-
નાઈટિંગેલ-સાગર હૈયે વડવાનલ- સ્ટીમરમાં ખેલતા ખૂની ખેલની હોરર સસ્પેન્સ કથા.
આ નવલકથાના લેખક બકુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તેમણે 1978માં લખી હતી. જે હમણાં પ્રકાશિત થઈ. તે સમયે જો આ નવલકથા પ્રકાશિત થઈ હોત, તો અત્યાર સુધીમાં તે ખૂબ વંચાઈ હોત, ઈનામ અકરામોથી પોંખાઈ હોત અને હજારો વાચકોએ વાંચી પણ હોત. ખેર, તે સમયના તેમના પ્રતિકૂળ સંજોગોના લીધે પ્રકાશિત થઈ શકી ન હતી. હમણાં તે પ્રકાશિત થઈ છે, તે પણ ગૌરવની વાત છે. આ નવલકથાનું જમા પાસું તેની રોચક વાર્તા છે. 1978ના સમયની વાર્તા ચુંવાલીસ વર્ષ પછી પણ એટલી જ તાજી લાગે છે. આજના વાચકોને પણ તે ગમશે જ, એવી મને ખાતરી છે.
બહુ વર્ષો પહેલાં આવી સાહસિક દરિયા ખેડુની સાહસ કથાઓ લખાતી હતી. ‘ગુણવંતરાય આચાર્ય’ની સાગર કથાઓ ખૂબ વિખ્યાત હતી. આ નવલકથા વાંચતાં મને 1970નો એ સમય યાદ આવી ગયો, જે દિવસોમાં સ્કૂલ, કોલેજની લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો લાવીને હું વાંચતો હતો.
આ નવલકથામાં લેખકે 1964ના સમયગાળાની કથા આલેખી છે. ‘નાઇટિંગેલ’ સ્ટીમરનું નામ છે. પહેલાં જ પ્રકરણથી આ સ્ટીમર ઉપર ખોફનાક ઘટના આકાર લે છે. પીળા લાકડા જેવો ચહેરો અને પંજામાં ઉગેલા દંતશૂળવાળા પીળા શયતાનનો ભયાવહ અને જુગુપ્સાપ્રેરક ચિતાર આબાદ ઉપસ્યો છે. પહેલા જ પ્રકરણથી વાચકને ખોફના ભરડામાં લેવાની શૈલી લેખકને હસ્તગત છે. તે જમાનાના સ્ટીમરનું બારીકાઈથી કરેલું વર્ણન અને દરિયાનો પરિવેશને અદ્ભુત છે. જહાજની રચના, તેના મશીનો અને ભૌગોલિક પરિસ્થિતીઓનો, લેખકે કરેલો અભ્યાસ દેખાઈ આવે છે.
લેખકે ઊભાં કરેલાં પાત્રો, કેપ્ટન સુદર્શનસિંઘ, યશપાલ, ટાઈપિસ્ટ જાન્હવી, કમલ જાસૂસ, હાઈગેન્સ મેયર ઉર્ફે દીવાન, ડોક્ટર ધનરાજ, નેન્સી, મંગલ, અબ્દુલ, મનાકાકા વગેરેનું ચરિત્ર ચિત્રણ આબેહૂબ થયું છે. આ દરેક પાત્રો વાચકને બાંધી રાખે છે. આ ઉપરાંત લેખકે દરેક પ્રકરણમાં પોતાની ફિલોસોફી રજૂ કરી છે. જે બોલ્ડ અક્ષરોમાં છાપી હોવાથી તે વાચકનું ધ્યાન ખેંચે છે.
નવલકથામાં બે વાર્તાઓ સમાંતરે ચાલે છે. એક પીળા શયતાનની ભયાનક વાર્તા કે, જે નિર્દોષ લોકોનાં ખૂન કરીને તેમનું લોહી પીએ છે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરીને બીભત્સ રીતે તેમનું ખૂન કરે છે. બીજી વાર્તા ભારત સરકારનાં કીમતી મશીનો સ્ટીમરમાં છે, જેની ખબર અમુક લોકોને જ હોય છે. મશીનોની ચોરી કરવા માટે એક મિસ્ટર Zની ગેંગ સક્રિય છે. આ બંને વાર્તાઓ એટલી રસપ્રદ છે કે, વાચકને વાંચવાનો જલસો પડી જાય છે.
