-
ફિલ્મ રિવ્યૂઃ પહેલા ભાગ જેટલી રોમાંચક નહીં, છતાં 'અંત ભલા તો સબ ભલા' સાર્થક કરતી ‘દૃશ્યમ ૨’
૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ધૂંઆધાર-ધમાકેદાર થ્રિલર હતી. એની વાર્તા કંઈક એવી હતી કે, ગોવાવાસી વિજય સલગાંવકર(અજય દેવગન)ની ટીનેજ દીકરી અંજુ(ઈશિતા દત્તા) પોતાના લંપટ સહપાઠી સમીરની આકસ્મિક હત્યા કરી બેસે છે. દીકરીને કાયદાની પકડમાંથી બચાવવા માટે બાપ સમીરની લાશ ક્યાંક દાટી દે છે. પોલીસ તપાસ થાય છે. વિજય ઉપરાંત સલગાંવકર પરિવારની મહિલાઓને પણ ટૉર્ચર કરવામાં આવે છે. છતાં વિજયના જડબેસલાક પ્લાનિંગને ફોલો કરતું ફેમિલી સત્ય પર સતત ઢાંકપિછોડો કરતું રહે છે. પોલીસ ડિપાર્ટમેન્ટના ખૂબ બધા ધમપછાડા પછી પણ વિજય સલગાંવકર અને એનો પરિવાર કાયદાની ચુંગાલમાં સપડાવાથી બચી જાય છે. ફિલ્મને અંતે દેખાડવામાં આવે છે કે ખરેખર વિજયભાઉએ ક્યાં, ક્યારે, કઈ રીતે લાશને ઠેકાણે પાડી હતી. કટ ટુ ‘દૃશ્યમ ૨’…
‘દૃશ્યમ ૨’માં સાત વર્ષ બાદ સમીરનો કેસ ફરીથી ખુલે છે. ફરીથી પોલીસના ખાંખાખોળા અને ફરીથી સલગાંવકર ફેમિલીની હેરાનગતી શરૂ થાય છે. આ વખતે તપાસની જવાબદારી સમીરની માતા, ભૂતપૂર્વ આઇ.જી., મીરા દેશમુખ(તબુ)ને બદલે નવા આઇ.જી. તરુણ અહલાવત(અક્ષય ખન્ના)ને ભાગે આવે છે. વિજય સલગાવકંરની લાખ કોશિશો છતાં પોલીસ સમીરની લાશના અવશેષ શોધી કાઢે છે અને પછી…
આગળ શું થાય છે એ જાણવા જોવું રહ્યું આ રહસ્યરંગી થ્રિલર ‘દૃશ્યમ ૨’.
‘દૃશ્યમ’ પહેલા જ સીનથી દર્શકોને જકડી લે એવી હતી, અને છેક સુધી હલવા ન દે એટલી ચુસ્ત હતી. ‘દૃશ્યમ ૨’ એવી નથી. સારી શરુઆત બાદ આ ફિલ્મ ઢીલી પડે છે, ક્યારેક કંટાળો પણ આવે છે, અમુક દૃશ્યો બિનજરૂરી પણ લાગે છે. પણ આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે એનું સસ્પેન્સ. છેલ્લી ૨૦ મિનિટમાં ફિલ્મમાં જે રહસ્યસ્ફોટ થાય છે એ આ ફિલ્મને એક અલગ જ ઊંચાઈ પર લઈ જઈને મૂકી દે છે. ભઈ, વાહ! પોકારાવી દે એવો તાલીમાર, સીટીમાર ક્લાઇમેક્સ..! એકંદરે એવરેજ ફિલ્મ એના અંતને લીધે મુઠ્ઠી ઊંચેરી સાબિત થાય છે.
