આ નવલકથામાં વાત છે નામ વગરના સંબંધોની. વજેસંગ અને મંગુને એક સંતાન છે. એનું નામ નરપત. એ નાન્યતર જાતી છે, અર્ધ નારીશ્વર છે. ચેતના એક દલિત સમાજની છોકરી છે. શાળામાં રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવે ત્યારે આ દલિત બાળા સાથે બેનના સંબંધે જોડાવા કોઈ તૈયાર નથી. વળી રાખડી તો છોકરી જ છોકરાને બાંધે ને? કોઈ તૈયાર ન થતા નરપત રાખડી બંધાવવા આવે છે ત્યારે ય એના સંબંધ પર સવાલ ઉઠે છે. નરપત પુરુષ નથી, એથી કેવી રીતે એ ભાઈ બની એને રાખડી બંધાવે? વિચારોની સામ્યતા હોય તો સંબંધ થાય. એકબીજા પ્રત્યે લાગણીના સંબંધ રચાય. નરપત એ દ્વિજાતીય હૃદય ધરાવે છે. પુરુષ હોવા છતાં એનામાં એક સ્ત્રી વસેલી છે, આથી એ આવા સ્વભાવવાળા વ્યંઢળ જોડે પોતાની જાતને જોડે છે. માસીબાની કૂખે એ જન્મ્યો નથી પણ માસીબા (વ્યંઢળ) એને માતા જેવો પ્રેમ આપે છે. નરપત પણ એ લોક સાથે એ સમાજનું સંતાન હોય એવા સંબંધ કેળવે છે. આમ અનેક સંબંધો વચ્ચે એક સંબંધ મહાલે છે અને એ છે સ્નેહનો સંબંધ, નિસ્વાર્થ સંબંધ.