બાળપણમાં પપ્પાને ન્યુઝપેપર અને મેગેઝીન વાંચતા જોયા હતાં, ત્યારથી વાંચવાનો શોખ જાગ્યો. ધીમે ધીમે એ શોખ વિકસતો ગયો અને શોખમાંથી લેખક પ્રત્યે એક અહોભાવ જાગ્યો. મારા માટે લેખન ઘણી મોટી વસ્તુ ગણાતી, એટલે લેખક પણ મારા માટે એક મોટી હસ્તી જ છે. કોઈ રાજકારણી કે ફિલ્મી અભિનેતા કરતાં મારા મન પર લેખકે વધારે આદરણીય સ્થાન લીધેલું છે. એ આદરભાવને કારણે મને પણ થયું કે હું પણ કંઈ લખું. વાંચવા માટે હું બહુધા લઘુકથા અથવા બાળવાર્તા પસંદ કરતી એટલે મનમાં તેનું જ બંધારણ બંધાયેલું હતું.
બાળવાર્તા એ બાળકો માટેનું મનોરંજન છે. પહેલાંના જમાનામાં જ્યારે ટીવી, મોબાઈલ, ફનપાર્ક જેવું કંઈ હતું નહીં, ત્યારે બહુધા રાત્રે સુતી વખતે દાદા-દાદી બાળકોને વાર્તાઓ દ્વારા મનોરંજન કરતા, પણ મનોરંજન કેવું કે એ વાર્તા દ્વારા બાળકોને કોઈ બોધ મળે. અહીં મેં પણ આવો નમ્ર પ્રયાસ કર્યો છે. મેં વાર્તાઓમાં આજના બાળકોની પ્રિય વસ્તુઓ પતંગ, દોરી, પૈસા, આધુનિક ફુડને પણ સમાવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખું છું કે મારી આ બાળવાર્તાઓ અને આ પ્રથમ પુસ્તકને સૌ વધાવશો.
આશા જીતેન્દ્ર ભટ્ટ
ashabhatt8590@gmail.com
આશાબેન ભટ્ટ બાળ સાહિત્યકારોમાં ઊભરતું નામ છે. એકએક વાર્તા વાંચતાં એ પ્રતીતિ થાય છે કે આ કોઈ સાહિત્યના શિલ્પીએ કાળજીપૂર્વક કૃતિઓને કંડારી છે. અઘરું લાગતું આ કામ આશાબેનને સહજ છે. એમના પહેલા જ પુસ્તકે બાળસાહિત્યક્ષેત્રે એમના ભાવિ પ્રદાન માટે મોટી આશા જગાડી છે. (માણેકલાલ પટેલ)
આશાબેન ભટ્ટની આ બાળવાર્તાનું પુસ્તક એક અમૂલ્ય વાર્તાઓનો ખજાનો છે એવું કહેવામાં મને જરા પણ અતિશયોક્તિ નથી લાગતી. દરેક વાર્તામાં ખાસ બોધ મળે એ નાવીન્ય સભર છે. વાર્તા માત્ર મનોરંજન ન રહેતા કંઈક શીખ મળે એ બાબતનું બહેન શ્રીએ ખાસ ધ્યાન રાખ્યું છે. એક વખત બધી વાર્તા વાંચશો એટલે એટલું જરૂર કહેશો કે, ‘વાહ લેખિકા બહેન! આપની મહેનતને સો સો સલામ…’ (સ્વ. રાજુસર ગરસોંદિયા)