આ કથા કોરોનાની બીજીલહેર વખતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલાં પાત્રોની મનોદશા પર આધારિત છે. કથામાં મુખ્યત્વે કોરોનાની બિમારી અને હોસ્પિટલની વાત છે. ઉપરાંત, સમાજ, શિક્ષણ, વહીવટ, રાજકારણ, આંદોલન, સાહિત્ય, વગેરેની પણ વાતો છે. આ કથા દ્વારા મેં, ખાસ તો માણસના જીવનમાં કેવાં કેવાં વળાંકો આવે છે એ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો છે. એ રીતે જોઈએ તો આ અનેક લહેરોની કથા છે.
વાચકોને મારો આ પ્રયાસ ગમશે તો એ મારા માટે આનંદની વાત હશે.
-યશવંત ઠક્કર
નવલકથામાંથી...
ફરીથી લૉકડાઉન આવ્યું હતું. માંડ માંડ શરૂ થયેલા ધંધા ફરીથી બંધ થઈ ગયા હતા, પરંતુ સમાચાર માધ્યમોનો ધંધો સોળે કળાએ ખીલ્યો હતો. સમાચાર બની શકે એવી ઘટનાઓની અછત નહોતી રહી.
‘આપણને હોસ્પિટલમાં તકલીફ પડે તો પણ ચલાવી લેવાનું. બે હાથ જોડીને દાખલ થયા હોઈએ અને પછી બૂમાબૂમ કરીએ તો એ પણ ઠીક નહિ.’
‘મને પણ આ કામ ગમે છે એટલે હું નથી છોડતી. મારા ઘરેથી પણ મને આ નોકરી છોડી દેવાનું કહે છે. કમાણી કરવી હોય તો ઘણાં કામ છે, પણ મને તો આ કામ ગમે છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું કોરોનાના પેશન્ટ પર ઉપકાર કરતી હોઉં.’
‘ખોટું લગાડવા બેસું તો આ હોસ્પિટલમાં તો શું આ દુનિયામાં પણ ન રહેવાય.’
‘મેં શું ધાર્યું હતું અને શું થઈ રહ્યું હતું! આધુનિક અને શિક્ષિત કહેવાતા પરિવારમાં હું છેવટે તો ઘરની વહુ બનીને રહી ગઈ હતી.’
‘એ હતી જ એવી કે જોતાંની સાથે જ ગમી જાય. ખરેખર તો મારા જેવાને એવી છોકરી મળી એ નસીબની જ વાત હતી. મારા કાને છાનીછપની થતી એવી વાત પણ પહોંચી હતી કે, કાગડો દહીંથરું લઈ ગયો.’
‘મારાથી નાના મોઢે મોટી વાત થઈ ગઈ હોય તો મને માફ કરજે. ખમણ લેવા આવતી રહેજે. એક ઘરાક ઓછું થાય એ મને નહિ પોસાય.’
‘કારણ કે શયનખંડમાં તેઓ રસિક બની જાય છે. દિવસ દરમ્યાન કશી બબાલ થઈ હોય તો એ બબાલને તેઓ શયનખંડમાં યાદ કરતાં નથી.’
‘સમાજ બદલવા માટે આંદોલનો થાય છે, પરંતુ શાસકો બદલાય છે, સમાજ નથી બદલાતો! કદાચ, શાસકો બદલવા માટે જ આંદોલનો થાય છે!’
‘ચમત્કારી બાબાને હોસ્પિટલમાં શા માટે દાખલ થવું પડે? ચમત્કારથી સાજા ન થઈ જાય?’
‘અમે પ્રસિદ્ધ લેખકો કે લેખિકાઓ છેવટે તો મદારી છીએ.’