સાચું કહું તો…
સંક્ષિપ્તમાં, સ્વ સાથેના અંગત સાક્ષાત્કારના થોડા સિલેક્ટેડ સંવાદ સહર્ષ સાર્વજનિક કરતાં કહું તો...
એપ્રિલ ૨૦૨૦ કોરોનાકાળની ઉત્પત્તિ દરમિયાન મને લખવાનો વાઇરસ આભડી ગ્યો, એ પછી સાહિત્ય જગત, સાહિત્યકારો (ધરાર બની બેઠેલાં) અને પ્રકાશકની ગંદી અને હલકી રાજનીતિનો શિકાર થયો ત્યારે ભાન થયું કે, પેઈડ પ્રશંસામાં પારંગત સંચાલકો અને ભારત પાકિસ્તાનની દુશ્મનીને પણ આંટી મારે એવી ભારોભાર ખદબદતી ઈર્ષ્યાના એવરેસ્ટ કરતાં પણ ઊંચો ગ્રાફ સાહિત્યજગત સિવાય બીજે કયાંય જોવા ન મળે. સ્હેજ વજનવાળું કળકળતી કરન્સીનું કવર ઉછીના ઝભા પહેરેલાં સંચાલકના ગજવામાં સેરવી દયો પછી… ચૂંટણી સભામાં પરાણે તાણી લાવેલા હોય એવા પચાસેક પ્રેક્ષકો પાસેથી પણ પાંચ હજારની હજારી જેટલી તાળીઓ ઉઘરાવી લે. અને મોઢે બેસેલી માખી ઉડાડવા સુદ્ધાંની ત્રેવડ ન હોય એવાં ષષ્ઠીપૂર્તિના આરે પહોંચેલા યજમાનની સ્તુતિગાન ગાતાં ખટારાબંધ એટલાં તારીફના પૂલ બાંધી આપે કે યજમાનની શંકા પણ એટલી દૃઢ થઇ જાય કે, ખરેખર ક્યારેય મેં આટલું સારું તો લખ્યું જ નથી. થોડીવાર પછી તો એવી પણ શંકા સ્ફુરે કે ખુદના બેસણાંમાં તો નથી આવી બેઠોને? છેલ્લાં દોઢ વર્ષમાં એક નવોદિત તરીકે સાહિત્યકારો સાથે સ્વ ખર્ચે અડધી ચા પીતા પીતા એટલી જાણ થઇ કે, રાજકારણી બનવા માટે સાહિત્યનું જ્ઞાન જરૂરી નથી પણ રાષ્ટ્રપતિ જેવા રબ્બર સ્ટેમ્પ સાહિત્યકાર બનવા રાજકારણનું અધકચરું પણ જ્ઞાન અતિ અનિવાર્ય છે. જેમ વર્ષોથી ફિલ્મ જગતમાં ખાન અને કપૂર ખાનદાનના દબદબાનો બહારથી હવા ભરેલો ફુગ્ગો ફૂટતા ગોડફાધરના ગોત્ર વિનાના નવોદિતો જે રીતે સહજતાથી બસ્સો પાંચસો કરોડના કમાણીની ક્લબોમાં સ્થાન મેળવતાં, કોઈ એકપણ કળા ક્ષેત્રને બાપ દાદાની જાગીર સમજતી પેઢીના પેટમાં જમાલગોટાની પીડા ઉપડે એ સ્વાભાવિક છે.
એ પછી...
પેટ માટે નહીં પણ પ્રથમ પુસ્તક માટે છેક આઠ મહીને સીઝેરિયન પ્રસુતિ જેવી પીડાના શમન પછી પ્રસ્તુતિ થઇ મારી પ્રથમ નવલકથા ‘કિલનચીટ’ની પહેલી જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે.
