Anek
30 May 2022
10.0
ફિલ્મ રિવ્યૂ: અનેક. બાત મે દમ હૈ, પણ હજી દમદાર બની શકી હોત.
મારી રેટિંગ: ૨.૫/૫. (આ ફિલ્મ ૨૭ મે, ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ હતી.)
સ્ટાર કાસ્ટ: આયુષ્માન ખુરાના, જેડી ચક્રવર્તી, એન્ડ્રીયા કેવિચુસા, દીપલીના ડેકા, મનોજ પાહવા અને aNEk.
દિગ્દર્શક: અનુભવ સિન્હા.
"મૈં તેરી લડાઈ કે લિયે ચીયર નહીં કર સકતા, તુમ મેરે લડાઈ કે લિયે ચીયર કર નહીં શકતી. હમ સબ ઐસે હી ટ્રેજેડી મેં રહેતે હૈ," અનુભવ સિન્હાની લેટેસ્ટ પોલિટિકલ થ્રિલર 'અનેક'માં એક બાપ પોતાની પુત્રીને આ કહે છે. એ પિતા બળવાથી પ્રભાવિત ઉત્તર પૂર્વ ભારતમાં યુદ્ધ દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવાના મિશન પર છે, જ્યારે પુત્રી રમત અને રાષ્ટ્રપ્રેમી છે.
પણ આ ફિલ્મની શરૂઆત નથી.
એક પબ પર પોલીસના દરોડા દરમિયાન વંશીય દુર્વ્યવહાર સહન કરતી આઈડો (એન્ડ્રીયા કેવિચુસા) સાથે ફિલ્મ શરૂ થાય છે. આ એક યુવા ઉત્તરપૂર્વીય છોકરી છે, જે રાષ્ટ્રીય કક્ષાની બોક્સર બનવાની તાલીમ લે છે અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અન્ય ખેલાડી સામે નિર્ણાયક મેચ રમવાની બાકી છે. હવે, એ મેચની આગલી રાત્રે, એ એક પબમાં જાય છે જ્યાં દરોડો પડે છે અને પોલીસ તેણીને વંશીય અપશબ્દો (એક સુંદર અનુકૂળ પ્લોટ પોઇન્ટ) ને આધીન 'ચિંકી' 'નેપાળી' 'બેંગકોક મસાજ' જેવા શબ્દો વાપરે છે અને જ્યારે બીજા દિવસે મુખ્ય કોચ ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની રાષ્ટ્રીય કક્ષાની બોક્સર બનવાની એની તકોને નકારી કાઢે છે. એને પૂછવામાં આવે છે, “તુમ નેપાલન હો યા બ્યુટી પાર્લરવાલી?” બંને કિસ્સાઓમાં, બાહ્ય દેખાવ ભેદભાવને ‘ચીલી ચિકન’, ‘નેપાળી’, ‘ચીકી’ અને ‘ચીની’ જેવા શબ્દો વડે તેને ઉતારી પાડવામાં આવે છે. આ આઈડો અહીં કોચને ચેલેન્જ આપીને જાય છે કે તે એક દિવસ ઈન્ડિયા તરફથી બોક્સિંગ રમશે. બસ, અહીં દર્શકને અંત ખબર પડી જાય છે કે એ અંતમાં એ આ ચેલેન્જ જીતશે. આ શરૂઆત અને અંતની માવજત જો અલગ રીતે થઈ હોત તો એક શક્તિશાળી તત્વ આધારિત આ ફિલ્મ ચોક્કસ ૫ સ્ટાર મેળવી શકી હોત.
મોટાભાગે, અનેકની વાર્તા ઉત્તર-પૂર્વની સમસ્યાઓ માટે છે અને ફિલ્મની શરૂઆતની ક્રેડિટ સાથે અનેકમાં 'NE'ને હાઇલાઇટ આવે છે. aNEk આ શબ્દ વિવિધ North-East ની સામાજિક-સાંસ્કૃતિક ઓળખને સંકલિત કરે છે.
