"જાગીરના પૂજારી - પ્રાણવંતા પ્રાથમિક શિક્ષકોની ગુજરાતને ખોટ નથી. સાતપડાથી ભાવનગર સ્થિર થયેલા પ્રવીણ સરવૈયા પણ એવા એક શિક્ષક. ભણાવતાં ભણાવતાં વાર્તાઓ લખે, નિબંધ અને પ્રવાસ લેખો પણ આપે. આસપાસનાં પંખીઓ ઓળખાવે. તરુણાઈમાં પ્રવેશતાં બાળકોને વેળાવદર, હિંગોળગઢ તેમજ ગીરની પ્રકૃતિમાં લઈ જાય. એમાંથી મળેલા પ્રસાદને આપણી સાથે વહેચે! ‘ખમ્મા ગીરને!’ - કરીને દુઃખણાં લેતી, ગીર જેમને પાગલ બનાવી દે છે એ પ્રકૃતિશીલ પેઢીના પ્રતિનિધિ બનીને પ્રવીણ સરવૈયા અહીં ગીરનાં પાંચે તત્વોની આરતી ઉતારે છે. તેઓ કહે છે: ‘શિયાળામાં ગીર કોઈ તપસ્વી યોગી જેવું લાગે. ઉનાળામાં દિગંબર સાધુડાઓની જમાત જેવું ભાસે. તો ચોમાસામાં એ મેળામાં મહાલતી, ખિલખિલાટ કરતી, રુમઝુમ ગરબા ગાતી ગ્રામ કન્યાઓનાં લાવણ્યમય ઝુંડ જેવું દેખાય.’ ‘જોવું’, ‘નિહાળવું’ અને ‘દર્શન કરવા’ના ભેદ ઉકેલતા હોય એવાં આ પ્રકૃતિ નિરુપણોનાં પ્રવાસમાં કેટકેટલાય પારિતોષિકો અને એવોડ્સ જીતી લેનાર પ્રવીણ સરવૈયા આપણું હૃદય પણ જીતી જાય છે. ‘ખમ્મા ગીરને!’ માટે મારી શુભકામનાઓ." - ડૉ. મહેન્દ્રસિંહ પરમાર (અધ્યક્ષ, ગુજરાતી ભાષા – સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી.)