સાહિત્ય જગત એટલે ફક્ત સાહિત્યલક્ષી વિચારોને જ પ્રાધાન્ય આપતું ગ્રુપ. આ ગ્રુપની શરૂઆત હાર્દિકભાઈ પરમાર "મહાદેવ", કિરણબેન શર્મા "પ્રકાશ" અને જાગૃતિબેન કૈલા "ઊર્જા"એ 25/9/22ના રોજ કરી હતી. આ સાહિત્ય જગત ગ્રુપનો આશય રચનાકારને લેખનના દરેક પ્રકારથી માહિતગાર કરવાનો છે. આ હેતુ સિદ્ધ કરવા મહિનામાં બે સ્પર્ધાનું આયોજન થાય છે, જેમાં જે પ્રકારનું આયોજન હોય એની વિસ્તૃત માહિતી અપાય છે પછી એ જ પ્રકાર પર સ્પર્ધાનું આયોજન કરાય છે. આ સ્પર્ધા અંતર્ગત દર વખત અલગ અલગ નિર્ણાયકો દ્વારા તટસ્થ મૂલ્યાંકન થાય છે અને દરેક લખનારને ઉત્સાહ પ્રેરક ડિજિટલ પ્રશસ્તિ પત્ર ઉપરાંત વિજેતાઓને ડિજિટલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવે છે. સ્પર્ધા ઉપરાંત પણ ખાસ દિવસોમાં ખાસ ઉજવણી તો હોય જ. આમ, મા શારદાની કૃપા અને સમગ્ર સાહિત્ય જગતના સભ્યોના સહકાર થકી ત્રણેય એડમિનની મહેનત સફળતા પામી છે. અત્યારે ફક્ત છ માસથી ટૂંકા ગાળામાં પણ ગ્રુપે ખૂબ સરસ પ્રસિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા તરફ આગળ ડગ માંડતા સાહિત્ય ક્ષેત્રે પ્રથમ વખત જ 'કલમ ઓળખ તમારી, કોશિશ અમારી' પ્રોજેક્ટ અંતર્ગત નામાંકિત લેખક કવિના વિચારો ઓનલાઈન વાર્તાલાપ (ઈન્ટરવ્યુ) થકી સાહિત્ય ક્ષેત્રના ખૂણે ખૂણે પહોંચતા કરવાનો પ્રયત્ન કર્યો છે. લેખક કવિની કલમ થકી રચના તો ઘણા વાંચતા હોય પણ એ કલમકારમાં અનેક વિશેષતા છુપાયેલી હોય છે જેનાથી આ સાહિત્યની દુનિયા બેખબર હોય છે એને આ વાર્તાલાપ થકી લોકો સુધી પહોંચાડીએ છીએ. એમની વિશેષ આવડતનો અન્ય લોકોને લાભ મળે એ આશય પણ આ પ્રોજેક્ટ પાછળ છુપાયેલો છે. અમારા આ પ્રોજેક્ટને ખૂબ સરસ સફળતા મળી રહી છે અને અમારો આ પ્રોજેક્ટ ફક્ત સાહિત્ય જગત કે જે અમારું ગ્રુપ છે એ પુરતો સિમિત નથી પણ સાહિત્ય ક્ષેત્રે જોડાયેલ દરેકના વિચારો અમે આ માધ્યમથી લોકો સુધી પહોંચાડશું. અમારું માનવું છે કે 'બધાં બધું નથી જાણતાં પણ બધાં કંઈક તો જાણે જ છે.' અમારી આ માન્યતાને આધારે અમે અમારી આ સાહિત્ય સફર ચાલુ રાખીશું. મા શારદાના આશિષ, મહાદેવની કૃપા થકી આ ગ્રુપ પ્રકાશિત અને ઊર્જા સભર રહે એ જ અભ્યર્થના