આ નવલકથા એક ‘સાયકોમેડિકલ’ થ્રીલર છે. લેખકે અત્યારે પણ અછૂતા રહેલા આ વિષય ઉપર, તે જમાનમાં નવલકથા લખવાની હિમ્મત કરી છે, જે કાબિલે તારીફ છે. નવલકથાના અંતમાં લેખકે પીળા શયતાનનું રહસ્ય ખોલ્યું છે. શયતાનને જસ્ટિફાય કરવા તેમણે જે તર્ક મૂક્યો છે, તે વાચકના ગળે ઉતારી જાય તેવો સરળ છે. જોકે સાઇકોલોજીકલ કારણોસર આટલી હદે વ્યક્તિમાં શારીરિક ફેરફારો થાય, તે માન્યામાં આવતું નથી. વળી આવી કોઈ ઘટના હજૂસુધી બન્યાનું સાંભળ્યું પણ નથી. જોકે, ફિક્ષન કથામાં લેખક પોતાનો તર્ક અને કલ્પનાઓનો ઉપયોગ કરવા સ્વતંત્ર છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે.
સરવાળે આ નવલકથા દરેક વાચકને નિરાશ નહીં કરે. તેની શૈલી, માવજત, કલ્પના, માહિતી, અતરંગી પાત્રો અને પીળો શયતાન વાંચતીવેળા તમારા મસ્તકનો કબજો લઈ લે તો નવાઈ નહીં. તેના બીજા ભાગની ઇંતેજારી રહેશે.
$$$
-મનહર ઓઝા
Date-17-06-2022
Mobile- 97123 88433
Nightingale – Part-1
લેખક – બકુલ ધ. ભટ્ટ
પ્રકાશક – શોપિઝન પબ્લિકેશન
કિંમત – 314-00 રૂપિયા
નાઈટિંગેલ-સાગર હૈયે વડવાનલ- સ્ટીમરમાં ખેલતા ખૂની ખેલની હોરર સસ્પેન્સ કથા.
આ નવલકથાના લેખક બકુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તેમણે 1978માં લખી હતી. જે હમણાં પ્રકાશિત થઈ. તે સમયે જો આ નવલકથા પ્રકાશિત થઈ હોત, તો અત્યાર સુધીમાં તે ખૂબ વંચાઈ હોત, ઈનામ અકરામોથી પોંખાઈ હોત અને હજારો વાચકોએ વાંચી પણ હોત. ખેર, તે સમયના...Read more
-
રક્તબીજ
(ગુજરાતી ફિલ્મ)
લેખક- ડેનિસ ક્રિશ્ચિયન
દિગ્દર્શક- હાર્દિક પરિખ
સંગીત- આકાશ શાહ
‘રક્તબીજ’ ટાઈટલથી જ મને ફિલ્મ જોવાનું આકર્ષણ થયું હતું. હું ફિલ્મ જોવા ગયો ત્યારે તેની સ્ટોરી કે કોન્સેપ્ટ વિશે કશી ખબર ન હતી. ફિલ્મની શરૂઆત તેના ટાઇટલ સોંગથી થઈ. સોંગ અને તેનાં દૃશ્યો જોતાં લાગ્યું કે, હોરર સસ્પેન્સ સ્ટોરી હશે. ફિલ્મ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ, તેની સ્ટોરી સમજાતી ગઈ. ‘રક્તબીજ’ ફિલ્મ સાયકોલોજિકલ થ્રીલર છે. જેમાં એક સ્ત્રી લેખકના જીવનની સ્ટોરી છે.
આદ્યા આ ફિલ્મનું મુખ્ય કેરેક્ટર છે. તે પોતે નવલકથાની લેખક છે. આદ્યાનાં નવલકથાનાં પાત્રો તેની તેનાં મન ઉપર હાવી થઈ જાય છે. તેણે ઊભાં કરેલાં આ પાત્રોની નેગેટિવ અસર તેનાં મન અને શરીર ઉપર થાય છે. તે પોતાની ઊભી કરેલી માયાજાળમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે પણ નીકળી શકતી નથી.