અહીં એક ટાઈગર સંઘા છે, જે એક અલગતાવાદી જૂથનું નેતૃત્વ કરે છે અને દાયકાઓથી ભારત વિરુદ્ધ છે, એ શાંતિ વાટાઘાટો માટે તૈયાર થાય છે. જ્યારે એના હરીફ જૂથ શાંતિ વાટાઘાટોના વિરોધ સાથે સક્રિય બને છે, ત્યારે કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર પકડ મેળવવા માંગે છે જેથી શાંતિ વાટાઘાટો પર પ્રશ્ન ન થાય. અહીં અમન તરીકે આયુષ્માન ખુરાના (એક શબ્દ જેનો હિન્દીમાંથી 'શાંતિ' થાય છે) ભારત સરકાર તરફથી અન્ડરકવર અધિકારી તરીકે પ્રવેશ કરે છે. અહીં આયુષ્માન ખુરાના બેવડા પાત્રમાં જીવે છે, ના ડબલ રોલ નથી પણ તે સ્થાનિક લોકો સાથે 'જોશુઆ' નામથી રહે છે. આ અમન/જોશુઆ સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય હિલચાલના સમગ્ર ઇતિહાસને વ્હાઇટવોશ કરે છે. તે એક અધિકારીને આ વાત એમ કહીને ન્યાયી ઠેરવે છે, “કદાચ, કોઈને શાંતિ નથી જોઈતી. શું એટલા માટે આટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી?” વાર્તા કહીને તમારી મજા ખરાબ કરવી નથી.
પણ કેટલાંક સંવાદો ખૂબ ચોટદાર એટલે કે ફિલ્મ જોતી વખતે એની અસર જબરજસ્ત છે.
“હમકો 'ચિંકી' બુલાતે હૈ, હમકો યહાં ઈન્ડિયા નહીં ચાહિએ.”
“જહાં સે ખુદ નિકલના નહી આતા, વહાં જાતા નહી મેં.”
“પાપા બોલતા હૈ હમ લોગ ઈન્ડિયન નહીં હૈ, ઈસલીયે મુઝે ઈન્ડિયાકી ટીમકે લિયે લડાઈ કરના હૈ”
“લોગોંકી આવાજ પાંચ સાલ મેં એક બાર સુની જા સકતી હૈ, રોજ રોજ નહીં સુની જાયેગી.”
આખી કથાવસ્તુ NE જ છે, ડાયરેક્ટરે અહીં સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતી કોઈ એક સ્ટેટ કે ભાગ વિશે સ્પષ્ટપણે વાત કરી નથી. ફિલ્મમાં અહીંના દરેક વાહનોની નંબર પ્લેટ પણ NE થી શરૂ થાય છે; અહીં પુનર્વસવાટ કેન્દ્રનું નામ "NE પુનર્વસવાટ કેન્દ્ર" છે, આમ જોઈએ તો આવી નાની નાની બાબતો માટે ચીવટ અનુભવે બેશક રાખી છે. જોકે દરેક ગોળીબાર દરમિયાન કોઈ પણ એક વિદ્રોહી, “મુઝે ઘર જાના હૈ” કહેતા તૂટી પડે છે, એ જરા રિપીટ લાગે છે.
આયુષ્માન ખુરાના જોશુઆ/અમન તરીકે શક્તિશાળી જણાય છે. આ અભિનેતા ઈમાનદારી અને વિશ્વાસ સાથે પોતાનો ભાગ ભજવે છે અને કેટલાક નક્કર સંવાદો બોલે છે. નાગાલેન્ડની મોડલ એન્ડ્રીયા કેવિચુસાએ મોટી સ્ક્રીન પર આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કર્યો છે. એ તેના પાત્રને ચોક્કસ ન્યાય આપે છે, જે ફિલ્મને વધુ વાસ્તવિક બનાવે છે. મનોજ પાહવા અને કુમુદ મિશ્રા પોતપોતાના ભાગમાં હંમેશાની જેમ ભરોસાપાત્ર છે. લાંબા સમય પછી જેડી ચક્રવર્તીને સ્ક્રીન પર દેખાય છે. મિફામ ઓટ્સલ સહિત બાકીના કલાકારો તેમના ભાગોને અસરકારક રીતે ખેંચે છે. ટાઇગર સંઘા તરીકે લોઇટોન્ગબમ ડોરેન્દ્રના માત્ર થોડા જ દ્રશ્યો છે પરંતુ અનુભવી થિયેટર અભિનેતા એ તેના પાત્રમાં ઉત્સાહપૂર્વક ડૂબી જાય છે. સૌથી આનંદદાયક વળાંક જેડી ચક્રવર્તીનો આવે છે જેની પાસે બહુ વધુ સ્ક્રીન ટાઈમ નથી છતાં જ્યારે તે બોલે છે ત્યારે ધ્યાન ખેંચે છે. “હાઉ ઇસ ધ જોશ? હાઈ સર.” યાદ છે? એમ અહીં “જીતેગા કૌન? હિન્દુસ્તાન.” અસરકારક રીતે વપરાયું છે.
