જીવનમાં આહ્લાદક, અવિસ્મરણીય અને વર્ણવી ન શકાય એવી લાગણી એટલે પ્રેમ! દુનિયામાં એવો કોઈ લેખક નહિ હોય જેણે પ્રેમ વિષય ઉપર કંઈ લખ્યું નહિ હોય. જગતમાં એવો કોઈ વ્યક્તિ નહિ હોય જેણે પ્રેમની અનુભૂતિ કરી નહિ હોય. પ્રેમ એ આમ જુવો તો લખવાની નહિ પરંતુ અહેસાસ કરવાનો વિષય છે. અનુભવ કરવાનો વિષય છે. શબ્દોનો વૈભવ પ્રેમની અસરને આલેખવા માટે ઓછો પડે. કલમમાં સ્યાહી ખતમ થઈ જાય પરંતુ પ્રેમના અહેસાસનું સંપૂર્ણ વર્ણન તો રહી જ જાય. પ્રેમને જ્યારે કાગળના કલેરવ ઉપર ઉતારવાનું મન થાય ત્યારે એવું લાગે કે શબનમની ભીનાશ શબ્દોમાં ઉતરી હોય. વસંત જેવી રમણીયતા વાતાવરણમાં ફેલાઈ જાય. કોકિલના મધુર કંઠમાંથી નીકળતા મધુર ટહુકા કલમની નોકમાંથી નીકળે. કાગળ પણ કલમને એટલા પ્યારથી ભેટ કે જાણે એ મિલનને પાંપણનું મટકું માર્યા વગર જોયા જ કરીએ... જોયા જ કરીએ... નજરમાં ભર્યા જ કરીએ... ભર્યા જ કરીએ... અને એમાંય વળી કોઈ પ્રિય પાત્રની યાદ... આહ સોનામાં જેમ સુગંધ ભળે એમ શબ્દોમાં પ્રેમ ભરાય. આવી જ કંઈક નમણી, નાજુક, નશીલી યાદોનો ખજાનો એટલે 'તું એટલે.' મારી કલ્પના, મારું કવન, મારો અહેસાસ, મારો પ્રેમ, મારો પડછાયો, મારો આભાસ જે કંઈ કહી શકાય એ બધું એટલે આ 'તું એટલે...’ એક વ્યક્તિને જીવન માનીને જિંદગી જીવી શકાય એવી જ રીતે એક શબ્દમાં વ્યક્તિને સમાવીને સુંદર કલ્પનોથી શણગારીને શબ્દોથી સજાવીને રજૂ કરી શકાય છે. મેં એને આ એક શબ્દમાં રજૂ કરવાની કોશિશ કરી છે. હું શું કહું એના માટે? કોઈ કવિની કલ્પના કે કોઈ છંદોબદ્ધ ગઝલ. કોઈ રૂપક કે ઉપમા આપી શકાય પરંતુ મારા માટે તો એ બધાંથી પરે છે. રાત દિવસ, હસતા રડતા, બસ એના જ ખ્યાલો. બસ એની જ યાદ. બસ એનો જ સાથ અને એની સાથે જ સંવાદ. દૃશ્ય અને અદૃશ્ય બંને સ્વરૂપમાં એ કાયમ મારી સમીપ રહી છે. મને સાચવ્યો છે. મને સંભાળ્યો છે. આ યાદ, આ સાથ, આ સંવાદ, આ અહેસાસ એટલે ફક્ત 'તું એટલે...' ભીતરમાં ખળભળાટ મચાવતા પ્રણય સાગરને અહીં શબ્દોમાં જરા જરા ઢાળવ્યો છે. ક્યાંક તમે ભીંજાશો તો ક્યાંય તમે શબ્દોને ભીંજવશો. ક્યાંક એ વસંત બનીને મહોરશે તો ક્યાંક એ પાનખર બનીને સૂકા પાંદડામાં આળોટશે. ક્યાંક એ દુધમલ આકાશમાં અષાઢની આંધી બનીને ઘૂઘવાટા મારશે તો ક્યાંક એ હેલી બનીને તમને હેતની લાલીથી રંગી દેશે. સંધ્યા અને ઉષાના રંગોનું માધુર્ય છે 'તું એટલે...' ભીતર જે ઊર્મિઓ હતી એ બધી જ અહીં 'તું એટલે...' શબ્દમાં ભરી છે. મારો આ કવિતા સંગ્રહ 'તું એટલે...'-ને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વાચક મિત્રોએ ખૂબ માણ્યો છે. અવનવા શબ્દોથી વધાવ્યો છે. મારી જ શૈલીમાં મને પ્રતિભાવ આપી નવાજ્યો છે. ખરું કહું તો શરૂઆત કર્યા બાદ વાચક મિત્રોએ જ મને આગળ લખવા પ્રોત્સાહિત કર્યો છે. અને એટલા માટે પ્રથમથી આટલા કાવ્યો સુધીની મજલ હું કાપી શક્યો છું. આશા છે કે આ કાવ્યસંગ્રહ તમને ગમશે. અને હું આશા રાખું છું એવી પ્રણય સભર લાગણીથી તમને ભીંજશે.