મુખ્ય નાયક કનૈયો તથા એની આજુબાજુ રમતું-ઝમતું પાત્ર એટલે કે રાધા અને બંનેનાં માતાપિતાની ખરા હૃદયની લાગણી આ નવલકથામાં જોવા મળે છે. સમાજમાં જોવા મળતી વિવિધ ઘટનાઓને અહીં ચરોતરી ભાષામાં ગૂંથણી કરી આપ સૌ સમક્ષ રજૂ કરવાનો આ નમ્ર પ્રયાસ છે. પ્રસ્તુત નવલકથા પ્રેમ અને પરસ્પર સંબંધની અતૂટ વણગાંઠેલી ગાંઠ છે, જેને કથાનો સહનાયક લક્ષ્મણ ભરપૂર પ્રયત્ન કરવા છતાં ઉકેલી શકતો નથી. એ વાતનું મને તથા તમામને કાયમ દુઃખ રહેવાનું. તદુપરાંત ખરેખર અંતર વલોવાય એવી લાગણી સાથે આ નવલકથાને શોપિઝનની સહાયથી પુસ્તક સ્વરૂપે રજૂ કરતાં આનંદ અનુભવું છું. મારા મનમાં જે વિચારો પ્રગટ્યા એ વિચારોની માળા ગૂંથીને નવલકથાનું સ્વરૂપ આપીને તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. મારો વાચકવર્ગ આને વધાવી લેશે એવી મને શ્રદ્ધા છે અને વધુમાં આપના તરફથી જે કંઈ મંતવ્યો, સલાહ-સૂચનો હશે તે પણ જણાવશો.