ટૂંકમાં આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે અનુભવ સિન્હા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે, એણે T-Series સાથે તેનું સહ-નિર્માણ પણ કર્યું છે. તેની છેલ્લી ત્રણ ફિલ્મો - મુલ્ક , આર્ટિકલ ૧૫, થપ્પડમાં મજબૂત રીતે વૈચારિક નિવેદનો સાથે દલીલ રજૂ કરવામાં આવી હતી, પરંતુ અહીં એ વાત સ્પષ્ટ રીતે બહાર આવી નથી. ફિલ્મનું સંગીત અનુરાગ સૈકિયાએ આપ્યું છે . એક માત્ર રેપ સોંગ "અનેકનો અવાજ" (૩.૪૮) શકીલ આઝમીએ લખ્યું છે જેને સુનિધિ ચૌહાણ, વિવેક હરિહરન, અનુરાગ સૈકિયાએ સુંદર રીતે સ્વરબદ્ધ કર્યું છે જેનું ફિલ્માંકન પણ આકર્ષક છે.
અંતમાં એટલું કહીશ, “આ ફિલ્મ નહીં જુઓ તો કોઈ ફરક નહીં પડે પણ જોશો તો ચોક્કસ ગમશે.”
આભાર.
ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).
ફિલ્મ રિવ્યૂ: અનેક. બાત મે દમ હૈ, પણ હજી દમદાર બની શકી હોત.
મારી રેટિંગ: ૨.૫/૫. (આ ફિલ્મ ૨૭ મે, ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ હતી.)
સ્ટાર કાસ્ટ: આયુષ્માન ખુરાના, જેડી ચક્રવર્તી, એન્ડ્રીયા કેવિચુસા, દીપલીના ડેકા, મનોજ પાહવા અને aNEk.
દિગ્દર્શક: અનુભવ સિન્હા.
"મૈં તેરી લડાઈ કે લિયે ચીયર નહીં કર સકતા, તુમ મેરે લડાઈ કે લિયે ચીયર કર...Read more
ફિલ્મ રિવ્યૂ: મે આ ફિલ્મ શું કામ જોઈ?
‘દીવાર: લેટ્સ બ્રિંગ અવર હીરોઝ હોમ’ એ વર્ષ ૨૦૦૪ની ભારતીય, હિન્દી - ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે જેનું દિગ્દર્શન મિલન લુથરિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેનું નિર્માણ ગૌરાંગ દોશી દ્વારા કરવામાં આવ્યું છે અને કથા એસ. ગોપાલા રેડ્ડીએ લખી છે. આને ૧૯૭૫ની સમાન નામની ફિલ્મ દીવાર સાથે કોઈ સ્નાન સુતકનો સંબંધ નથી, જેમાં પણ અમિતાભ બચ્ચન હતા ફક્ત એટલું જ. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સરેરાશ ગ્રેડ આપવામાં આવ્યો હતો, જે વધારે પડતો હતો પણ બચ્ચન હૈ તો ઠીક હૈ, હાંઈ. આ ફિલ્મનો રિવ્યૂ લખવાનો વિચાર એટલે આવ્યો કે પાકિસ્તાનના અત્યાચાર, આપણી દેશભક્તિ, અમિતાભ અને એની જૂની સુપરહીટ ફિલ્મ દીવારના નામની રોકડી કરી લેવા બનાવેલી ફિલ્મ જોશ જગાવવાને બદલે હાસ્યાસ્પદ બની ગઈ હતી. આગળ વાંધો એટલે હંધુંય સમજાઈ જશે.