એ સમયગાળા દરમિયાન… ઊંધું માથું ઘાલીને ચિક્કાર લખ્યું… આજની તારીખે, એપ્રિલ ૨૦૨૦થી લઈને જુલાઈ ૨૦૨૧ દરમિયાન આશરે સોળ મહિનામાં સાત નવલકથા, એક નવલિકા, ત્રણ લઘુનવલકથા અને બે ટૂંકી વાર્તા એટલે લખી શક્યો, કારણ કે, ‘મને લખતાં નથી આવડતું’ એવું મારી પીઠ પાછળ હસનારાના હાસ્યમાં પડઘાતાં શબ્દો મને રાત્રે સૂવા નહોતા દેતા.
પણ આજે સોળ મહિનામાં એક કળા મેં ખૂબ સારી રીતે હસ્તગત કરી લીધી તેની મને ખુશી છે… કે…
‘વાત અને વાર્તાનો ભેદ પારખતાં મને ખૂબ સારી રીતે આવડી ગયું.’
‘કહીં આગ ના લગ જાયે’ કથાબીજનું અંકુર ફૂટ્યું ૧૬ ડીસેમ્બર ૨૦૧૯ની એક અવિસ્મરણીય સંધ્યાએ…
અંગતથીયે વિશેષ કહી શકાય એવા એક હાલ્ફ એન.આર.આઈ. (હાલ્ફ એટલા માટે કે તે છ મહિના ઇન્ડિયા અને છ મહિના વિદેશમાં જ હોય) મિત્ર સાથેના સહજ સાત્વિક સત્સંગની પળોના વિચારમંથનમાંથી જન્મ થયો મારી બીજી નવલકથા ‘કહીં આગ ન લગ જાયે’નો…
તદ્દન પાયાવિહોણી વાત લાગશે પણ માત્ર પિસ્તાળીસ મિનિટમાં શીર્ષક સહિત સમૂળગી નવલકથાના પાત્રોના નામકરણ સાથેનો રફ પ્લોટ ઘડીને દિમાગમાં ગડી વાળીને મૂકી દીધો.
ડિજિટલ અને સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્વારા વાચકો અને મિત્રો સુધી સાપ્તાહિક ધારાવાહિક રૂપે અક્ષરદેહ ધારણ કરીને એ નવલકથા આવી, ૨૪ મે ૨૦૨૦ના રોજ.
આજે સોળ મહિનામાં મારી લેખનશૈલીથી પરિચિત દેશ-વિદેશના સેંકડો વાચકમિત્રો, અસંખ્ય ફ્રેન્ડ્સ, સ્નેહીજનોના અંતરના આશીર્વચનથી મારા અંગત જીવન સાથે ખૂબ કરીબથી વણાયેલી અને મારી સૌથી વધુ પ્રિય નવલકથા જ્યારે આજે પુસ્તક સ્વરૂપે જોઉં છું તો... ઉઘાડી આંખે જોયેલું સ્વપ્ન, સાચકલું અને નજર સમક્ષ હજારા હજૂર હોવાં છતાં ધૂંધળૂ દેખાય છે, કારણ કે બન્ને આંખો હરખના ઝળઝળિયાંથી નીતરે છે.
રોકડા રાણી સિક્કાના રણકાર જેવા રાજીપાની ચરમસીમા તો એ છે કે, બીજી નવલકથાનું પહેલું પુસ્તક મારી મમ્મીના ખોળામાં મૂકી રહ્યો છું. મારી તમામ લેખન સર્જનયાત્રાના એક એક શબ્દે શબ્દ તેમની મીઠી છત્રછાયાના ઋણી છે.
ખાસ કરીને વિશેષ આભારના અધિકારી, જેના નિસ્વાર્થ સેવાભાવી સ્વભાવ અને સહકારથી આ પુસ્તક આપ સૌથી પહોંચાડી શક્યો છું, એવા પરમ મિત્ર અને આદરણીય શ્રી ઉમંગ ચાવડા અને શોપિઝનની સમ્રગ ટીમનો ખૂબ ખૂબ આભારી છું, અને રહીશ.