પ્રેમની પીંછીથી સ્નેહના છાંટણા
જય શ્રી ક્રિષ્ના દોસ્તો… આ નવલકથા વિશે જો કહેવા બેસું તો કલાકોના કલાકો નીકળી જાય એમ છે અને જો કશું જ ના બોલું તો મૌનમાં પણ ઘણું બધું પ્રગટાવી શકું. આ નવલકથા પ્રેમકહાની કરતાં પણ અમર બલિદાનની ગાથા છે. નવલકથાની શરૂઆતમાં ઉભરતી યુવાની સાથે કૉલેજકાળનું ખૂબ જ સુંદર વર્ણન છે. એવું વર્ણન કે કદાચ તમારા કૉલેજકાળના દિવસો પણ યાદ આવી જશે.
કૉલેજકાળમાં પ્રવેશ્યા બાદ શરૂ થયેલી એક અજોડ પ્રેમકથા. સમુદ્રની ગહેરાઈથી પણ ઊંડી લાગણીથી ભરેલા સંવાદો દ્વારા તોફાની અને નટખટ મીરાં સાથે સરળ મિજાજી શ્યામનો પ્રેમ.
કહેવાય છેને કે પ્રેમ પરસ્પર બે મન-આત્માને જોડતો એહસાસ છે, તો એકબીજાથી અનંત દૂર રહીને જીવનભર સાથ નિભાવવાની એક પરંપરા પણ છે. કોઇકની યાદમાં તડપી તડપીને ઝુરવું, તેના કરતા કોઈની યાદોના સહારે ખુશખુશાલ જીવન વિતાવવું એ સાચો પ્રેમ છે. કંઈક આવા જ સાર સાથે આખી નવલકથાનું આલેખન થયું છે.
મારા શબ્દો વાંચતા વાંચતા ઘણા ખરા વાંચકોની આંખો છલકાઇ છે. ઘણા બધા વાંચન પ્રેમી દોસ્તો તરફથી “ધ બુક ઓફ લવ” તરીકેનો ખિતાબ પણ મળ્યો છે. તો ઘણા વાંચક મિત્રો આવી પ્રેમ ગાથાવાળી બીજી નોવેલ લખવા કહે છે, પણ હું એમ કહીશ કે કોઈપણ અનન્ય સર્જન એક જ વાર થાય. નવલકથા લખતી વખતે મારી કલમને માત્ર શાહીનો સ્પર્શ નથી થયો, પણ મારી લાગણી અને હૃદયમાં સચવાયેલી સ્મૃતિઓનો અભિષેક થયો છે. એટલે જ તમારા હાથમાં માત્ર કાગળ પર શાહીથી કોતરેલ અક્ષર નથી; પણ પવિત્ર પ્રેમ, અકબંધ સ્મૃતિ અને અનેક પ્રેમીઓની લાગણીથી નીતરતું પુસ્તક છે. આ દિલથી વાંચજો તો દિલને સ્પર્શી જશે.
આભાર
વિજય ખુંટ “અલગારી”