ફિલ્મની વાર્તા એક લાઇનમાં એટલે ભારતીય સેનાના મેજર રણવીર કૌલ અને તેમના ૩૦ જેટલા સાથીદારોને પાકિસ્તાનમાં પકડીને ૩૩ વર્ષ સુધી જેલમાં ગોંધી, ક્રૂર પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા હતા અને છેલ્લે એ છૂટીને પાછા આવી જાય છે.
પ્લોટમાં મેજર રણબીર કૌલ છેલ્લા 33 વર્ષથી પાકિસ્તાની યુદ્ધ કેમ્પમાં સડતો હોય છે પરંતુ તે હજુ પણ ભારત પરત ફરવાનું સપનું જોઈ રહ્યો છે. ફિલ્મની પ્રથમ ફ્રેમ તેના ૧૮મા ભાગી જવાના પ્રયાસ સાથે ખુલે છે. પાકિસ્તાની જેલર દ્વારા કૌલના શારીરિક અપમાન અને તેના સખત સમર્થિત પ્રતિકારથી શરૂઆતની રીલ્સ ખૂબ જ ભારે છે, જેમાં પ્રથમ ગીત (કેદીઓની અવજ્ઞાનું સ્કેચિંગ) ૫૦ મિનિટ સુધી આવતું નથી. બાકીના ચાર ગીતો, જેમાં કેદીઓ દ્વારા એક શક્તિશાળી લયબદ્ધ દેશભક્તિના સમૂહગીતનો સમાવેશ થાય છે, તે બધા ભાગ બેમાં પેક કરવામાં આવ્યા છે, જેમાં ખાન (સંજુબાબા) પોતે આવે છે અને કૌલ એન્ડ કંપનીને આ બ્રેકઆઉટમાં મદદ કરે છે જેમાં ડ્રેનેજ સિસ્ટમમાં ટનલિંગનો સમાવેશ થાય છે.
હાં તો જબરજસ્ત સિક્યુરિટી, જેલની ઊંચી ઊંચી દીવાર (ચાલો, ફિલ્મનું નામ તો આવ્યું), જંગલી કુતરાઓ, કંટાળી ઇલેક્ટ્રિક કરંટ આપતી વાડ, જમીનની નીચે મૂકેલા બોમ્બ જે પગ મુક્તાની સાથે મોટા બ્લાસ્ટ કરે છે, તે હેં મિલનભાઈ, ૩૩ વર્ષ સુધી એમની પાછળ આટલો બધો ખર્ચ કરીને જીવતા શું કામ રાખ્યા હશે? તમને ફિલ્મનો પ્લોટ મળે માટે? સારું, વધુ વિચાર કર્યા વગર આગળ વધીએ. કહાની મે ટ્વિસ્ટ, આ પ્રથમ દ્રશ્યના પ્રયાસ દરમિયાન એક કેદી છટકી જાય છે અને એ કૌલના પરિવારને દિલ્હીમાં સંદેશ મોકલે છે કે એ હજુ પણ જીવિત છે.
કૌલની પત્ની (તનુજા) અને પુત્ર ભારતીય સેનાને અરજી કરે છે, પરંતુ જનરલના, સહાનુભૂતિ ધરાવતા હોવા છતાં, હાથ બંધાયેલા છે. એટલે કૌલનો પુત્ર, ગૌરવ, તેના પિતાને શોધવા જાતે પાકિસ્તાન જવા નીકળે છે. મજાની વાત એ છે કે અમિતાભ બચ્ચનને ૧૯૭૧ થી પાકિસ્તાનની જેલમાં બતાવવામાં આવે છે જે ૨૦૦૪માં ૩૩વર્ષ પૂરા કરે છે છતાં ફિલ્મમાં તેમના પુત્રની ભૂમિકા ભજવતા અક્ષય ખન્નાને ૩૦વર્ષના દિલ્હી સ્થિત યુવક તરીકે દર્શાવવામાં આવ્યો છે. મિલોર્ડ, યે પોઈન્ટ નોટ કિયા જાય.
