આ દુનિયામાં માનવીનું સર્જન થયું ત્યારથી દરેક માનવીમાં બે વૃતિઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યું છે. મનુષ્યનું હૃદય બે જુદી-જુદી દિશાઓમાં તણાતું રહ્યું છે. એક ઈશ્વરીય વૃતિ અને બીજી શેતાની વૃતિ. ક્યારેક સારી બાજુ તો ક્યારેક ખરાબ બાજુ, ક્યારેક સ્વાર્થ ભણી તો ક્યારેક પરોપકાર ભણી. બુરાઈ અને ભલાઈ, પાપ અને પુણ્ય, સુકૃત્ય અને દુષ્કૃત્ય, સત્ય અને અસત્ય, અંધકાર અને પ્રકાશ વગેરે આ બંને માર્ગોના ભિન્ન ભિન્ન નામો ગણી શકાય. કોઈ એવો માનવ નહિ મળે કે જેના દિલ પર આ બંનેની અસર ના થઇ હોય. આ બંને માર્ગો માનવને પોતપોતાના ભણી ખેંચતા રહે છે, આકર્ષાતા રહે છે. તેમાં જે વૃતિનું જોર ઝાઝું, જેને વધુ પોષણ મળે એ મજબૂત બને અને માનવી તે વૃતિ ભણી ખેંચાઈ જાય છે. માણસ ક્યારેક આવેગ કે આવેશમાં આવી કોઈ કૃત્ય કરી નાખે છે, પણ એનાં માંહ્યલામાં રહેલું પેલું શુભતત્વ એને પીડે છે, ઢંઢોળે છે, જગાડે છે ને યોગ્ય માર્ગ દેખાડે છે. એ શુભતત્વનું અજવાળું આંખોને આંજી નાખતું ન હોય, એ તો આગિયાના ઝબકાર સમું હોય! અંધારી રાતે આગિયાનો તેજપૂંજ શો પ્રકાશ એકલા માનવીને હૂંફ પૂરી પાડે છે, એના માટે પથદર્શક બની રહે છે. તે જ પ્રમાણે માનવમનના અગોચર ખૂણે એવું કોઈ શુભતત્વ પડેલું જ હોય છે જે સમય આવે પ્રકાશી ઊઠે છે ને શુભ કામ કરવા પ્રેરે છે. નાનકડો દીવો સૂરજનું કાર્ય કરી જાય છે. ગમે તેટલાં ખરાબ માનવમાં પણ આવું શુભતત્વ પડેલું હોય જ છે. કંઈક આવું જ નિરૂપણ કરતી રમણ મેકવાનની આ નવલકથા છે; ‘અમાસનાં અજવાળાં.’ આ કથામાં ચરોતરની લોકબોલીનું રૂપ સબળ સ્વરૂપમાં ભાષા થકી ઝીલાયું છે. મોતી અને રતનને નાનપણથી જ પ્રેમ હતો. રતન મોતીના મોસાળના ગામે રહેતી હતી. નાતના રીવાજ પ્રમાણે રતનને નાની વયે કેશવ સાથે પરણાવી હતી. રતન બારેક વર્ષની હતી ત્યારે એની આંખમાં લાકડું વાગવાને લીધે એ કાયમ માટે કાણી થઈ ગઈ, છતાંયે મોતીને રતન માટે કશોય અભાવો ના આવ્યો. બંનેની ચાહત વધી ગઈ. એમાં રતન તો મોતીની એવી ઘેલી બની ગઈ, કે એને મોતી વગર કશું દેખાતું જ ન હતું. કેશવ રતનને તેડવા રાજી ન હતો. મોતી અને રતન એવું જ ઇચ્છતા હતાં કે આ લગન તૂટી જાય તો બંને એકબીજા સાથે લગન કરી સુખેથી રહી શકે. પણ એવું થયું નહિ. નાતનાં પંચે ‘છૂટું કરશો તો નાતબાર મૂકી દેવામાં આવશે’ એવી ધમકી આપી જેથી પરિવારોના દબાણને લીધે નાછૂટકે કમને કેશવ રતનને તેડી ગયો. પણ રતનનું મન તો મોતીમાં જ લાગેલું હતું. આ બાજુ મોતી પણ એની પરણેતરને ઘેર તેડી લાવ્યો, પણ એનું દિલ રતનમાં ચોંટેલું હોઈ પોતાની પરણેતર સાથે અન્યાય કરી સંસારસુખ ભોગવતો જ નથી. આગળ શું થાય છે એ જાણવા આ નવલકથા વાંચવી જ રહી.