‘શ્યામ રંગ સમીપે’ કથા પ્રેમ અને લાગણીઓનો એક કુમળો છોડ છે. અઢળક પ્રેમકથાઓ લખાઈ છે અને હજુ પણ લખાશે જ, કારણ કે પ્રેમ મનુષ્યના જીવનનો એક હિસ્સો છે. પ્રેમ દરેક સંબંધ વચ્ચે ઉછરે છે, તેની ફોરમ દરેક સંબંધમાં અલગ હોય છે. સામાજિક જીવન સાથે વણાયેલ પ્રેમને નિરૂપવાના પ્રયાસથી આ કથા અસ્તિત્ત્વમાં આવી છે.
શ્યામ રંગ ખરેખર વ્યથા આપી શકે કે નહીં? રંગ જીવનમાં કેટલું મહત્વ ધરાવી શકે? આવા પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. અહીં પરિવાર, મિત્રો, પ્રેમી સાથે શ્યામ રંગ ધરાવતી યુવતીની વ્યથા ખનકના પાત્ર દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ખનક સ્વતંત્રતા મેળવવા પોતાની પાંખો ખોલે છે અને મુક્ત ગગન તેને આવકારે છે. ખનક સિવાય વાર્તામાં અન્ય પાત્રો મલય, ઋજુતામેમ, નિલયભાઈ, મિતાલી અને ફોઈબા પોતાની ભાગીદારી ફાળવે છે. દર્શનાબહેન અને પીહુ જેવા અલગ અલગ ઉંમરના પાત્રોનો ખનક સાથે ભેટો થાય છે અને કથારસ આગળ વધે છે. સ્થળોના વર્ણન દ્વારા વાચકને ત્યાંની સહેલ કરાવવાનો પ્રયાસ છે. કથાની મધ્યે પહોંચતા નાયક શ્યામનાં આગમન બાદ વાર્તામાં નવો વણાંક આવે છે. ખનકનું જીવન આગળ ક્યાં જઈને અટકે છે એ જાણવા નવલકથા વાંચવી જ રહી. આપના પ્રતિભાવોની રાહ રહેશે.