આ ગૌરવ લશ્કરી કુરિયર પર હુમલો કરે છે અને તેના યુનિફોર્મનો ઉપયોગ કરીને, પાકિસ્તાન આર્મી ઓફિસ બ્લોકમાં ઘૂસણખોરી કરે છે. એ નક્શાઓ ચોરી કરે છે જેમાં જેલની બરાબર નીચે પાણીની લાઇન જતી દર્શાવે છે. તેના દ્વારા એના પિતા રસ્તો ખોદીને બહાર નીકળી શકે છે. બોલો ચમત્કાર ખરો કે નહીં?
આ માટે સંજય દત્ત (ખાન) મદદે આવે છે. પાકની ખુંખાર જેલમાં જ્યાં આતંકવાદીઓને રાખવામાં આવ્યા હોય છે ત્યાં પહોંચવા ખાન પોતે એક મોલમાંથી પોલીસને ફોન કરીને પોતાનો હુલિયો (આ શબ્દનો વિકલ્પ નથી) બતાવી શકમંદ તરીકે જણાવે છે. પોલીસ તરત આવી એને પકડી લે છે. જોકે (સાહિબાન, કદરદાન, દિલ થામ કે બૈઠેં) પાકમાં કોઈ કોર્ટ નથી, જજ નથી એટલે એક શકમંદને પકડી પોલીસ જ તરત આ ખુંખાર આતંકવાદીઓ સાથે, એમની જેલમાં એમના બેરેકમાં પૂરી દે છે, બોલો અંબે માતકી........
હવે સૌ શાંતિથી પાણીની લાઇન તરફ એક ટનલ ખોદવાનું શરૂ કરે છે. તેમાં એમણે જેલની નીચે કાટમાળમાં ભારતીય સેનાના કેપ્ટન જતિનનો મૃતદેહ મળે છે, પરંતુ આ જતિન તો તેમની વચ્ચે છે. ઢેન ટેનેણ, ખાન અને કૌલને ખ્યાલ આવે છે કે એમની સાથે જે જતીન છે એ હકીકતમાં પાકિસ્તાની જાસૂસ છે. (બોલો હજી કેટલો ખર્ચ કરશે આ લોકો, પછી કર્જમાં ડૂબી જાય તો નવાઈ શેની!) ગૌરવ અને ખાને દસમીની રાતે ભાગી જવાની યોજના બનાવી હતી અને જાસૂસ જતીને ફરજપૂર્વક આ વાતની જાણ સોહેલ (જેલર)ને કરી હતી. કૌલ અને ખાન નક્કી કરે છે કે હવે છટકી નવમી તારીખે થશે. નકલી જતીનને આ વિશે જણાવવામાં આવતું નથી, બોલો સોલીડ છે કે નહીં? સાથે સાથે તેઓ ગૌરવને કોડેડ મેસેજ મોકલવાનું મેનેજ કરે છે. બીજા દિવસે ખાને જેલમાં પ્રવેશતા આર્મી સપ્લાય ટ્રક નંબર ૯ ની નોંધ લીધી, તે ગૌરવનો જવાબ છે કે એ નવમીએ પાણીના મુખ્ય આઉટલેટ પાસે તેમની રાહ જોશે. કબૂતર જા, જા, જા..
નાસી છૂટવાની રાત્રે, ખાન રક્ષકો પર કાબૂ મેળવીને જતીનને મારી નાખે છે. તેઓ પાણીના મુખ્ય ભાગમાં પ્રવેશ કરે છે અને બાકીના કાટમાળના છેલ્લા કેટલાક મીટર દૂર ખોદવાનું શરૂ કરે છે. સોહેલના રસોડાના સિંક સુધી પાઈપોમાં પટકાવવાથી ધ્રુજારી દ્વારા જેલર સોહેલ ચેતી જાય છે અને પાઈપ નીચે ભાગેડુઓનો સખત પીછો કરે છે. ત્યારે ગૌરવ બીજી બાજુથી ખોદે છે અને પિતા અને પુત્ર ફરીથી ભેગા થાય છે.
