પ્રણય ત્રિકોણ સાથે રહસ્યને શબ્દોમાં ગૂંથતી નવલકથા... કોઈ નામના કે કીર્તિની ઝંખના વગર ધરતીકંપના આંચકા સાથે કલમની ધ્રુજારી શરૂ થઈ હતી. કવિતાઓમાં હથોટી મેળવ્યા બાદ નવલકથા જેવા વિશાળ ફલક ઉપર હાથ અજમાવવાનો વિચાર કર્યો. સ્કૂલ સમય દરમિયાન કરેલા વિશાળ વાંચને મારી આંગળી પકડી. શબ્દોનો જાણે ખજાનો મળ્યો અને શરૂ થઈ સાહિત્ય જગતમાં મારી એક વિશાળ ફલક ઉપર મંજિલ પામવાની સફર. મારા દ્વારા લખાયેલી આ પ્રથમ નવલકથા છે. પ્રથમ નવલકથા લખવામાં ઘણો સમય લાગ્યો આખરે 2011માં આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું. ઓનલાઈન પ્લેટફોર્મ અને મિત્રો દ્વારા છુટ્ટા હાથે પ્રશંસાના ફૂલ વરસાવવામાં આવ્યાં. પ્રણય ત્રિકોણ રચવામાં મારો પ્રથમ પ્રયત્ન સફળ થયો. મને સંતોષ થયો. હવે એ જ ત્રિકોણ ઓનલાઈન પ્લેટફોર્મ છોડીને પુસ્તક સ્વરૂપે આપના હાથમાં છે. મને આશા છે કે 'છાયા પડછાયા' વાંચકને નિરાશ નહિ કરે. પુસ્તક વાંચીને યોગ્ય સલાહ સૂચનો આવકાર્ય છે.