આ પુસ્તકમાં સામેલ છે સ્ત્રીના મનોવિશ્વ પર આધારિત બે લઘુનવલ, ’નવું આકાશ’ અને ‘આભનું પંખી’. આકાશનું મને હમેશ આકર્ષણ રહ્યું છે. મુક્ત ગગનમાં વિહરતું પંખી શું વિચારતું હશે? આખાય આભને પોતાની પાંખમાં સમાવી લેવાનું સપનું જોતું હશે? આકાશમાં વ્યાપકતા છે… એ અસંગ છે. એ અલિપ્ત છે. એવી અલિપ્તતા કેળવી શકાય? પ્રશ્નો અનેક છે… સૃષ્ટિ રચયિતાએ સ્ત્રી અને પુરુષને સમાનરૂપે બનાવ્યા. સમાજ રચનામાં પુરુષપ્રધાન સમાજ બની ગયો. કોને બનાવ્યો? આ પ્રશ્ન અસ્થાને છે. સ્ત્રી એક ચારદીવારીમાં પૂરાઇને રહી ગઈ. જ્યાં હવા, પ્રકાશ, આઝાદી બધું પુરુષની ઇચ્છા મુજબ જ મળતું. સમય સાથે બધુ બદલાયું. પણ જ્યાં સુધી મૂળના વિચારો ન બદલાય, ત્યાં સુધી બધું નકામું છે. સ્ત્રીના જીવનની વિટમ્બણાઓ, સંઘર્ષો, માનસિક દ્વિધાઓ એવી જ રહી છે. કદાચ તેનું સ્વરૂપ બદલાયું હશે. આ બધામાં જો બદલાવ લાવવો હોય તો સ્ત્રીએ પોતે જ હિમ્મત કરી પગલું ભરવું પડશે. મુક્તિનું રણશિંગું પોતે જ ફૂંકવું પડશે. પરિસ્થિતિ સામે લડીને પોતાનો માર્ગ પોતે જ બનાવવો પડશે. “નવું આકાશ” એક એવી જ સ્ત્રીની કથા છે. એક સ્ત્રી પોતાના પતિના ગુસ્સા અને અંહકારમાં દબાઇ સામાન્ય જીવન પણ નથી જીવી શકતી. ગૂંગળાય છે, અકળાય છે, ભડભડતી જ્વાળામાં શેકાય છે… છતાં સમાજના ડરથી આમજ એક કોચલામાં પૂરાઇ જીવે જાય છે. પતિની જોહુકમી સહન કરતી નાયિકા સાથે તેનો પોતાનો દીકરો પણ તેવો જ અપમાનજનક વ્યવહાર કરે છે… અને… હવે નાયિકા પોતાના ‘સ્વ’ને શોધવા પોતાના પંખોને ફેલાવી એક નવું આકાશ રચે છે… એવું આકાશ જ્યાં આઝાદી છે… સમ્માન છે… સુકૂન છે… પ્રેમ છે.