અભિનયમાં અજય દેવગન જડબેસલાક! એકદમ સટલ, કન્ટ્રોલ્ડ, રિસ્ટ્રેઇન્ડ પરફોર્મન્સ. ન કમ, ન જ્યાદા. ભાઈ દાઢીમાં લાગે છે પણ હેન્ડસમ. એની પત્ની નંદિનીની ભૂમિકામાં શ્રિયા સરન પણ પહેલા ભાગમાં હતી એટલી જ સારી. સબ-ઇન્સ્પેક્ટર ગોડબોલેના રોલમાં કમલેશ સાવંતનું કામ સરસ, ક્યાંક-ક્યાંક હસાવી જાય એવું. મોટાભાગના સહાયક કલાકારો પાત્રોચિત. તબુ જેવી ધરખમ અદાકારા હોય તો અપેક્ષા વધી જાય, એની હાજરીને લીધે ફિલ્મનું વજન વધે. ‘દૃશ્યમ’માં એ અફલાતૂન હતી; અહીં એ નિરાશ કરે છે. એનો રોલ જ એટલો લાંબો નથી કે કંઈ ખાસ કરી શકાય. કેસની તપાસની જવાબદારી નવા ઓફિસર અક્ષય ખન્નાને માથે આવી જતી હોવાથી પણ તબુનું પાત્ર વેતરાઈ ગયું છે. જોકે, ખન્નોય કંઈ ઝાઝા કાંદા નથી કાઢી શક્યો. સ્ટાઈલો તો બહુ મારી છે એણે, પણ એની એન્ટ્રી વખતે એના શાતિર દિમાગ વિશે જે ટેમ્પો જમાવ્યો છે એવું કંઈ કરતાં કંઈ જ કરવાનું એના પાત્રને ફાળે આવતું નથી. તબુની જેમ ખન્નાની ટેલેન્ટ પણ આ ફિલ્મમાં વેડફાઈ જ છે. એવું જ વિજયની દીકરી બનનાર બંને અભિનેત્રીઓ બાબતે કહેવું પડે. એમનેય પહેલા ભાગ જેવી તક અહીં નથી મળી.
‘દૃશ્યમ ૨’ના ટેકનિકલ પાસાં વિશે કંઈ કહેવાપણું નથી. છબીકલા (સિનેમેટોગ્રાફી) અને પાર્શ્વ સંગીત (બેકગ્રાઉન્ડ મ્યુઝિક) આંખ-કાનને જલસો કરાવે એવાં. કચકડે કંડારાયેલી ગોવાની સુંદરતા… આહા..! ફિલ્મના અમુક સંવાદ (ડાયલોગ્સ) ચોટદાર છે. જેમ કે, ‘સચ પેડ કે બીજ કી તરહ હોતા હૈ, જિતના દફના લો, એક દિન બાહર આ હી જાતા હૈ…’ ફિલ્મમાં ફક્ત ત્રણ ગીતો છે જે પૈકી ટાઇટલ ટ્રેક ‘દૃશ્યમ’ ગમ્યું. ઘણાં વખતે લેજેન્ડરી ગાયિકા ઉષા ઉત્થુપનો ‘મર્દાના’ કંઠ સાંભળવાનો લ્હાવો મળ્યો, એનો વિશેષ આનંદ!
‘દૃશ્યમ’ મૂળ તો ધ ગ્રેટ મોહનલાલ સ્ટારર મલયાલમ ફિલ્મ ‘દૃશ્યમ’ની રિમેક હતી. ‘દૃશ્યમ ૨’ પણ મલયાલમ ‘દૃશ્યમ ૨’ની રિમેક જ છે. મલયાલમ ફિલ્મના લેખક-નિર્દેશક જીતુ જોસેફ હતા. હિન્દી ‘દૃશ્યમ’ના નિર્દેશક નિશિકાંત કામતના અવસાનને લીધે હિન્દી ‘દૃશ્યમ ૨’ના નિર્દેશનની ડોર આવી છે અભિષેક પાઠનના હાથમાં. અભિષેકભાઈનું કામ કામત સર જેટલું ઉત્તમ તો નથી, તોય સારું કહી શકાય એમ છે. એડિટિંગ વધુ ચુસ્ત થઈ શક્યું હોત. કહાનીમાં ઓહ-વાઉ થઈ જવાય એવા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ તો આવતાં રહે છે, પણ ‘દૃશ્યમ ૨’માં ‘દૃશ્યમ’માં હતું એ લેવલનું ટેન્શન નથી સર્જાતું. ઝીણું કાંતવા બેસો તો ‘દૃશ્યમ ૨’ના પ્લોટમાં ખૂબ બધી પોલંપોલ છે. દિમાગ દોડાવો તો ‘આટલાથી જ ચાલી જતું હતું તો અગાઉ કરેલી આટલી બધી તામઝામ, પ્લાનિંગ-પ્લોટિંગની જરૂર શું હતી?’ એવો પ્રશ્ન દર્શકરાજાને થઈ શકે, પણ એ બધું તો સિનેમેટિક લિબર્ટીને નામે ચલાવી લેવાય એવું છે. સારી થ્રિલર જોયાનો સંતોષ મળે એટલું બસ. અને એ અહીં મળે છે. છેલ્લી ૨૦ મિનિટ દર્શકોની અપેક્ષા પૂરી કરવામાં સો ટકા સફળ થાય છે.
