આ પુસ્તકમાં મારી દરેક વાર્તાઓ દ્વારા સમાજમાં ક્યાંક મેં જોયેલી, સાંભળેલી વાત અને કોઈનો અનુભવ તથા એમાં મેં મારી કલ્પના અને વિચારો ઉમેરી, એ તમામને શબ્દોમાં વાચા આપવાની એક પ્રથમ કોશિશ કરી છે. મારા લખાણની શરૂઆત 2017થી થઈ છે. દરેક વાર્તા લખતી વખતે એ પાત્રની જગ્યાએ મેં ખુદને જોઈ છે. અત્યાર સુધી જિંદગીમાં બહુ અનુભવ નથી પરંતુ એક જગ્યાએ બેસીને વાર્તામાં વર્ણવેલા દરેક પાત્રને પોતાની વિચારશક્તિ દ્વારા અહીં પ્રસ્તુત કર્યા છે.
આ મારી વાર્તાઓમાં આવતી ઘટનાઓ કે સ્થળ-વ્યક્તિઓ સાથે મારે કોઈપણ પ્રકારના હકીકતમાં સંબધ નથી. વાર્તાઓ કાલ્પનિક અને વિચારોની ઘટમાળ છે. આ પુસ્તક હું મારા ભગવાન શ્રી કૃષ્ણ તથા મારા મમ્મીપપ્પાને સમર્પિત કરું છું. મૃત્યુ સમીપ હતી ત્યારે લખવાની પ્રેરણા મમ્મીપપ્પા તરફથી મળી. જેવી રીતે યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યાં હતા, એ જ રીતે મારી કલ્પના શક્તિઓને વેગ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે રહ્યા છે.