આ નવલકથામાં વાત છે આપણા ઇતિહાસના એક મહત્વના પ્રકરણની, નવનિર્માણ આંદોલનની. આ વાત છે ઉટીના ભૂતપૂર્વ મહારાજા રાજેન્દ્રસિંહ વાડિયારની એકની એક લાડકવાયી રાજકુમારી, આસ્થા વાડિયારની. તે હિન્દુ સેવાસંઘની અદની સેવક હતી, સદાયે શિસ્તમાં રહેવા ટેવાયેલી હતી. મોંઘવારી વિરોધી નવનિર્માણ આંદોલનની નેતાગીરી આસ્થા વાડિયારે સ્વીકારેલી, જેથી તરત જ લોકોએ એને માનથી અને ઉત્સાહપૂર્વક વધાવી લીધી. એ સમયે લોકોએ આસ્થા વાડિયારની કોઈ દેવીની માફક પૂજા કરી. આંદોલનમાં તેનો સાથીદાર રહેલ મયુર ચૌહાણ વડાપ્રધાન બને એ પછી શરૂ થાય છે, સત્તા અને ખુરશી મેળવવાના કાવાદાવા! રાષ્ટ્રપતિનું પદ, દૂરદર્શન કેન્દ્ર, હાઇજેક અને બીજું ઘણું બધું કથાને રોમાંચક બનાવતું રહે છે. રાજકારણના તખ્તા પર એક પછી એક દૃશ્યો બદલાતા રહે છે, નવા નવા પડકારો સર્જાતા રહે છે. આસ્થા વાડિયાર કેવી રીતે આ બધાં સામે સંઘર્ષ કરે છે એની કથા આલેખતી આ નવલકથા નજીકના જ ઇતિહાસની એક અનોખી દુનિયા શબ્દો દ્વારા જીવંત કરી દેશે.