‘ડાયરીનું અંતિમ પૃષ્ઠ’ અર્લી પ્રિમેચ્યોર ટ્વિન્સ પર આધારિત છે. જોડિયા બાળકો, જે માતાના ગર્ભમાં ફક્ત છ મહિના જ રહ્યા હોય, તેમને સર્વાઇવ થવા કેટલી તકલીફ પડે છે, તેમને મોટા કરવામાં માતા, પિતા અને પરિવારજનોને અનેક માનસિક, શારીરિક અને આર્થિક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. હકારાત્મક અભિગમથી જીવનમાં ઘણું બદલી શકાય છે, એ મારો પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. જેવા વિચાર કરીએ, તેવું જ મળે. વિચારોનું ‘બૂમરેંગ’ જેવું છે. શુભ વિચારો કરવાથી શુભ પરિણામ મળે છે. એક માતાનો હકારાત્મક અભિગમ કેવા શુભ પરિણામ લાવે છે, તેનું આલેખન આ કથામાં છે. અલ્ઝાઈમર આધુનિક યુગનો રોગ છે. આ રોગની હજુ કોઇ દવા નથી. રોગીની યાદશક્તિ ક્ષીણ થવા લાગે છે. ધીરે ધીરે તે પોતાના સ્વજનોને, અને અંતે પોતાને પણ ભૂલી જાય છે. નવલકથાના ઉત્તરાર્ધમાં અલ્ઝાઈમરની વાત કરવામાં આવી છે. હકારાત્મકતાથી સુખદ ક્ષણોને સાચવવાની વાત છે આ. આશા છે કે આપને આ નવલકથા ગમશે.