આ ફિલ્મના લેખક ડેનિસ ક્રિશ્ચિયન માટે આ ફિલ્મ લખવી એ મોટી ચેલેન્જ હતી. એકજ લોકેશન ઉપર બધાં કેરેક્ટરોને લઈને રસપ્રદ અને ઓફબીટ સ્ક્રીપ્ટ લખવી, તે નાની વાત તો ન જ કહેવાય. તે રીતે જોઈએ તો લેખક તેમાં સફળ થયા છે. ગુજરાતી ભાષામાં ઓફબીટ ફિલ્મો ઓછી બને છે, તેવા સંજોગોમાં લેખકે આ ફિલ્મ લખવાની હિમ્મત કરી તેની દાદ દેવી પડે.
આખી ફિલમમાં આઠ કેરેક્ટર છે. જેને ડેનિશા ગુમરાહ, નક્ષરાજ, નિસર્ગ ત્રિવેદી, નાવેદ કાદરી, આકાશગંગા પંચાલ, નિશ્ચય રાણા, તર્જની બાડલા અને કૌશમ્બી ભટ્ટ જેવાં એકટરોએ બખૂબી નિભાવ્યા છે. દરેક એક્ટર તેનાં પાત્રમાં ફિટ બેસે છે. બધાં એક્ટરોનો અભિનય સ્પર્શી જાય છે.
આખી ફિલ્મ ડિરેક્ટરના હાથમાં હોય છે, એટલા માટે જ તેને ફિલ્મનો કેપ્ટન કહેવાય છે. કાસ્ટ, ક્રૂ, સિનેમેટ્રોગ્રાફર, મ્યુઝિશિયન વગેરે પાસેથી કામ લેવાની આવડત, આ ફિલ્મના ડિરેક્ટર ‘હાર્દિક પરિખ’ પાસે છે. તેમણે કલાકારો પાસેથી સુંદર કામ લીધું છે. ફિલ્મની વાર્તાને તેની ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચાડવી, તેનું ઉદાહરણ આ ફિલ્મ છે. હાર્દિક સુકાની તરીકે સફળ થયા છે.
ફિલ્મની બીજી બાજુ જોઈએ તો, તેમાં મને થોડીક એડિટિંગની ભૂલો દેખાય છે. એડિટિંગ થોડુંક ચુસ્ત થઈ શક્યું હોત. મ્યુઝિક ઠીકઠાક કહી શકાય. ટાઇટલ સોંગનાં લેખનમાં ટેકનિકલ ભૂલો છે. ગીતમાં પ્રાસ-અનુપ્રાસ, લય અને મીટર જળવાતું નથી.
ફિલ્મની શરૂઆતમાં આવતું નેરેશન ઇકોમાં છે, જેના કારણે તેનાં શબ્દો સ્પષ્ટ સંભળાતા નથી. સિનેમેટ્રોગ્રાફી સુંદર થઈ છે. ઓવરઓલ ફિલ્મ માણવા લાયક બની છે. આ ફિલ્મ જોયા પછી કોઈ એમ નહીં કહી શકે કે, ‘ગુજરાતી ફિલ્મો સારી બનતી નથી’ અને તેનો શ્રેય આ ફિલ્મ બનાવવાની હિમ્મત કરનારા પ્રોડ્યુસર ‘રમેશ પ્રજાપતિ’ને જાય છે. આવનારા ભવિષ્યમાં આ ફિલ્મની ટીમ અલગ કોન્ટેન્ટની બીજી ફિલ્મો આપે તેવી અપેક્ષા અસ્થાને નહીં લેખાય.
