લીલાછમ સંબંધોની હૂંફાળી લાગણીઓ - માણસ સામાજીક પ્રાણી છે. તે સમાજથી વધારે સમય દૂર રહી શકતો નથી. કેમ કે તે સમૂહમાં રહેવા ટેવાયેલો છે. એકબીજાના સહારે તે પોતાનું જીવન જીવી શકે છે. સુખ-દુખ, ચડતી-પડતી, સંઘર્ષ અને વિકાસમાં તે એકબીજાની હુંફથી આગળ વધી શકે છે. આદિ માનવના જમાનાથી એકવીસમી સદી સુધીમાં માણસે અનેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. વિજ્ઞાન અને નવી નવી ટેક્નોલોજીએ માનવ જીવન સરળ બનાવ્યું છે. તો તેની સાથે સાથે માનસિક હતાશા, નિરાશા અને નકારાત્મક લાગણીઓ પણ એટલી જ વધી છે. સમાજની રચના માણસે જ કરી છે અને સંબંધોનું માળખું ઊભું કરનાર પણ મનુષ્ય જ છે. માણસે જો સામાજીક સંબંધો અને રીત-રિવાજો ઊભાં ન કર્યાં હોત, તો માણસનું જીવન કેટલું શુષ્ક બની ગયું હોત! સમાજ માણસના લીધે છે તેમ માણસ પણ સમાજના કારણે જ છે. સમાજ વગર માનવીનું અસ્તિત્વ કે તેની ઓળખ શૂન્ય છે. જંગલમાં એકલો રહેતો માણસ પ્રગતિ કરી શકતો નથી. કેમ કે પ્રગતિ કરવા માટે તેને સમાજના ટેકાની જરૂર પડે છે. બીજું, સમાજમાં રહેતા માણસને નવું નવું કરવાનો ઉત્સાહ થાય છે. જંગલમાં રહેતા માણસને આવો ઉત્સાહ થતો નથી. તેનું કારણ છે કે તેને કોના માટે કરવાનું? કુટુંબ કે સમાજ હોય તો માણસને તેના માટે પણ કશુંક કરવાની ઈચ્છા થાય છે. સમાજમાં રહેતાં ઘણાલોકોના સંબંધો તંદુરસ્ત નથી હોતા. જો આપણે પ્રગતિ કરવી હોય તો સામાજીક સંબંધો તંદુરસ્ત રાખવા જરૂરી છે. ઘરમાં પતિ-પત્ની, મમ્મી-પપ્પા, ભાઈ-બહેન, દાદા-દાદી સાથે, કુટુંબમાં બીજાં સગાઓ સાથે, ઓફિસ કે ધંધામાં કર્મચારીઓ કે સાહેબો સાથે, પાડોશીઓ, મિત્રો વગેરે લોકો સાથે જેના સંબંધો સારા હશે, તેનું જીવન ઓછા સંઘર્ષવાળું હશે. જે લોકોને આ બધા સાથે મનમેળ નહીં હોય તેમનું જીવન અશાંતિવાળું હશે. ગમે તે કામ હોય, ગમે ત્યાં જવું હોય, ગમે તે ધંધો કરવો હોય, તો પણ તેની સાથે સંકળાયેલાં લોકો સાથે તાલમેલ નહીં હોય તો આપણે સફળ નહીં થઈ શકીએ. સફળ થવા માટે, જીવનમાં આગળ વધવા માટે, સારું જીવન જીવવા માટે લોકો સાથેના સંબંધોમાં માધુર્ય હોવું જરૂરી છે. આ પુસ્તકમાં વિવિધ પ્રકારના સંબંધોમાં મીઠાશ કેવીરીતે ઘોળી શકાય તેને લગતાં નિબંધો આપવામાં આવ્યા છે. આ નિબંધોમાં માણસના જીવનમાં બનતા રોજબરોજના પ્રસંગો અને ઘટનાઓ સાંકળી લીધાં છે. સરળ ભાષામાં લખાયેલા આ નિબંધો દરેક વાચકને ઉપયોગી બનશે. સૂરતના ‘ગુજરાત ગાર્ડિયન’ ન્યૂઝ પેપરમાં ચાલતી મારી કૉલમ ‘સંબંધો લીલાછમ’માં આ નિબંધો પ્રકાશિત થયા હતા. મારા આ પુસ્તક થકી જો થોડાઘણા લોકોના જીવનમાં પણ બદલાવ આવશે તો તેને હું મારી સફળતા માનીશ. મારું આ પુસ્તક પ્રકાશિત કરવા માટે શોપિઝન ટીમ અને તેના લીડર ‘ઉમંગ ચાવડા’નો આભારી છું.