"મારે બે ધણી છે.” કઈ સ્ત્રી છડે ચોક આવું કહી શકે? તે પણ મેરેજની સિલ્વર જ્યુબિલી એનિવર્સરીની સંગીત સંધ્યામાં! પણ શ્યામ શ્યામ સલુણો, મારા મનનો માણીગર, હૈયાનો હાર ને મારા જીવનનો સાર બની સોહમની સરગમ બની ક્યારે મારા શ્વાસે શ્વાસે રેલાઈ ગયો સમજાયું જ નહીં! ને તેનાં સગપણમાં દીવાની બની આવાં શબ્દો મારાથી ઉચ્ચારાયા હતાં. પૂર્વ જનમના પુણ્યે દેવીભક્ત પિતા અમૃતલાલ, જેણે દેવી ભાગવતમાંથી મારું નામ નારદી રાખ્યું હતું. તેમજ ત્યાગ, સેવા ને ભક્તિની મૂર્તિ સમી માતા લક્ષ્મીબેને ગળથુથીમાં ભક્તિ પાઈ હતી. દાદી તાપીમા સાથે માધવબાગના પુનિત સત્સંગમાં પૂજ્ય પુનિત મહારાજનાં ગુરુભાઈ, મોહન ભગતની કરુણા વર્ષે બાવીસ વરસની ભર યુવાવસ્થામાં તેમણે મારી અવિનાશી સંગે ઓળખ કરાવી, અંતરના ખરલમાં હરિરસ ઘુટાવ્યો ને પછી તો પુનિત મંડળના દરેક સંતોના આશીર્વાદ ઉતરતાં રહ્યાં. ને ઈશ્વરની અનંત કૃપા થઈ. અંતરનો એકતારો તેનું નામ ગુંજતા ગુંજતા ક્યારે તેના ગુણાનુવાદ લખતો થઈ ગયો. કંઈ સમજાયું નહીં પણ ૨૩ વર્ષની ઉંમરે પ્રથમ ભજન લખાયું અને પછી તો એ વણઝારા અટકી જ નહીં આજે દસ હજારથી વધુ રચના કરાવી ઈશ્વર અનુરાધાર વરસી રહ્યો છે!