પ્રસ્તાવના – “મારી આ નવલકથા સૂર-શબ્દ-સુધા-અધૂરાં રહેલાં અરમાનોની વાત આપ સૌની સમક્ષ રજૂ કરતાં અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. આમ તો નવલકથાના શીર્ષક પરથી જ ખ્યાલ આવે કે, આ વાર્તા કોઈના અધૂરાં રહેલાં અરમાનોની વાત છે. મેં જ્યારે આ વાર્તા લખવાનું શરૂ કર્યુ ત્યારે મારા મનમાં ત્રણ માનસપાત્રો ઉદ્ભવ્યાં અને આ ત્રણ પાત્રો એટલે સૂર, શબ્દ અને સુધા, અને આ ત્રણેયનો એક પ્રેમાળ પરિવાર. પતિ સૂર, પત્ની સુધા અને દીકરો શબ્દ એમના જીવનમાં બધું જ છે, પણ જો કંઈ અધૂરું છે તો એ છે સૂરનાં અધૂરાં રહેલાં અરમાનો, અને એના આ અધૂરાં અરમાનો પૂરાં કરવામાં એને મદદ કરે છે દીકરો શબ્દ અને પત્ની સુધા, અને કઈ રીતે સૂરનાં અધૂરાં અરમાનો પૂરાં થાય છે એની વાત આ વાર્તામાં છે. સૂરના અધૂરાં અરમાનો તો પૂરાં થાય છે, પરંતુ આ વાર્તાનો અંત એક અલગ જ વળાંક લે છે જે વાચકોને એવી દ્વિધામાં મૂકી દે છે કે, ‘આ તો અંત ન હોઈ શકે!’ આ આખી નવલકથા ડાયરી સ્વરૂપે લખાઈ છે. મારી આ વાર્તાના ત્રણેય પાત્રો ડાયરી લખે છે અને એ ડાયરીરૂપે જ આ આખી વાર્તા લખાઈ છે. અને આ વાર્તાનો અંત પણ લેખકની ડાયરી સ્વરૂપે જ કહેવાયો છે. આશા રાખું છું કે, આપ સર્વે વાચકોને મારી આ વાર્તા પસંદ આવશે. અને હવે વધુ કંઈ ન કહેતાં મારી આ વાર્તા વિશેના અભિપ્રાયો વાચક જ નક્કી કરે એવી આશા રાખું છું.”