ગૌરવ તેના પિતા અને બીજા માણસોને રેલ્વે લાઈન તરફ લઈ જાય છે, પરંતુ ટ્રેન મોડી પડે છે, ખબરે ઔર ભી હૈ. જેલરની શોધથી પીછો છોડાવવા માટે તેઓ છૂટા પડી જઈ અને બોર્ડર પોઈન્ટ નજીક પરોઢિયે મળવાની ગોઠવણ કરે છે. તમે હજી વાંચી રહ્યાં છો તો જણાવી દઉં કે પાકિસ્તાનમાં પોલીસ કે મિલીટરી, આર્મી જેવું કાંઈ નથી ફક્ત એક જેલર છે જે એમનો પીછો કરે રાખે છે. પણ મિડિયા હાજરાહજૂર છે એટલે ભાગેડુંઓ હમણા ક્યાં છે એ ગૌરવ રસ્તા પરની ટીવી વેચતી દુકાનમાં જીવંત પ્રસારણ જોઈને જાણી લે છે. સિયાવર રામચંદ્રકી........
છેવટે તેઓ બોર્ડર પોઈન્ટ પર આવે છે, પરંતુ સોહેલ (કે કે મેનન, જેલર) અને તેના માણસો તેમનો નજીકથી પીછો કરે છે. એમને બચવવા ખાન બહાદૂરી ભરી લડત આપે છે પરંતુ તેને ઠાર કરવામાં આવે છે (એનો રોલ પૂરો થયો હોંકે!) રણવીર કૌલ અને ગૌરવ અને મુઠ્ઠીભર બાકીના કેદીઓ આખરે પાકિસ્તાન આર્મીની ટ્રકમાં (ક્યાંથી આવી ખબર નથી) સરહદ પાર કરે છે. સોહેલ એકલો હજી તેમની બરાબર પાછળ જ છે, પરંતુ તેની જીપ નિઃશસ્ત્ર છે એટલે એ એકલો કૌલ અને બીજા કેદીઓથી ઘેરાઈ જાય છે. કૌલ તેમની પાછળની સરહદ રેખા તરફ નિર્દેશ કરે છે; તેઓ હવે ભારતની ધરતી પર છે. કૌલ, જે હવે ભારતીય સેનાનો સૈનિક છે, હાથોહાથની લડાઇમાં સોહેલ પર હુમલો કરે છે અને તેને મારી નાખે છે અને તેના શરીરને સરહદ પાર એના દેશમાં ફેંકી દે છે, ઠોકો તાળી.
જેલથી કરીને સરહદ સુધી એકલો જેલર, અહીં સરહદ પર પાક આર્મી નથી પણ આપણી આર્મીના હજારએકની ફોજ હાજર છે. ચાલો ઔર એક લડાઈ બચી ગઈ. અંતે રણવીર કૌલ ભારતીય ત્રિરંગાને સલામી આપે છે અને ફિલ્મ સમાપ્ત થાય છે, અ બિગ હાશ.
આમ સેકન્ડ હાફમાં લગભગ બધી રીતે ફક્ત એક્શન જ છે, જેમાં ભારત-પાકિસ્તાનના રણમાં અંતિમ રીલની લડાઈ(?) છે જે લડાઈ હોય તો બકવાસ લડાઈ છે અને એ પણ એમનો જેલર એકલપંડે લડે છે. બચ્ચન ફિલ્મને દેશભક્તિના ગૌરવની કરોડરજ્જુ આપે છે પરંતુ દત્ત, સ્વ-સેવા કરતા ખાન તરીકે વાસ્તવિક પાત્રનો સ્વાદ લાવે છે. અમૃતા રાવ ("મૈં હૂં ના" વાળી) ને ચમકવાની થોડી તક મળે છે, જોકે તેણીએ ગૌરવને પ્રલોભિત કરવાનો પ્રયાસ કર્યો તે ગીત એક સંગીતમય રાહત છે. હા હો, આ ફિલ્મમાં એક હિરોઈન પણ છે અને એક ગીત પણ ગાય, સોરી (શ્રુંગારીક રીતે) નાચે પણ છે.
મિલન લુથરિયા (“ચોરી ચોરી”) એની ટચ સાથે નિર્દેશન કરે છે પરંતુ આ ફિલ્મ ડાઉનટાઇમમાં આદેશ શ્રીવાસ્તવના વોલ-ટુ-વોલ શૌર્યપૂર્ણ ગીતો દ્વારા સહાયિત છે. જી હા, ફિલ્મ માટે સંગીત આદેશ શ્રીવાસ્તવે કમ્પોઝ કર્યું હતું. ગીતો નુસરત બદરે લખ્યા હતા. યાદ કરો એકાદુ ધ્યાનમાં આવે તો...
