તંત્રના દુષિત સ્વરૂપમાં ભરમાયેલા, એકલા જાદુ અને ચમત્કારોની માયાજાળમાં ફસાયેલા છતાં આંતરિક જગતની નજીક પહોંચેલા એક સાધકને વાસ્તવિક તંત્રનો સાર બતાવતા પથને જીવંત કરતી આ નવલકથાનું મુખ્ય ઉદ્ભવસ્થાન એટલે બ્રહ્મપુત્રાને કિનારે નિગૂઢ ત્રયતિ માર્ગકેન્દ્રમ. બ્રહ્મપુત્રા નદી કિનારાના સફેદ ગોળ પથ્થરોમાં ઊર્જા એક અજાયબી સંગ્રહીને અવસ્થિત થયેલ છે. ત્રણ હેક્ટરમાં ફેલાયેલા ત્રયતિ માર્ગકેન્દ્રમના પરિસરમાં વસેલા તાંત્રિક સાધકો શ્વાસમાં હવા નહિ, ઉર્જાન્વિત અણુઓ ભરે છે અને આ શક્તિ અણુઓનું ઉદ્દગમસ્થાન છે, ત્રયતિ માર્ગકેન્દ્રમની વચ્ચોવચ ગુંબજાકાર મહાલયની અંદર નિહિત ધગધગતા લાવા સમાન, અનંત બ્રહ્માંડના અંશ સમાન, ચમત્કારિક શક્તિઓથી પરિપૂર્ણ અને અનેક સિદ્ધોના આશીર્વાદ થકી પથદર્શકનું પદ પામેલ પદાર્થ, ઊર્જાપિંડ. આ ઊર્જાપિંડની શક્તિઓને નિયંત્રિત કરી અધિકારી સાધકો સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે મહાધિપતિ અને ઊર્જાપિંડ તથા મહાધિપતિની કુશળતા અને સલામતી જેની જવાબદારી છે એવો રખેવાળ એટલે વીરભદ્ર. આ ત્રણેયની હાજરી ત્રયતિ માર્ગકેન્દ્રમને અડીખમ રાખે છે. દર સો વર્ષે ઉર્જાપિંડ દ્વારા નવા મહાધિપતિ અને વીરભદ્ર નિયુક્ત થાય છે. પણ વર્તમાન ચક્રની ઊર્જામાં વમળ ઉઠ્યા છે અને એ ચક્રમાં પ્રવેશી છે, સ્વયંને સિદ્ધ જાણતી એક સાધક જે આ કથાનું નિર્માણ કરે છે. એક એવી કથા જે સત્કર્મી ચક્રમાં સ્વાર્થ થકી પ્રવેશેલા અનિષ્ટને મુક્તિ સુધી લઇ જશે. દ્વેષથી મુક્તિ, ક્રોધથી મુક્તિ, સ્વાર્થથી મુક્તિ અને... ઇચ્છાઓથી મુક્તિ.