પ્રેમની પેલે પાર… આમ તો વાર્તાના નામથી ખ્યાલ આવી જ જાય કે આ એક પ્રેમકથા છે, પણ આમાં ખાલી પ્રેમ નથી… પ્રેમ, દોસ્તી, સમર્પણ, એકબીજાને ખુશ જોવાની એવી જીદ કે પોતાની ખુશી પણ ગૌણ બની જાય અને આ બધાનો સમન્વય એટલે પ્રેમની પેલે પાર… વાર્તાની શરૂઆત મોક્ષદાત્રી મા ગંગાના કિનારે સ્વજનની અંતિમ વિધિ કરતા અભ્યુદય અને સૌમ્યની મનોદશાથી થાય છે અને એમનું એ સ્વજન એટલે આકાંક્ષા. શરૂઆત કદાચ થોડી ભારે લાગી શકે પણ તરત જ વાર્તા એના પૂર્વાર્ધમાં ચાલવા લાગે છે અને શરૂ થાય છે કોલેજમાં ભણતા સૌમ્યા, અભ્યુદય, વેદ, સ્વપ્નિલ, મહેક અને આકાંક્ષાની શાનદાર મૈત્રીની. એમની મૈત્રીમાં આવતા ચઢાવ - ઉતાર, એમણે માણેલી અવિસ્મરણીય પળો, એકબીજાને આપેલો અદ્ભુત સાથ અને છેલ્લે એમાં આવેલા અકલ્પનીય વળાંક… એક તરફ એમની મૈત્રીની દરેકે દરેક વાત વાંચકને જકડી રાખવા મજબૂર કરે છે. તો બીજી તરફ એમાં દર્શાવવામાં આવેલો મુખ્ય પાત્રો આકાંક્ષા અને અભ્યુદય વચ્ચેનો દોમ દોમ પ્રેમ જે એમને એવા નિર્ણય લેવડાવે છે કે જે એમના પ્રેમને સામાન્ય કક્ષાથી ક્યાંય ઉપર પેલે પાર મૂકી દે છે. જોકે ફક્ત આ બેને જ મુખ્ય પાત્ર કહેવા એ આજ વાર્તાના બીજા પાત્ર સૌમ્યા અને પ્રથમ માટે અન્યાય જ કહેવાય! પ્રથમ એક એવું વ્યક્તિત્વ છે જે ભલે વાર્તાના મધ્યાહનથી જોડાય છે, પણ પોતાની આગવી ભૂમિકાથી વાંચકોના દિલ પર અમીટ છાપ છોડી જાય છે. જેણે સ્વને છોડીને પોતાના પ્રેમના નિર્ણયને પ્રથમ સ્થાન આપ્યું અને વાર્તાના નામને ચરિતાર્થ કર્યું. વર્તમાનથી ચાલુ થયેલી આ વાર્તા એના પૂર્વાર્ધ અને ભવિષ્યની સફર એટલી રોમાંચક રીતે પસાર કરે છે કે વાંચક એક અલગ જ તાદાત્મ્ય અનુભવે...