મારા એક મિત્રએ મને એકવાર કહેલું કે, ‘એટલું બધું લખાઈ ચુક્યું છે કે હવે કોઈ કંઈ ન લખે તો પણ ચાલે.’ અને ખરેખર આ સત્ય પણ છે. આજકાલ જે કંઈ લખાય છે તે મોટાભાગનું એક જેવું જ હોય છે. તેમાં સદંતર નવીનતાનો અભાવ હોય છે. એટલે હું જ્યારે લખવા વિશે વિચારું છું ત્યારે પ્રથમ એ વિચાર કરું છું કે હું લખું છું તેમાં અલગ શું છે? કારણ કે એકવાર લખાઈ ગયું છે તેવું ફરીથી લખવાનો કોઈ અર્થ નથી. વાચક એક અપેક્ષા સાથે પુસ્તક પાસે આવે છે અને પુસ્તક તેની એ અપેક્ષા ન સંતોષે તો ભાવક નિરાશ થાય છે. વાચકની અપેક્ષા પર ખરા ઉતરવું એ દરેક લેખનો ધર્મ છે.
આ નવલ લખવા સમયે પડકાર એ હતો કે વિષય જૂનો છે તો એમાં નવું શું કરવું? કારણ કે ખજાનો શોધવા વિશે અનેક પુસ્તકો લખાયા છે, અનેક ફિલ્મો બનેલી છે. એટલે વિષય જૂનો છે. એમાં મેં એક નવી સૃષ્ટિ રચી છે. નવલકથા લખવી એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે, આ વાત હું આ પ્રથમ નવલકથાના લેખનના અનુભવે સમજી શક્યો છું.
સાત પાત્રો, અધુરી પેઈન્ટિંગ, ખજાનો અને એક રહસ્યમયી મહેલની આસપાસ નવલના લીરા સમેટ્યા છે. આમ તો સાહિત્યનો ધર્મ આનંદ આપવાનો છે એ ન્યાયે વાચકને આનંદ મળશે એવા ભાવ સાથે કથાનું આલેખન કર્યું છે. પ્રથમ નવલકથા હોઈ ઘણી ક્ષતિઓ તેમાં રહી ગઈ હશે, તેથી પ્રથમથી જ વાચકોની ક્ષમા માંગી લઉં છું.
વધુ કંઈ ન કહેતા વાચક સમક્ષ આ નવલ ધરતા હર્ષની લાગણી અનુભવું છું.