હું રક્ષા મામતોરા દીવ નિવાસી છું. છેલ્લા વીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલી છું. હાલ સમગ્ર શિક્ષામાં બી.આર.પી. તરીકે કાર્યરત છું. વાંચવા-લખવાનો શોખ નાનપણથી જ હતો, પણ છેક ચાલીસમાં વર્ષે આ શોખને દિશા મળી. હિન્દી અને ગુજરાતી બન્ને ભાષામાં ટૂંકી વાર્તાઓ લખી છે. ‘તામ્રપત્રોનું રહસ્ય’ એ મારી પહેલી નવલકથા છે. આતંકવાદ એ આજના ભારતની સળગતી સમસ્યા છે અને તેનો જડબાતોડ જવાબ આપવાની દરેક ભારતીયની ફરજ છે. આ નવલકથામાં તદ્દન કાલ્પનિક રીતે આતંકવાદ સામેના જંગમાં વિજય પ્રાપ્ત થયાની વાત કરવામાં આવી છે. સાહિત્ય સમાજનું દર્પણ છે એ ઉક્તિને ધ્યાનમાં રાખીને સમાજની વાસ્તવિકતાનું નિરૂપણ કરું છું. ***
ગુપ્તયુગમાં લખાયેલા તામ્રપત્રો કંઈક રહસ્ય સાચવીને બેઠા છે. પ્રાચીન મંદિરમાં સચવાયા છે આ તામ્રપત્રો. એમના સંપર્કમાં આવે છે આર્કિયોલોજીનો અભ્યાસ કરતા પ્રિન્સ, કેન્સી, ફેમ, વ્યોમ અને વિહાન; અને શરૂ થાય છે એક રોમાંચક કથા! અસ્પષ્ટ લિપિવાળા તામ્રપત્રો ઉકેલવાથી મળે છે એક રહસ્યમય વસ્તુ. આ વસ્તુ દ્વારા છેડાય છે આતંકવાદ સામેનો જંગ. શું છે એ વસ્તુ? પ્રિન્સ, કેન્સી, ફેમ, વ્યોમ અને વિહાનના જીવનમાં કેવી કેવી ઘટનાઓ બને છે? જાણવા માટે વાંચો આ રોમાંચક નવલકથા.