આગામી ફિલ્મ માટે શુભેચ્છાઓ,
-મનહર ઓઝા
લેખક અને શોપિઝનનાં ક્રિએટિવ ડિરેકટર
રક્તબીજ
(ગુજરાતી ફિલ્મ)
લેખક- ડેનિસ ક્રિશ્ચિયન
દિગ્દર્શક- હાર્દિક પરિખ
સંગીત- આકાશ શાહ
‘રક્તબીજ’ ટાઈટલથી જ મને ફિલ્મ જોવાનું આકર્ષણ થયું હતું. હું ફિલ્મ જોવા ગયો ત્યારે તેની સ્ટોરી કે કોન્સેપ્ટ વિશે કશી ખબર ન હતી. ફિલ્મની શરૂઆત તેના ટાઇટલ સોંગથી થઈ. સોંગ અને તેનાં દૃશ્યો જોતાં લાગ્યું કે, હોરર સસ્પેન્સ...Read more
-
‘પાખી’ સંવેદનાત્મક સફરે લઈ જતી પ્રેમમય કથા.
ઉમંગ ચાવડા લેખકની લઘુનવલ ‘પાખી’ વાંચવા માટે હાથમાં લીધી અને બે કલાકમાં તો આખી વાંચી લીધી. હળવી શૈલીમાં લખાયેલી આ લઘુનવલ રસપ્રદ છે. ‘પાખી’ ક્યૂટ લવસ્ટોરી હોવાની સાથે સાથે સંવેદનશીલ સ્ટોરી છે. પાખી, રાહુલ, પરી, માધુરી અને પરીના માતા-પિતાની આસપાસ ગૂંથાયેલી વાર્તામાં પાખીનું પાત્ર અદ્ભુત રીતે ઉપસ્યું છે.
પહેલા પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તાનો કથક પાખીનો પ્રેમી અને પતિ છે. પ્રેમમય આ ફેમિલી આનંદ કિલ્લોલ કરતું હોય છે ત્યાં એક દુખદ ઘટના બને છે. આ ઘટનામાંથી બહાર નીકળીને કેવી રીતે જીવવું તે પાખી શીખવાડે છે. આ નોવલની રસપ્રદ બાબત તેની શૈલી છે. કરૂણ પ્રસંગોને પણ લેખકે હળવી શૈલીમાં આલેખ્યા છે તે લેખકનું જમાપાસું છે. આવા પ્રસંગો વાંચતી વખતે વાચકની એક આંખ હસતી હોય અને બીજી આંખ રડતી હોય છે. કરૂણ પ્રસંગમાં પણ રમુજ કરવી તે ખુબજ મુશ્કેલ બાબત છે. ઉમંગ ચાવડાએ તે સિધ્ધ કરી બતાવ્યું છે.
પાખીના પાત્ર દ્વારા લેખકે જીવન જીવવાની એક ફિલોસોફી રજૂ કરી છે. દરેક વ્યક્તિની જિંદગીમાં સારી ખોટી ઘટનાઓ બનતી હોય છે. દરેક વ્યક્તિને તેનું સ્વજન ગુમાવવાનો વારો આવે જ છે. આવા સમયે સ્થિતપ્રજ્ઞ રહીને કેવી રીતે બાકીની જિંદગી જીવવી જોઈએ તે આ નવલકથામાં દર્શાવીને લેખકે જીવન પ્રત્યેનો પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. લેખકની આ ફિલોસોફી દરેક વ્યક્તિએ અપનાવવા જેવી છે.
‘પાખી’ના સહૃદયી લેખક પાસેથી આવી સંવેદનાત્મક નવલકથાઓ મળતી રહેશે તેવી અપેક્ષા સહ લેખકને અને શોપિઝન ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
-મનહર ઓઝા
લેખક અને ક્રિએટિવ ડાયરેકટર ‘શોપિઝન’
‘પાખી’ સંવેદનાત્મક સફરે લઈ જતી પ્રેમમય કથા.
ઉમંગ ચાવડા લેખકની લઘુનવલ ‘પાખી’ વાંચવા માટે હાથમાં લીધી અને બે કલાકમાં તો આખી વાંચી લીધી. હળવી શૈલીમાં લખાયેલી આ લઘુનવલ રસપ્રદ છે. ‘પાખી’ ક્યૂટ લવસ્ટોરી હોવાની સાથે સાથે સંવેદનશીલ સ્ટોરી છે. પાખી, રાહુલ, પરી, માધુરી અને પરીના માતા-પિતાની આસપાસ ગૂંથાયેલી...Read more