સંજોગોના જંજાવાત સામે લડીને આગળ વધેલી એક યુવતીની સાહસ યાત્રા સાથેની પ્રેમ કહાની. એક એક પ્રકરણ નવા રોમાંચ અને રહસ્ય સાથે ઊઘડતું રહેશે.. એક અનોખી પ્રેમ કથા... *** ‘પ્રવાસ’ માણસના ઘડતરની ઇમારતનો ખૂબજ મહત્વનો સ્તંભ છે. પ્રવાસની આબોહવાથી જે અનુભવો મળે એ ચાર દિવાલોમાં અથડાતાં ધ્વનિ તરંગોમાંથી કદીયે ન મળે. એવી મારી અંગત માન્યતા છે. મારી નવલકથા અભ્યુદયમાં પણ પ્રવાસ જ મુખ્ય આધાર બન્યો છે. એક ભારતીય યુવતીનો વિશ્વભરનો એકલપંથી પ્રવાસ તેના અસ્તિત્વમાં કેવા કેવા રંગોની રંગોળી પૂરે છે? ભારતથી ઈજિપ્ત અને ઈજિપ્તથી યુરોપનો પ્રવાસ અને સાથે સાથે પોતાના ભૂતકાળનો પ્રવાસ! આ બેવડા પ્રવાસ સાથે વાચક પણ ઉતાર ચઢાવ અને ખાડા ટેકરાથી ભરેલી એક રોમાંચક સફરનો સાક્ષી બની રહે છે. ક્યારેક જંગલી લોકો સાથેના એકતરફી સંવાદની મથામણ તેને ભયમિશ્રિત રોમાંચ આપે છે. તો વળી ક્યારેક પરદેશી પંખીઓ સાથે અજાણતા બંધાઈ ગયેલા લાગણીના તાર તેને વિહ્વળ કરી મૂકે છે. ક્યારેક પ્રેમની પરબ તો વળી ક્યારેક નફરતની નદી બનીને આવતા વિચિત્ર પાત્રો તેના વ્યક્તિત્વને ઘડતા રહ્યા. જ્યાં તેને સ્નેહની ભરપૂર સંભાવના લાગી, ત્યાંથી તેને માત્ર લાગણીનો દુકાળ મળ્યો. અને ક્યારેક સાવ સૂક્કાભઠ થડ જેવા લાગતા માણસોએ તેને વ્હાલની નદીમાં તરબોળ કરી છે. આ નવલકથામાં નાયિકાના જીવનમાં આવતા જુદાં જુદાં પાત્રો સાથે રચાયેલા ક્ષણજીવી સંબંધો અને મનના કોઈક ખૂણે ચિરંજીવી બની ગયેલા સંબંધોની રસપ્રચુર વાતો છે. જીવન એટલે ખૂબ ઝંખેલી તેમછતાં કદીયે ન જીવાયેલી ક્ષણોનો સરવાળો. ક્યારેક અધૂરપ જ જીવનની તરસ બની જાય છે. અને એ તરસ ન બુઝાય એમાં જ એનું સાર્થક્ય છે. રાખનાં ઢગલા નીચે સળગતા એકાદ અંગારાની હૂંફની જેમ જીવન પણ અનેક નિરાશાઓ વચ્ચે આશાના એકાદ કાલ્પનિક અંગારાની હૂંફ સાથે જીવાતું હોય છે. આ નવલકથાની રોમાંચક સફર સાથે આપ પણ જોડાઈ જાઓ. એક એક પ્રકરણમાં ઉપસી આવેલી ઘટનાઓની રોલર કોસ્ટર રાઈડ વાચકને જુદા વિશ્વમાં લઈ જશે. તેમાં હાસ્ય પણ છે, અને રુદન પણ. એમાં મનગમતી કલ્પના પણ છે, અને ન રુચે એવી વાસ્તવિકતા પણ. આ બધાજ ભાવોની આંતરિક સફર માટે ‘અભ્યુદય’ નવલકથા આપની રાહ જોઈ રહી છે.