સાત મિત્રો - સાત સંગીતકારો - એક સફર - એક ભયાવહ યાત્રા - સંગીતના સૂરો સાથે વહેતી પ્રથમ મ્યુઝીકલ હોરર થ્રીલર... *** લાલસા, મહત્વાકાંક્ષા, દ્વેષ, ઈર્ષ્યા, કપટ અને એવા તો કેટલાયે ભાવે રંગાયેલું મન નીતનવાં તરકટ કરે છે… સમરસ ગઢ એવા જ તરકટોની નગરી બની રહી છે… ક્યાંક રહસ્યોનું જાળું ગુંથાઈ રહ્યું છે… ક્યાંક પડદા પાછળની હકીકતો ખૂલવા જઈ રહી છે… *** અનેક રહસ્યોને ઢાંકતાં આવરણને ચીરી સત્ય પ્રગટ થાય છે ત્યારે આંખો પ્રત્યે પણ આશંકિત થઈ જવાય. સત્ય-અસત્ય, વિશ્વાસ-કપટ, મિત્રતા-દુશ્મની, પ્રેમ-ઈર્ષ્યા, હાસ્ય-આંસુ, ગોચર-અગોચરના તાણાવાણા વચ્ચે રચાયેલી નવલકથા એટલે 'ગુમનામ હૈ કોઈ!' આ નવલકથા પોતાનામાં એક ઉખાણું જ છે, જેમાં સાત યુવાન સંગીતકારની વાત છે જે નિયતિની અકળ રમતમાં દોરી વડે ખેંચાઈને છેક લંડનથી રાજસ્થાનના એક ગામડામાં આવી ચડ્યા છે. એમનો એક વિશિષ્ટ ધૂન સાથે, સદીઓ પૂર્વેના રાજસ્થાનના રણમાં ઊઠતી ડમરીઓ સાથે શું સંબંધ? એનો જવાબ આ પુસ્તકનાં પન્નાંઓમાં કેદ છે, આપને શોધવાની મજા પડશે! આ કથા જેટલી આજની છે, એટલી પાંચસો વર્ષ જૂના ભૂતકાળની પણ છે. પન્નાંઓ વચ્ચે રેતીના અફાટ રણની છાતી ચીરીને પ્રગટ થયેલા સમરસ ગઢમાં પણ આપ પહોંચી જશો. ત્યાં વેદસ્વીનું એક મોહક પાત્ર આપને સંમોહિત કરી દેશે એની સંપૂર્ણ ખાતરી છે. આમાં સંતાઈને પડ્યું છે એક ઉદાસ ગીત, જેના પડઘા, જેના સ્વર આપને આ વાંચી લીધા પછી પણ સંભળાયા કરશે. ઉપરાંત આ ફક્ત એક હોરર નવલકથા નથી, પણ રોમાંચક રીતે આગળ વધતી રહસ્યમય સંગીતની સફર છે, જેમાં પાત્રો અનેક આરોહ-અવરોહની સાથે તાલ મિલાવે છે. આ નવલકથાનું સૌથી મહત્વનું પાસું એનું સંગીત છે. લેખન દ્વારા એની અસર ઊપજાવવાનો અમે પ્રયાસ કર્યો છે. સંગીત દ્વારા પેદા થતી અસર વાર્તાને આગળ વધારવામાં ઘણી મદદરૂપ થઈ છે. ગુજરાતી સાહિત્યમાં કદાચ આ પ્રથમ પ્રયોગ હશે! તો વધુ રાહ ન જોશો. આજે જ શરૂ કરો યાત્રા, ભવિષ્યના ગર્ભમાં છૂપાયેલા સત્યને શોધવાની!