરાં?
અવિનાશના પ્રેમ અને રુદ્રના વિશ્વાસથી છલોછલ, આકૃતિનું ધબકતું હૃદય એટલે 'પ્રણય સફરની ભીની ભીની યાદો’.