હું એક ગૃહિણી છું. મેં બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. મેં સૌ પ્રથમ કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. પછી અચાનક એક દિવસ મારી ઉંમરમાં જીવી રહેલ દરેક સ્ત્રીના મનમાં શું હોય એ મનોદશાને કાગળ પર ઉતારવાનું મન થયું અને મેં સૌ પ્રથમ 'ચાલીસી વટાવી ગયેલ સ્ત્રીની વ્યથા' લેખ લખ્યો. એને સારો પ્રતિસાદ મળતાં હું કવિતાઓ સાથે લેખો લખતી ગઈ. મારા લેખો સંબંધો, એમાં ઊભી થતી અડચણો અને એ દૂર કરવા શું કરવું જોઈએ તે બતાવે છે. લેખો લખવા મને મારી આસપાસમાંથી પ્રેરણા મળી જતી. જીવનની વાસ્તવિકતા પર લખવાનું મને ગમતું. આમ હું સાહિત્ય સફરમાં આગળ વધતી ગઈ. આસ્થા મેગેઝિન, ગાંધીનગર મેટ્રો, ગુજરાતી મેળો ગ્રુપ અને બીજા ઘણાં ઓનલાઈન ગ્રુપમાં હું મારા લેખો મૂકતી. મારા જીવનસાથી અને મારા છોકરાઓ ધ્રુવી, ક્રિના અને તીર્થના સાથથી હું આ પથ પર આગળ વધતી ગઈ. 'સંબંધોની સૃષ્ટિ અલ્પાની દૃષ્ટિ' પુસ્તક જીવનનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવે છે. મનુષ્યની મનોદશા દર્શાવે છે. હું મારી સમજણના આધારે એમાંથી કેવી રીતે પસાર થવું એ વિષે જણાવું છું. ક્યાં આગળ વધવું, ક્યાં અટકવું, ક્યાં જતું કરવું, આ બધું મારા લેખો દ્વારા હું અનુભવના આધારે સમજાવું છું.