સોવિયત સબમરીન્સ શોધવા માટે ઉપયોગમાં લેવાતા હાઈડ્રોફોન ઉપકરણો દ્વારા ૧૯૮૯-૯૦ની સાલમાં આ વ્હેલનો અવાજ રેકોર્ડ થયો હોવાનું કહેવાય છે. એ પછીના ત્રીસ વર્ષમાં અનેકવાર જુદા-જુદા સ્થળેથી આ ધ્વનિ રેકોર્ડ થવા પામ્યો છે. અન્ય વ્હેલની જેમ પંદરથી ચાલીસ હર્ટ્ઝની તરંગ-સંખ્યાના બદલે આ વ્હેલના ગીત બાવન હર્ટ્ઝ પર બને છે. પરિણામે, સેંકડો ન્યોટીકલ માઈલ દૂર રહેલી અન્ય વ્હેલ સુધી એનો અવાજ પહોંચી શકતો નથી. એ કોઈની સાથે સંવાદિતા સાધવા સક્ષમ નથી. સંભવત: એને કોઈ સાથીદાર નથી.
પણ આ વ્હેલને "સંવાદ કરતા નથી આવડતું" એમ માની લઈએ તોપણ એ સંવેદનાહીન તો નહીં જ હોય! હું આ માનીને ચાલ્યો છું. આ વાર્તા, અને આમ તો આખો વાર્તા-સંગ્રહ મારી-તમારી વચ્ચે રહેનારા સંવાદ કરવામાં ઠોઠ (પણ) સંવેદનશીલ લોકો વિશે છે.