મોટાભાગની સિક્વલો મૂળ ફિલ્મ જેટલી દમદાર નથી હોતી, કેમ કે દર્શકોની અપેક્ષાઓ અધધધ ઊંચી હોય છે. કોઈક જ ‘બાહુબલી ૨’ કે પછી કોઈક જ ‘ધૂમ ૨’ મૂળ ફિલ્મને અતિક્રમી જાય એટલી મનોરંજક હોય છે. ‘દૃશ્યમ ૨’ પણ ‘દૃશ્યમ’ જેટલી ઝન્નાટેદાર તો નથી જ. તો પછી? જોવાય કે નહીં? અફ કોર્સ જોવાય જ. ફેમિલી સાથે જોવા જવા જેવી આ સાફસુથરી થ્રિલરને મારા તરફથી પાંચમાંથી... આપવા તો ત્રણ જ સ્ટાર્સ હતા, પણ છેલ્લી વીસ મિનિટ… ઉફ્ફ..! મજબૂર કરી દે છે એક એક્સ્ટ્રા સ્ટાર આપવા માટે. પૂરે ચાર સ્ટાર્સ!!!
ફિલ્મ રિવ્યૂઃ પહેલા ભાગ જેટલી રોમાંચક નહીં, છતાં 'અંત ભલા તો સબ ભલા' સાર્થક કરતી ‘દૃશ્યમ ૨’
૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ધૂંઆધાર-ધમાકેદાર થ્રિલર હતી. એની વાર્તા કંઈક એવી હતી કે, ગોવાવાસી વિજય સલગાંવકર(અજય દેવગન)ની ટીનેજ દીકરી અંજુ(ઈશિતા દત્તા) પોતાના લંપટ સહપાઠી સમીરની આકસ્મિક હત્યા કરી બેસે છે. દીકરીને...Read more
-
ફિલ્મ રિવ્યૂઃ ‘જુરાસિક વર્લ્ડ: ડોમિનિઅન’- ડાયનોસોર સાથે પ્રેમમાં પડવાનો એક ઓર અવસર
૧૯૯૩માં ‘જુરાસિક પાર્ક’ રિલિઝ થયેલી એ પહેલાં ભારતવર્ષમાં બહુ ઓછાને ખબર હતી કે ‘ડાયનોસોર’ જેવા મહાકાય જીવ ક્યારેક આ ધરતી પર વિચરતા હતા. ફિલ્મનું ટ્રેલર જોઈને દેશ આખો સ્તબ્ધ થઈ ગયેલો. હિન્દીમાં ડબ થયેલી એ પહેલી ફિલ્મ એટલેય આતુરતા ઘણી હતી. ફિલ્મ પ્રદર્શિત થઈ અને ભારત સહિત દુનિયાભરમાં બોક્સઓફિસ પર રેકોર્ડતોડ કમાણી! એ દિ ને આજની ઘડી, સિને પડદે ‘ડાયનોસોર’ જેટલું વ્હાલું, અદકેરું, ગમતીલું પ્રાણી બીજું એકેય નથી લાગ્યું. ન ગોડઝિલા, ન ડ્રેગન, ન જાદૂ, ન ગ્રૂટ. (ફિલ્મના એક દ્રશ્યમાં બચુકડા, ક્યુટડા ડાયનોને સ્પર્શીને લૌરા ડર્ન પ્રસન્નચિત્તે બોલે છે, 'મેરા મન ઇનસે કભી નહીં ભરતા!' ત્યારે લાગ્યું કે મારા મનની જ વાત આ તો! ડરામણા-ખરબચડા ડાયનો એટલા બધાં ગમે કે ન પૂછો વાત. એમ થાય કે મૃત્યુ આવે ત્યાં સુધીમાં વિજ્ઞાનીઓ ખરેખર ક્લોનિંગ વડે ડાયનોસોર્સનું સર્જન કરી નાંખે અને એ જાનદાર જીવો આંખો સામે જીવતા જોવા મળે તો ધરતી પર આવ્યાનો આ જન્મારો સફળ થઈ જાય ♥️)
