‘ધ સિરિયસ સાયન્સ મિસ્ટરી’, વિજ્ઞાન જગતના ગંભીર વિષયોના રહસ્ય ખોલે છે. સાહિત્યના શોખીનોને રહસ્યકથાઓનું ઘેલું હોય છે. પરંતુ ગુજરાતી સાહિત્યકાર મધુરાય કહે છે તેમ “ રહસ્ય કથાઓ અને વિજ્ઞાનકથાઓને ગુજરાતી સાહિત્યની સાવકી દીકરી ગણવામાં આવે છે.” વિજ્ઞાન કથાઓ કાલ્પનિક હોય છે. જ્યારે વિજ્ઞાનની વાર્તા વાસ્તવિકતાની ભૂમિ ઉપર ફલિત થઈ, ભૂમિમાંથી અંકુરરૂપે બહાર નીકળે છે. આજની યુવા પેઢીને ટેકનોલોજી અને વિજ્ઞાનમાં વધારે રસ પડતો હોય છે. વિજ્ઞાનના કેટલાક રહસ્ય હજી વિજ્ઞાનીઓ શોધી શક્યા નથી. આવા વિજ્ઞાનને રહસ્યકથાનું સ્વરૂપ આપીને રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાનનો ભાર નહીં પરંતુ સાર છે. કેટલાક વાસ્તવિક રહસ્ય હજી ઉકેલાયા નથી. ઉંમરના પાંચમા-છઠ્ઠા દાયકામાં પહોંચેલ વાચકને સતાવતા સવાલો જેવા કે એરીયા 51 શું છે? ઊડતી રકાબી શું છે? હિમ માનવ કયું રહસ્ય લઈને બેઠો છે. ઇજિપ્તના પિરામિડના પથ્થરોમાં 5000 વર્ષ પ્રાચીન રહસ્ય કેદ છે? પરગ્રવાસી અને ઉડતી રકાબીઓને શુ સંબંધ છે? આવા અનેક પ્રશ્નોથી માંડી 21મી સદીની શરૂઆતમાં યુવાનો દ્વારા પૂછાતા ધારદાર સવાલોનાં, (યુરી ગાગરિનને કોણે માર્યો? સ્ટાર ઓફ બેથલેહેમઆકાશમાં ક્યાં આવેલો છે? આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક દીકરી પણ હતી ? બ્રહ્માસ્ત્રનું સાચું રહસ્ય શું છે) જવાબ તમને રહસ્યકથા રૂપે “ધ સિરિયસ મિસ્ટરી” પુસ્તકમાં મળશે. પુસ્તકમાં રહેલી ત્રીસ રહસ્ય કથાઓ, તમને તમારી બેઠક ઉપરથી ઉઠવા દેશે નહીં.