બાળકને જન્મ આપવો અને કલ્પનાઓની વાર્તા રચવી એ બંને એકસમાન ગણાય છે. એક સ્ત્રી તરીકે મને આ બંને સારાં કામ કરવાની તક મળી એ માટે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું... - રોજનીશી, મનમાં ફુટતાં વિચારો, સપનાની દુનિયાનાં ચિતરામણાં, ક્યારેક સ્ફુરેલું અણઘડ કાવ્ય, ક્યારેક શબ્દોની રમત અને પછી ક્યારે વાર્તા લખવાનું શરૂ થઈ ગયું એ ખબર પણ ન પડી. હોઠથી જે કહેવાયું નહિ અથવા તો એમ કહું તો ચાલશે કે જે બોલતાં આળસ આવ્યું તેને આ હાથે લખ્યું. પહેલો પગાર લઈને વરસાદમાં નહાવા નીકળેલી રીવા, નિશાળમાં નૂરની બાજુમાં જ રોજ ચંપલ ઉતારતો વેદ, ડાલમથા સિંહને સાવ સામે જોઇને પોતાનાં ગર્ભમાં રહેલ બાળક સાથે છેલ્લી વાર વાત કરતી કુંદન, પોતાને લોટનાં અટામણ સાથે સરખાવતી માધવી. આ બધાં જ પોત પોતાનાં પાત્રનું વર્ણન કરતી વખતે જાણે મારી પાસે આવીને બેસી જાય છે. મારી દીકરી નિયતિનો જન્મ થયો પછી મને વાર્તાઓ લખવાનું સોનેરી સૌભાગ્ય મા સરસ્વતી દ્વારા સોંપાયું. કદાચ નિયતિ જ એ સૌભાગ્ય લઈને આવી હશે. મારી વાર્તા સંગ્રહનું નામ "નિયતિ” છે. હું આ વાર્તા જગતમાં કેટલે રસ્તે પહોંચી છું તેની નિયતિ નક્કી કરવાનું વાચકો પર છોડું છું.