હું કાવ્યા સંદીપભાઈ પીઠડીયા. મારી કવિતા અછાંદસ પ્રકારની છે કારણ કે અત્યારની અમારી યુવા પેઢીને અછાંદસ રચનાઓ વધુ પસંદ આવતી હોય છે. આ પુસ્તકમાં લખાયેલી દરેક કવિતા માત્ર મારા જ જીવનને સ્પર્શતી નથી, પણ દરેક વ્યક્તિના જીવનને સ્પર્શે પણ છે અને લાગુ પણ પડે તેવી છે. મને કુદરતના સાંનિધ્યમાં રહેવાનું પસંદ છે, એટલે જ મારી અંદર કવિતા સ્ફુરી શકે છે અને એનો મને ગર્વ છે. હું અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે જ મેં મારી પહેલી કવિતા રચી હતી અને તે શાળાના એક પુસ્તકમાં પ્રકાશિત થઈ હતી. હું કવયિત્રી બનવા નથી માંગતી કારણ કે કવિકાર કોઈ બનતું નથી, કવિ તો જન્મે છે. માત્ર કવિતા લખી અને એને દુનિયા સુધી પહોંચાડવા માંગું છું. હું માત્ર કવિતામાં જીવી લેવા માંગુ છું. હું કવયિત્રી નહીં પણ કવિતા જ બનવા માંગુ છું. આ પુસ્તકમાં લખાયેલી દરેક કવિતા મૌલિક છે, વિષયવસ્તુ મને કોઈ બીજા સાહિત્યમાંથી મળ્યું હોય તેવું બની શકે પણ મેં શબ્દોને વાચા મૌલિક રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે, જો કોઈના જીવનને લાગુ પડે એવી કવિતાઓ હોય તો મારો કોઈ એવો ખોટો ઉદ્દેશ્ય નથી. હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું કે એમણે મને કવિતા રચી શકું એટલું અનેરું સામર્થ્ય આપ્યું. મેં મારી દરેક કવિતામાં પ્રયત્ન કર્યો છે કે વાચકને એવું અનુભવાય કે, 'આ મારી જ વાત છે', 'મારી જ સંવેદના છે', 'મારી જ વેદના છે.' શ્રી કૃષ્ણ જ મારી કલમ છે. શ્રી કૃષ્ણ જ મારા વિચારો પણ છે અને શ્રી કૃષ્ણ જ મારા શબ્દો છે એનો જાતઅનુભવ મેં કરેલો છે. જાજરમાન શબ્દો દ્વારા ભવ્ય અર્થ પ્રાપ્ત થાય એ કવિતા. કવિતા આપણને કોઈ યાત્રા કર્યાનો અનુભવ કરાવે છે. કવિતા એટલે કલ્પનાઓથી ઉજાગર થતું સપ્તરંગી વિશ્વ. કવિતામાં માત્ર જીવી લેવાનો આનંદ ધસમસતો જોવા મળે છે. કવિ દુનિયાને પોતાના અંદાજમાં નિહાળે છે અને વ્યક્ત પણ કરે છે. કવિતાઓ મારામાં શ્વાસ પુરે છે અને હું કલમ થકી કવિતાના ચીર પુરવાનો પ્રયત્ન કરું છું.