"અલી અલી", કૃષ્ણ બેઉરા , શ્રદ્ધા પંડિત અને વિજયા દ્વારા ગાયું હતું (5:57)
ઉદિત નારાયણ અને રૂપ કુમાર રાઠોડ દ્વારા ગાયું "ચાલીયે વા ચલીયે" (5:56)
"કારા કાગા", અલકા યાજ્ઞિક દ્વારા ગાયું (4:19)
"મર્હાબા મરહબા", સોનુ નિગમ અને ઝેનિયા અલી દ્વારા ગાયું (5:18)
અલકા યાજ્ઞિક અને કૈલાશ ખેર દ્વારા ગાયું "પિયા બાવરી" (4:52)
ઉદિત નારાયણ અને મુકુલ અગ્રવાલ દ્વારા ગાયું "તોડેંગે દીવાર હમ", (4:43)
પ્રોડક્શન: ગૌરાંગ દોશી પ્રોડક્શનની વીઆર પિક્ચર્સ પ્રેઝન્ટેશનની ઇરોસ એન્ટરટેઇનમેન્ટ રિલીઝ, ગૌરાંગ દોશી દ્વારા નિર્મિત. મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત. પટકથા, શ્રીધર રાઘવન, લુથરિયા, રજત અરોરા.
ક્રૂ: કેમેરા (રંગ, વાઈડસ્ક્રીન), નિર્મલ જાની; સંપાદક, હોસેફા લોખંડવાલા; પૃષ્ઠભૂમિ/ગીત સંગીત, આદેશ શ્રીવાસ્તવ; ગીતો, નુસરત બદર; કલા દિગ્દર્શક, જયંત દેશમુખ; કોસ્ચ્યુમ ડિઝાઈનર્સ, ફરઝીન ખંભટ્ટા, નવીન શેટ્ટી, કેઝાદ ઈલાવિયા; સાઉન્ડ (ડોલ્બી ડિજિટલ/ડીટીએસ ડિજિટલ), લેસ્લી ફર્નાન્ડિસ, ઉદય ઈનામતી; કોરિયોગ્રાફર, રાજુ ખાન, સરોજ ખાન; એક્શન ડિરેક્ટર, ટીનુ વર્મા; સહાયક દિગ્દર્શકો, અર્જુન રાજ નિરુલા, યશ વર્મા. ચાલવાનો સમય: ૧૬૫ મિનિટ (ના હોય મારા વીરા ના હોય).
એકંદરે મોટા ગજાના કલાકારો સાથે મહાફાલતુ ફિલ્મ કેમ બનાવી શકાય એ માટે આ ફિલ્મને જોકર પુરસ્કાર આપી શકાય. આ ફિલ્મ તમે નથી જોઈ તો કાંઈ ગુમાવ્યું નથી પણ મને ખાતરી છે કે આ રિવ્યૂ વાંચ્યા બાદ જો ટીવી પર જોવા મળે તો તમે રિવ્યૂનો રિવ્યૂ કરવા ચોક્કસ જોશો.
આભાર.
ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).
તાજાકલમ: ફિલ્મ ભલે બકવાસ હોય પણ રિવ્યૂ જોરદાર લાગ્યો હોય તો ***** (૧૯૭૫ વાળી દીવાર સમજીને) સાથે પ્રતિભાવ આપવા વિનંતી.
ફિલ્મ રિવ્યૂ: મે આ ફિલ્મ શું કામ જોઈ?
‘દીવાર: લેટ્સ બ્રિંગ અવર હીરોઝ હોમ’ એ વર્ષ ૨૦૦૪ની ભારતીય, હિન્દી - ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે જેનું દિગ્દર્શન મિલન લુથરિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેનું નિર્માણ ગૌરાંગ દોશી દ્વારા કરવામાં આવ્યું છે અને કથા એસ. ગોપાલા રેડ્ડીએ લખી છે. આને ૧૯૭૫ની સમાન નામની ફિલ્મ...Read more