બે ખંડિત વ્યક્તિઓના મિલનની કથા એટલે ‘નદી અને કિનારો’. વ્યક્તિત્વ ક્યારેક પૂર્ણ ના હોઈ શકે, પણ પ્રેમ અખંડ હોઈ શકે? તેવા મર્મને પ્રગટ કરતી આ લઘુનવલકથા દ્વારા ધરમાભાઈ શ્રીમાળી વાર્તાકારમાંથી નવલકથા ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. ધરમાભાઈ ગુજરાતી વાર્તાક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. કિનારાને પણ પ્યાસ હોય છે, નદીને મળવાની! નવલકથા પાલનપુર, બાલારામ અને અરવલ્લીના પહાડોના પરિવેશમાં વિસ્તરે છે. લેખકે પકૃતિ, આદિવાસીઓના મેળા, નદી અને પહાડોનું સુંદર વર્ણન કર્યું છે. એ વાંચતા બધું જીવંત થાય છે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરીએ તો પૂર્ણ જ થાય. તે રીતે અપૂર્ણમાં અપૂર્ણ ઉમેરીએ તો અપૂર્ણ જ થાય. વિશ્વમાં કોઈ પૂર્ણ નથી, લેખક તેમાં વિશ્વાસ ધરાવે છે. લેખક અભિધાથી કહેવાને બદલે મોટેભાગે સ્થળ, પરિવેશ અને વર્તનનાં વર્ણનો દ્વારા કથાનો વિકાસ સાધે છે. નવલકથાનાં વર્ણનો રોચક છે. પરાગ, લતા, કાસમ તથા માતાનું પાત્ર ઘરાતલનાં પાત્રો છે. જગતમાં ઘણાં બધાં માણસો સજ્જન છે, સારાં છે, તેના પર લેખકને શ્રદ્ધા છે. તેથી એ લખે છે કે કોઈ એવું તત્વ છે આ દુનિયામાં જે માણસને માણસથી જોડી રાખવા અદૃશ્ય રહીને કામ કરે છે. આ લઘુનવલ પ્રથમ પ્રયાસે આવકારદાયક રહી છે. ધરમાભાઈને ખૂબ ખૂબ અભિનંદન.- કનુ આચાર્ય