વિક્રેતા: લેખક (સ્વયં પ્રકાશિત પુસ્તક)
પથ ઉપર ચાલનાર પથિક કહેવાય, ખરું ને? કોઈ ગામની શેરી કે શહેરના રસ્તે ચાલનાર પથિકની મુસાફરી રસપ્રદ હોય છે. તો પછી આ જીવનપથ ઉપર ચાલનારા જીવાત્માની યાત્રા પણ સ્વાભાવિક છે કે તેથી વિશેષ રસપ્રદ જ હશે. બરાબરને? ચાલો, આવા જ જીવનપથ ઉપર ચાલનારા એક પથિકને આપણે આ નવલકથામાં મળીએ.
આપણી વાર્તાનો પથિક એક બાળક જેવો નિર્દોષ છે, પાછો લાગણીપ્રધાન પણ ખરો. ખંતથી નોકરી કરે અને પાછો એકલોઅટૂલો રહે. કહે છે કે ઈશ્વર સિવાય સર્વગુણસંપન્ન આ દુનિયામાં કોઈ ના હોઈ શકે. હોય તો ખરેખર તે ધન્ય અને પુજનીય છે. પરંતુ સામાન્યતઃ કાળા માથાવાળો આ માટીનો માનવી કોઈને કોઈ તૃષ્ણા કે વાસના તેના સ્થૂળ કે સૂક્ષ્મ શરીરમાં લઈને ફરતો જ હોય છે. આવા જ એક માનવીને કેન્દ્રમાં રાખીને લખાઈ છે આ નવલકથા.
નાયક નટખટ અને રંગીલો ખરો, છતાં હૃદયથી બધાને ચાહનારોl તેને ખરેખર શું જોઈતું હતું? પ્રેમ, પ્રેમ અને માત્ર પ્રેમ જ! તેને પથમાં પરદેશી, અર્ધવાનર અને હિમમાનવો, સંતોમહંતો, અજાણી ભૂમિના લોકો અને છેવટે અસુરો પણ મળે છે.
જો વાલિયા લૂંટારામાંથી આ કુદરત વાલ્મીકિને જન્મ આપી શકતી હોય, તો આ પથિકને પણ આવાં કોઈ પરિવર્તનથી વંચિત કેમ રાખી શકાય? જો કે અહીં તેની ભૂમિકા થોડી અલગ છે.
બરફનું તોફાન હોય કે ધરતીકંપ જેવા કુદરતી પ્રકોપ, વિમાન હોનારત હોય કે મહાયુદ્ધ… આ પથિક અથડાતો, કુટાતો, અશ્રુ સારતો, જીવનપથ ઉપર કુદરતે તેને જે ભૂમિકા આપે છે તે ભજવતો જ જાય છે.