હિન્દીની એક મશહૂર લેખિકા અને ઉભરતા શાયરની ઝંઝાવાતી પ્રેમ કથા.
***
ખૂબ જ સંવેદનશીલ રચનાઓ લખવા માટે જાણીતા આબિદભાઈની વાક્ય રચનાઓમાં મેં ક્યારેય ભારેખમ શબ્દોનો દબદબો કે આડંબર નથી જોયો. એમનું સરળ પણ રસાળ પ્રવાહી શૈલીનું લખાણ હમેશાં મને ઘેલું લગાડતું રહ્યું છે.
આખરે આબિદભાઈ લાવ્યા છે.
વાસંતી વાયરાનું વાવાઝોડું...!
અષાઢના પ્રથમ દિવસનો મેઘનાદ...!
ભીની વરસાદી સોડમમાં ભીંજાતા સંબંઘનો એક અનુપમ ક્રશ…!
આ કથા છે એક મશહૂર હિન્દી લેખિકા નીલિમા ઠાકુરની...
આ કથા છે પોતાના પહેલા ગઝલસંગ્રહના પ્રકાશનની રાહ જોતા મનમોજી ગઝલકારની...
શબ્દોની સોબતના રાહીને સફરનો થાક કેવો? સર્જનશીલતા એની રગેરગમાં વહે છે.
રાજસ્થાનના કોટા શહેર નજીક ચંબલ નદીની ગોદમાં વસેલા નાનકડા પણ સુંદર સૂરજપુર ગામે જવા નીકળે છે ઉપન્યાસકારા નીલિમા ઠાકુર...
સફરમાં મુલાકાત થાય છે ઉદય રાણેની...
ઉદય રાણે સાવ અલ્લડ, અલગારી, બેપરવાહ શાયર... કે જેને ક્ષણ પછી પોતે શું કરવાનો છે એની ખબર નથી... સફર કરે છે પણ મંજિલની ખબર નથી... અવિરત ભટકતા જીવનમાં કંઈક પામવાની લલક એને કંઈક મેળવી આપશે કે કેમ એની પરવા કર્યા વિના...
જિજ્ઞાસાવશ નીલિમા ગઝલકારની ડાયરીનાં પાનાં ઉથલાવે છે... ગઝલકારની કલમ પારખી જતી નીલિમા ઉદયને પોતાની સાથે સૂરજપુર આવવાનું ઈજન આપે છે.
ઉદયને સંબંધો લગાતાર છેતરતા રહ્યા હતા તેમ છતાં તે ફરી એકવાર જિંદગીને અજમાવવા તૈયાર થઈ જાય છે...
આ તરફ લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે જેનો એકધારો પ્રવાહ ફરીવાર તો પોતાની જિંદગીને વેરણ છેરણ નહીં કરે ને? ગઝલકાર અવઢવમાં છે.
પરિચયનાં સંધાણ... પછી લાગણીનાં પડળ ઉઘડે છે...
શરૂ થાય છે એક પ્રણયભીની સફર...
ગઝલકાર હચમચી તો ત્યારે જાય છે જ્યારે નીલિમાના પિતા એક ખૂંખાર ડાકુ હોવાની તેને ખબર પડે છે.
એક પ્રેમિકાએ તરછોડી માનસિક રીતે એને તોડી નાખ્યો ત્યારે ફરીવાર આવેલું આ લાગણીનું વાવાઝોડું એને ક્યાં લઈ જશે?
ગઝલકાર પોતાની માનસિક સ્વસ્થતા ફરી મેળવી શકશે...
પ્રણયની મૌસમ ખીલી ગયા પછી બેઉ એકમેકના હૃદયમાં લાગણીનું વાવેતર કરી શકશે?
કેટલાંક અતીતનાં કિરદાર આવી મળે છે.
નીલિમાની નવલકથાને ફિલ્મમાં બ્રેક મળે છે.
બંને મોરિશિયસ જવા ઉતાવળાં થયાં હતાં...
જોકે બંનેનો ઈંતજાર કરી રહી હતી એક એવી હસ્તી... જે નવપલ્લવિત રિશ્તાને હચમચાવી નાખવા તત્પર હતી...
બસ મિત્રો, આથી વધુ નવલકથા વિશે ખુદ તમને નીલિમા અને ઉદય રાણે કહેશે…!
વાંચવાનું ચૂકશો નહીં...!
એક જબરદસ્ત પ્રણયકથાને...!
સપનાં લીલાંછમ
સબિરખાન પઠાણ (સુરત)