પ્રત્યેક ‘જુરાસિક’ મૂવીની ભારતમાં આતુરતાપૂર્વક રાહ જોવાય. ‘જુરાસિક પાર્ક ટ્રિલોજી’ની ત્રણ ફિલ્મો પૈકી ત્રીજો ભાગ થોડો નબળો લાગેલો. એ પછી ૨૦૧૫થી રિવાઇવ થયેલ ‘જુરાસિક વર્લ્ડ’ સિરિઝનો પહેલો – મર્હૂમ ઇરફાન ખાન વાળો — ભાગ ખૂબ ગમેલો. બીજો ભાગ ‘જુરાસિક વર્લ્ડઃ ફોલન કિંગ્ડમ’ નિરાશાજનક હતો. હવે આવ્યો છે ‘જુરાસિક વર્લ્ડ ટ્રિલોજી’નો ત્રીજો અને આખરી ભાગ ‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’. કેવોક છે? લેટ્સ સી.
કહાની કુછ યૂં હૈ કિ… લેબોરેટરીમાં ડાયનોસોર પેદા કરાયાને વર્ષો વિતી ગયા છે. હવે એની વિવિધ પ્રજાતિ જગતભરમાં ફેલાઈ ચૂકી છે, અત્ર-તત્ર-સર્વત્ર ડાયનો જ ડાયનો જોવા મળે છે. માનવજાત સાથે એની ભીડંત થતી જ રહે છે. હવે આને કન્ટ્રોલ કરવા તો કેમ, એની કથા માંડે છે ‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’. વાર્તાનું ફોકસ આ વેળા ડાયનોસોર પર ઓછું અને માણસો પર વધારે છે, કદાચ એટલે જ આ ફિલ્મને વિવેચકોએ વખોડી નાંખી છે, પણ બિલિવ મી… ફિલ્મ મજેદાર છે, જોવા-માણવા જેવી.
ફિલ્મની સ્ટારકાસ્ટ ધરખમ છે. જવાંમર્દ ક્રિસ પ્રાટ અને સુપરસેક્સી બ્રાઇસ ડલાસ હોવાર્ડ ગમતીલા. કાયળી એવી ડિવાન્ડા વાઇઝ તો સુપરડુપરસેક્સી! પણ, સૌથી વધુ ગમ્યું જૂના જોગીઓને જોવાનું. મૂળ ‘જુરાસિક પાર્ક’ની તિકડી – લૌરા ડર્ન, સેમ નીલ અને જેફ ગોલ્ડબ્લૂમ — ને ફરી લાવ્યા અને ફૂલ ફ્લેજ્ડ રોલમાં લાવ્યા એ મઝાનું લાગ્યું. ત્રણેનું કામ સરસ. ડઝનબંધ કલાકારોનો મેળો જામ્યો હોય ત્યારે ચાલેબલથી વધારે કામ તો કોઈ ક્યા કર સકે? આમેય આવી ફિલ્મમાં એક્ટિંગ-ફેક્ટિંગના કાંઈ વિશેષ જોહર ન દેખાડવાના હોય.
