આપણાં બધાનાં જીવનમાં બનતી ઘટનાઓ પર લખાયેલ સુખદુઃખના નાના પ્રસંગોનો આ વાર્તાસંગ્રહ છે. વાચક મિત્રો, ક્ષણોનું ઘડિયાળના કાંટા જેવું હોય છે, એ સતત ચાલ્યા કરે છે. એ ક્યારેય થાકતી નથી. ઝવેરચંદ મેઘાણીની પ્રત્યેક વાર્તાઓમાં ગામડું ધબકતું હોય છે. એમની ટૂંકીવાર્તાઓ અને નવલકથા વાંચવાની શરૂઆત કરો ત્યારે એમાંથી ગામડાની સ્વચ્છ હવાની કેસર જેવી સુગંધ આવે. એમને વાંચતી ત્યારે મને ઘણીવાર થતું હતું કે ક્યારેક તો ગામડામાં થોડા દિવસ વિતાવવાં જોઈએ. મારું સ્વપ્નું જલદી પૂરું પણ થયું. ગામડામાં બે-ત્રણ વર્ષ વિતાવ્યા એ દરમિયાન ઘણી ઘટનાઓ નજરે નિહાળી હતી. લેખક બન્યા એટલે થયું કે ગામડાની પૃષ્ઠભૂમિ પર એ ઘટનાઓ આધારિત વાર્તાઓ લખું. સુષુપ્ત મનમાં વર્ષો પહેલાંની એ છુપાયેલ ઘટનાઓ પર આઠ વાર્તાઓ લખી છે જે તમને અચૂક ગમશે. પ્રત્યેક સુખની પાછળ દુઃખની ક્ષણો પડછાયા જેમ ઊભી જ હોય છે. દુઃખની ક્ષણોની સુગંધ કેસર જેવી નથી હોતી અને રંગ પણ કેસરી નથી હોતો. દુઃખની ક્ષણો જીવનને થોડીવાર માટે બેરંગી અને બેસ્વાદ બનાવી નાખે છે. દુઃખદ ઘટનાના પડઘાઓ હૃદયમાં ઊંડે સુધી ઉતરીને દુઃખી કરી નાખે છે. એને ભૂલવા પ્રયત્ન કરી જીવનમાં આગળ વધવામાં જ સમજદારી છે. પડછાયો વાર્તામાં કંઈક આવું જ કહેવાનો મેં પ્રયાસ કર્યો છે. આશા છે આપને આ સંગ્રહ પસંદ પડશે.