અમદાવાદ વાર્તા વર્તુળની સ્થાપના ચૌદ ઓક્ટોબર 2019માં થઈ હતી. લગભગ દર મહિને અમે, કોઈ એક લેખકના ઘરે દસથી બાર લેખકો ભેગાં થઈએ છીએ. અમારી આ વર્કશોપ સવારે સાડા નવ વાગે શરૂ થઈને, સાંજે છ વાગે પૂરી થાય છે. જેમાં દરેક લેખક તેની અપ્રકાશિત રચના વાંચે છે. ત્યારબાદ બીજા લેખકો તે ક્રુતિ વિશે પોતાનાં મંતવ્યો રજૂ કરે છે. આમ સાંજ સુધીમાં દરેક લેખક તેમની ક્રુતિ રજૂ કરે છે. અમારી આ સાહિત્યિક પ્રવૃત્તિના સમાચાર ‘ગુજરાત સમાચાર’ની સિટીની પૂર્તિમાં અને ગુજરાતી સાહિત્ય પરિષદના સામાયિક ‘પરબ’માં પ્રસિદ્ધ થયેલાં છે. અમદાવાદ વાર્તા વર્તુળનું વોટ્સેપ ગ્રૂપ પણ ચાલે છે. જેમાં અમે આગામી વર્કશોપના આયોજન માટેની ચર્ચા-વિચારણા અને વિચારોની આપ-લે કરીએ છીએ. અમારા ગ્રૂપમાં હાલ કુલ ત્રીસ જેટલાં લેખકો છે.
લોકડાઉનના સમયમાં શું કરવું? એવો વિચાર બધાને આવતો હશે. અમને લેખકોને પણ થાય, કે હવે બધાં સાહિત્યના કાર્યક્રમો બંધ. હવે તો ઘેર બેઠાં વાંચવા-લખવાનું. એ પણ કેટલા દિવસ સુધી ચાલે? એકની એક પ્રવૃત્તિથી માણસને કંટાળો તો આવે જ. આવા સમયે અમને એક વિચાર આવ્યો. બધાં લેખકોને જોડવાનો. અમારો આ વિચાર ગ્રૂપના લેખક મિત્રોએ વધાવી લીધો. અમે બધાં લેખકોએ ‘લોકડાઉન’ના સમયનો સર્જનાત્મક ઉપયોગ કર્યો છે. જેમાંથી નીપજેલી વાર્તાઓનો સંગ્રહ ‘સહિયારી વાર્તાઓ-૨’ આપની સમક્ષ મૂકતાં આનંદ થાય છે.