માનવીનું જીવન શરૂઆતના તબક્કાઓથી જ દર્દ, પીડા, આનંદ, ખુશી વગેરે વેદના સંવેદનાઓ વચ્ચેથી પસાર થઈને વિકસતું રહ્યું છે. કહેવાય છે ને કે માનવીની જિંદગી કાર્ડિયોગ્રામ જેવી છે. તે ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતી! બદલાતા સમયની સાથે જિંદગીના સ્વરૂપો પણ બદલાતા રહે છે. માનવીનું હૃદય અનેક ભાવો અને લાગણીઓથી તરબતર છે. એ બધા ભાવો અને લાગણીઓમાં "પ્રેમ" એ સૌથી શ્રેષ્ઠ અને અદ્ભુત લાગણી છે. સમયનું ચક્ર ઘણુંબધું બદલાવી નાખે છે. કયું પાત્ર કોના માટે ઘડાયું હોય છે, એ સમય જ નક્કી કરે છે. નવલકથામાં એક યુવતીના બધાં સપનાંઓ લગ્નના માંડવામાં જ બળીને રાખ થઇ જાય છે. યુવતીના પેટમાં બાળક ઉછરી રહ્યું છે, જેની સાથે લગ્ન થવાના હોય છે એ યુવક લગ્નના માંડવામાં લગ્નનો ઇન્કાર કરી દે છે. યુવતીનું જીવન એક એવા તબક્કામાં આવીને અટકી ગયું હોય છે કે શું કરવું, કેવી રીતે જીવવું, કંઈ એને સમજાતું નથી. જિંદગી એક ઊંડા સૂનકારની ખાઈમાં ધકેલાઈ જાય છે. એકેય આશાનું કિરણ બચતું નથી. પરંતુ એક મદદનો હાથ લંબાય છે… તે પોતાના પેટમાં ઉછરી રહેલા બાળક માટે જીવવા તૈયાર થાય છે…