નયનાબેન ભરતભાઈ શાહનું કાર્યક્ષેત્ર અર્વાચીન સમયને અનુરૂપ વાર્તાકાર તરીકેનું છે. આમ તો એ વાણિજ્ય અને વકીલાતના વિષયોનો અભ્યાસ કરવા છતાં ગળથૂથીમાંથી સાહિત્ય પ્રત્યેની કોઠાસૂઝ ધરાવે છે. શરૂઆતમાં સ્વીકાર-અસ્વીકારનો ડર રહેતો. પરંતુ પતિ અને પિતાની સમજાવટથી પ્રતિષ્ઠિત સામયિકો અને સાપ્તાહિકો જેવા કે ‘જનકલ્યાણ’, ‘અખંડ આનંદ’, ‘સ્ત્રી’, ‘રંગતરંગ’, ‘જલારામ જ્યોત’, ‘સરવાણી’, ‘ફીલિંગ્સ’ વગેરેમાં લખતાં રહ્યા.
થોડી વાર્તાઓ આકાશવાણી પરથી પ્રસારિત થતી. અગાઉ ૧૯૮પમાં તેમનું પુસ્તક ‘સ્વજન અને બીજી વાતો’ પ્રકાશિત થયું. ત્યારબાદ ૨૦૧૩માં ‘બારાખડીના ૩૪ અક્ષર’ પ્રસારિત થયું. હાલ આ ત્રીજું પુસ્તક ‘અન્નકૂટ’ પ્રકાશિત થઈ રહ્યું છે.
હાલમાં જુદા જુદા ઓનલાઇન ગ્રુપમાં વાર્તાઓ લખે છે. તથા મેગેઝિનોમાં લખવાનું ચાલુ જ છે. તેમની વાર્તાઓમાં પ્રેમ, લાગણી, સદભાવ, ઔચિત્ય, મિત્રભાવ જેવાં જીવનકાળની નૂતન દિશા બતાવતાં પાસાઓ જોવા મળે છે. આને કારણે વાર્તામાં સર્જનાત્મક વિચારોની જડ મજબૂત બને છે.
નયનાબેન શાહ આ પ્રકારનું સાહિત્ય આપીને વાર્તાઓના ક્ષેત્રે વધુ પ્રદાન કરીને વાચકોની લોકપ્રિયતા મેળવે તેવી શુભેચ્છાઓ.