શાળામાં હતી ત્યારથી વાંચવા લખવાનો શોખ. વાંચન તો ચાલુ જ રહ્યું, પરંતુ લેખનને એટલો સમય ના આપી શકી. આજે આ પડાવ પર તે ઇચ્છા પૂર્ણ થઈ. નાની હતી ત્યારે છાપામાં મારું કશું લખાણ આવે તો પિતાજી ખુશ થઈને છપાયેલ શબ્દો ગણતા. ‘આટલા શબ્દો છપાવવામાં તો રૂપિયા થાય. તારું તો નામ સહિત છાપે છે.’ એમ કહી પીઠ થાબડતા. આજે હોત તો આનંદ પામતા.
સંસારચક્રમાં પડી ગયા પછી કોઈવાર ચર્ચાપત્રોમાં ભાગ લેતી અને ખુશ થતી. વાંચન જારી રહ્યું. સાંસારિક જવાબદારી પૂર્ણ થયા બાદ લેખનનો કીડો સળવળ્યો. વિવિધ પેપરમાં લખીને મોકલવા લાગી. પ્રકાશિત થતા હિંમત વધી.
પહેલેથી જ સામાજિક મૂલ્યોને ઉજાગર કરતી વાતો ખૂબ પસંદ છે. સંબંધોના તાણાવાણા ગૂંથેલ, આપસી સંબંધો અને પરિવારની એકતાને મહત્વ આપતી વાતોનું આકર્ષણ સદૈવ રહ્યું છે. તેથી મારી રચનાઓમાં તેનું વિશેષ સ્થાન છે. આસપાસનાં લોકોનાં જીવનમાંથી વાર્તાતત્વ મળી જાય છે; તો ઘણીવાર કોઈ સિરિયલ જોતાં જોતાં પણ કશુંક નવીન લખાઈ જાય છે. દરેક રચના માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઈને કોઈ મદદરૂપ બન્યું છે, કથાબીજ પૂરું પાડ્યું છે. વિવિધ જગ્યાએથી કંઈક પ્રેરણા મળે છે અને કશુંક લખાય છે.
ઈશ્વરનો સૌપ્રથમ મોટો પાડ કે એમણે મને વ્યક્ત થવાની આવડત અને ઇચ્છા આપી. તેમજ સહકાર અને સાથ આપે તેવી વ્યક્તિઓની ઓળખ આપી.