'પ્રેમ કરવાની ઉંમરે પહોચતાં પહેલાં મારી અંદર એક રણ વિસ્તરી ચૂક્યું હતું. હા, મારી નાખ્યા મેં એ બધાંને જેણે મારી અંદર રહેલી મને મારી હતી.'
એક સાત-આઠ વરસની બાળકીને મા-બાપનો પ્રેમ, હૂંફ અને એક સ્વચ્છ, તંદુરસ્ત વાતાવરણને બદલે સ્ત્રીનું અપમાન કરતાં, મારતાં એને વેંચતા લોકોની વચ્ચે રહેવું પડે, ત્યારે એ બાળકીમાંથી સર્જાય છે ‘વીરા’. સતત પોતાની સુરક્ષા માટે લડતાં લડતાં કોમળ લાગણીઓનું સ્થાન ક્રૂર ભાવો લઇ લે છે ત્યારે એક માનસિક મર્ડર થાય છે અને સર્જાય છે ‘વીરા’. કિશોરાવસ્થામાં જ્યાં એક કૂણી કૂંપણ ફૂટુ ફૂટુ થઈને ફૂલ બનવાની તૈયારીમાં હોય ત્યારે એને કચડી નાખવામાં આવે ત્યારે સર્જાય છે ‘વીરા’.
આ વેદના નાનપણથી જ અંદર લઈને ચાલતી છોકરીની વાર્તા એટલે ‘વીરા’. પતિને પ્રેમ કરવો પણ છે પરંતુ પ્રેમ પોતાને માફક નહીં આવે એવી માનસિકતામાં પીડાતી એ છોકરી એટલે ‘વીરા’.
એ અતિ સુંદર છે, એ રૌદ્ર છે… એ સૌમ્ય છે, એ ભયંકર છે… એ ભભૂકતી જ્વાળા છે, શીતળ જલધારા છે… એ અંધારું છે માનસપટનું, એ અજવાળું છે અંતરમનનું… એનામાં છળ નથી, એનો પ્રેમ છળ છે… એ છે…
વીરા - એક જલદ અશ્રુધોધ…
***
નવલકથાના પાત્રો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે તથા તેનો કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. ઘટનાઓ અને સંવાદો માત્ર અને માત્ર પાત્રોને ન્યાય આપવાના હેતુસર છે, ક્યાક કોઈ જાતિ કે ધર્મની લાગણી દુભાવવાનો હેતુ નથી.