મેં મારા આ એકાંકી સંગ્રહમાં ચાર એકાંકીનો સમાવેશ કર્યો છે. પ્રથમ એકાંકી ‘સૈનિક છે તો દેશ છે’ એક સૈનિક અને એના પરિવાર વિશે છે. અજયકુમાર એક સૈનિક છે. ફરજના કારણે પરિવારથી દૂર રહે છે. વતનમાં એમનાં પત્ની, દીકરી અને માતાપિતા રહે છે. હંસરાજ અજયકુમારના એક મિત્ર છે. જેઓ લેખક છે. અજયકુમાર પાંચ દિવસની રજાઓમાં એમના વતનમાં આવે છે. રજા પૂરી કરીને ફરજ પર જાય છે ત્યારે એમની દીકરીને કહીને જાય છે, કે હું તારા જન્મદિવસ પર ચોક્કસ આવીશ. પછી કેવી ઘટનાઓ બને છે એ આ નાટકમાં દર્શાવ્યું છે. સમાજના લોકો પણ દેશભક્તિ કઈ કઈ રીતે દાખવી શકે એ પણ આ નાટકમાં દર્શાવ્યું છે. બીજું એકાંકી ‘દરિયાની માછલી’ એક કલાકાર વિશે છે. ભારતી નાટકની કલાકાર છે. શરદ એનો પતિ છે. ભારતી સદાય નાટકમાં ઓતપ્રોત રહેતી હોવાથી શરદ નારાજ થાય છે. એ ભારતીને ઘર કે નાટક બેમાંથી એકની પસંદગી કરવાનું કહે છે. ભારતી નાટક પસંદ કરે છે અને શરદનો સાથ છોડે છે. આ નાટકમાં એક કલાકારની વેદના અને મનોમંથનને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રીજું એકાંકી ‘માફીનામું’માં કોરોના વખતની પરિસ્થિતિ રજૂ થઈ છે. લોકડાઉન વખતે એક પોલીસવાળો એક શાકભાજીવાળાને લોકડાઉનનો ભંગ કરવા બદલ સજા કરે છે. એનું શાકભાજી ફેંકી દે છે. પછી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓનું આલેખન આ નાટકમાં છે. નાટકમાં માનવતા અને કરુણાનો મહિમા પ્રગટ થાય છે. ચોથું એકાંકી ‘વાસ્તવિકતાની ધરતી પર’ સામાજિક છે. સૂરજ અને રજની એક એવું દંપતી છે જે જીવનમાં વાસ્તવિકતાનો વિચાર કર્યા વગર માત્ર કલ્પનામાં જ રાચે છે. તેઓ પોતાનું ઘરનું ઘર વસાવી શકતાં નથી. દીકરાનો ઉછેર પણ સારી રીતે કરી શકતાં નથી. પરિણામે, એમને જીવનના અંતિમ પડાવમાં પસ્તાવો થાય છે. પોતાની જાતને ગુનેગાર માનવાનો વખત આવે છે. પ્રસ્તુત નાટકમાં, કલ્પના અને વ્યવહારિકતા વચ્ચે સમતુલા ન જાળવી શકનારને કેવું પરિણામ ભોગવવું પડે છે એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ચારેય નાટકો મૂળ તો રેડિયો-નાટક હતાં. આ નાટકો આકાશવાણી અમદાવાદ-વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થયાં હતાં. મેં એ નાટકો પરથી આ સ્ટેજ નાટકો તૈયાર કર્યાં છે. આ સંગ્રહના પ્રકાશન પ્રસંગે આકાશવાણી અમદાવાદ-વડોદરા અને શોપિઝનનો આભાર માનું છું.