એક સીધીસાદી કોલેજ ગર્લ હિમાનીને ફિલ્મી ગાયક કલાકાર ચંદ્રનીલ સાથે પ્રથમ દષ્ટિનો પ્રેમ થઈ જાય છે. જેની સાથે સગાઈ થવાની હતી તે યુવક અનુરાગને હિમાનીના ચંદ્રનીલ તરફના પ્રેમની જાણ થતાં, તે હિમાનીને ખૂબ ચાહતો હોવા છતાં પોતાના પ્રેમની કુરબાની આપી, તેની સાથે સગાઈ કરવાની ના પડે છે.
હિમાની ચંદ્રનીલને પરણી જાય છે. લગ્ન પછી ચંદ્રનીલને પરિણીત મશહૂર ટીવી એક્ટ્રેસ મૃણાલિની સાથે અફેર થાય છે પરિણામે હિમાની અને ચંદ્રનીલના સાંસારિક જીવનમાં ઝંઝાવાત પેદા થાય છે. ચંદ્રનીલ છૂટાછેડા મેળવવા માટે કોર્ટમાં કેસ દાખલ કરે છે.
હિમાની ચંદ્રનીલના વિશ્વાસઘાતથી ખૂબ જ આઘાત પામે છે. તેની લાગણીઓ કુંઠિત થઈ તેને લાગણીહીન બનાવી દે છે. તેની ભાવનાઓ થીજી જાય છે. તેની આંખમાં આંસુ પણ રહેતાં નથી. તેને જીવન જીવવામાંથી રસ ઉઠી જાય છે. તે સુકાન વિનાની નાવડીની માફક આમ તેમ ફાંગોળાતી રહે છે. તે જીવતી લાશ બનીને રહી જાય છે.
દરમ્યાન એક દિવસે જેની સાથે હિમાનીની સગાઈ થવાની હતી તે યુવક અનુરાગનો, કે જે હવે પરિણીત અને એક દીકરીના બાપ હતો, હિમાનીના જીવનમાં આકસ્મિક પ્રવેશ થાય છે. અનુરાગ હિમાનીને નોકરી મેળવવામાં મદદ કરે છે. બંને વચ્ચે ફરી મિત્રતા થાય છે. હિમાનીને અનુરાગની માસૂમ દીકરી જૈની પર ખૂબ પ્રેમ ઊભરાઈ આવે છે.
ચંદ્રનીલના જીવનમાં ક્રિસ્ટીના નામની ખ્રિસ્તી યુવતી પ્રેવેશી હોવાની શંકા થતાં એક રાત્રે મૃણાલિનીનો ચંદ્રનીલ સાથે ઝગડો થાય છે. તે જ રાત્રે મૃણાલિનીનું ખૂન થઈ જાય છે. ચંદ્રનીલની મૃણાલિનીની હત્યા માટે ધરપકડ થાય છે.
શું ચંદ્રનીલ મૃણાલિનીનો સાચો હત્યારો છે કે તે નિર્દોષ છે? હત્યાના આરોપોનો અંજામ શું આવશે?
શું હિમશિલા જેવી થીજી ગયેલી હિમાનીની લાગણીઓ પીગળશે? શું હિમાની અનુરાગને પામશે કે ભૂતકાળને ભૂલાવીને ચંદ્રનીલને માફ કરી તેની સાથે જવાનું સ્વીકારશે? કે....પછી...??
આ લાગણીશીલ સવાલોના જવાબો જાણવા માટે આપે ‘થીજેલાં અશ્રુની હિમશિલા’ જેવી હિમાનીની હૃદયદ્રાવક વિસ્તૃત નવલકથા વાંચવી જ પડશે.