ટેકનિકલી ફિલ્મ એવી જ છે જેવી હોવી જોઈએ- મજબૂત. વિશ્વમાં આજ સુધી પેદા થયેલા તમામ ફિલ્મ સર્જકોમાં સૌથી વિઝનરી અને મહાનતમ સર્જક (આ બાબતમાં કોઈ દાખલાદલીલ ચલાવી લેવામાં આવશે નહીં! –હુકમથી.) એવા શ્રી શ્રી શ્રી સ્ટિવન-ધ-ગ્રેટ-સ્પિલબર્ગની દેખરેખ હેઠળ (સાહેબ અહીં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે) કોઈ ફિલ્મ બનેલી હોય પછી એ ફિલ્મમાં ટેકનિકલી કાંઈ ઘટે કે? વીએફએક્સ અને સિનેમેટોગ્રાફી સોલિડ. બેકગ્રાઉન્ડ સ્કોર અને સાઉન્ડ મિક્સિંગ ગજ્જબ. થ્રીડી ધારોધાર ઉત્તમ. (ફિલ્મ જોવા જાવ તો મોટો પડદો હોય, કાનફાડૂ સાઉન્ડ સિસ્ટમ હોય, થ્રીડી સાફ દેખાડે એવા થિયેટરમાં જ જજો. ૪૦૦-૫૦૦ દોકડા તો સાઉન્ડ ને થ્રીડીમાં જ વસૂલ થઈ જશે! ડાયનોસોર્સે જે ત્રાડો પાડી છે, બાપા! નકરા જલસા.) મૂળ જુરાસિક ફિલ્મની જેમ જ અહીં પણ ડાયનો-સર્જનમાં પરંપરાગત ‘એનીમેટ્રોનિક્સ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘એનીમેટ્રોનિક્સ’ એટલે એવી કળા જેમાં પ્રાણીઓના (અહીં ડાયનોસોરના) મૂળ કદના રોબોટિક પૂતળાં બનાવવામાં આવે છે. મેટલનું ફ્રેમવર્ક રચી એના પર રબરના વાઘા ચડાવવામાં આવે અને કમ્પ્યુટર દ્વારા એનું મિકેનિઝમ ઓપરેટ થાય. વાસ્તવિક સેટ્સ બને, એમાં આવા ડાયનો ઊભા કરાય અને એક્ટર્સ સાથે એમની આછીપાતળી હરકતો શૂટ કરાય. પછી વાનગી પર ધાણાં ભભરાવાય એમ જરૂર પૂરતી વીએફએક્સ ભભરાવી દેવાય. ‘જુરાસિક’ શ્રેણીની ફિલ્મો માટે આ જૂની ને જાણીતી ટેકનિક જ વપરાતી આવી છે, સુપરહીરો ફિલ્મોમાં એક્ટર્સની આંખ સામે કાંઈ હોય જ નહીં, ખાલીખાલી હવામાં જોઈને જ લીલા પડદે ઊભાઊભા એક્ટિંગ કર્યા કરવી પડે, બધા જાદૂ-ટોના-ચમત્કારો-ભૂતડાંઓ પાછળથી કમ્પ્યુટર થકી ઉમેરાય, એવું ‘એનીમેટ્રોનિક્સ’માં થતું નથી. (આ ટ્રિક દ્વારા જ શ્રીરામ રાઘવનની ઉર્મિલા-સૈફ સ્ટારર મસ્ટ વૉચ ક્લાસિક થ્રિલર ‘એક હસીના થી’ના ક્લાયમેક્સમાં ઉંદરડા-ગેંગ સર્જવામાં આવેલી!)
‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’માં એક્શન ભરપૂર માત્રામાં છે. ઇન્ટરવલ પછી એક તબક્કે તો વધારે પડતું લાગે એટલી માત્રામાં! ડાયનોસોર્સના દેખાવ-આકારમાં વિવિધતા ખૂબ બધી. સૌના પરાક્રમ પણ અલગ-અલગ ટાઇપના. (અત્યંતબારીક કામ થયું છે આ વખતે ડાયનો-સર્જનમાં. એમની ખરબચડી ચામડી, ચામડીના રંગો, આંખો, પીંછા, સ્નાયુઓની મૂવમેન્ટ... બધું જ અગાઉની જુરાસિક ફિલ્મો કરતાં વધારે વાસ્તવિક લાગે છે) જમીન, જંગલ, આસમાન, અન્ડરવોટર… ડિરેક્ટરે એકેય સ્થળ નથી છોડ્યું એક્શન સર્જવામાં. ઇન્ટરવલ પહેલાનું સીન કે જેમાં માલ્ટાની ગલીઓમાં હીરોના બાઈક અને હિરોઈનની કાર પાછળ જાણે બાપે માર્યા વેર હોય એવા ખૂન્નસથી દોડતા લોહીતરસ્યા ડાયનો તો સુપર સે ભી ઉપર... સીટીમાર સીન! મને થિજેલા સરોવર પર અટકચાળું કરવા આવતું ઓલું ડોઢડાહ્યું પીંછાળું પાયરોરેપ્ટર (pyroraptor) ડાયનો બહુ ગમ્યું! બ્રાઇસની પાછળ પડતું મહાકાય થીરિઝિનોસોરસ (therizinosaurus) પણ જોરદાર. એ દિલધડક સીનમાં ઉપરના અડધા પડદે ડાયનોનું વિકરાળ જડબું હોય ને નીચલા અડધા પડદે પાણીની અંદર છુપાયેલ હીરોઇન હોય, એ ક્ષણ લાજવાબ! ઇન ફેક્ટ, આખી ફિલ્મમાં વિવિધ સીન્સમાં ડાયનોસોરના જડબાં ને પગના પંજાના ક્લોઝ અપ્સ દેખાડીને નોસ્ટાલ્જિક ફીલિંગ ક્રિએટ કરવામાં નિર્દેશક કોલિન ટ્રેવોરોવ સફળ થયા છે. એકાદ જગ્યે ‘કન્જ્યુરિંગ’ ટાઇપની ભૂતિયા મોમેન્ટ પણ સર્જાઈ છે દર્શકોને હબકાવી નાંખવા માટે. ફિલ્મમાં છેલ્લે દેખાડેલ સહજીવનના સિલહુટે સીન્સ ગમે એવા છે તો સાથોસાથ ફિલ્મમાં હાસ્યાસ્પદ લાગે એવી હંબગ મોમેન્ટસ પણ ખરી. ખાસ કરીને એકશન સીન્સ દરમિયાન ડાયનોસોર્સને હંફાવવા માટે કલાકારો જે તિકડમો લડાવે છે એ ક્યાંક સાવ ફાલતુ લાગે એવા છે. એમ કાંઈ આવા દૈત્યકાર ડાયનોને ઉલ્લુ બનાવાય કે! એ હુ હારા!! ???? પણ એ તો બધું ચાલી જાય એમ છે. હિન્દી અને સાઉથની ફિલ્મોમાં આપણે વર્ષોથી આવી ફાલતુગીરી નિભાવીએ જ છે ને! ????
‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિઅન’ કાંઈ ગ્રેટ ફિલ્મ નથી, છતાં જોવા ગમે એવી તો છે, છે ને છે જ, કેમ કે અહીં એક્શન અપાર અને ડાયનોઝ ધૂંઆધાર છે. જોઈ જ આવો. બચ્ચાં પાર્ટી સંગ બડેખાંઓનેય જલસો પડી જશે, એની ગેરંટી.
ફિલ્મ રિવ્યૂઃ ‘જુરાસિક વર્લ્ડ: ડોમિનિઅન’- ડાયનોસોર સાથે પ્રેમમાં પડવાનો એક ઓર અવસર
૧૯૯૩માં ‘જુરાસિક પાર્ક’ રિલિઝ થયેલી એ પહેલાં ભારતવર્ષમાં બહુ ઓછાને ખબર હતી કે ‘ડાયનોસોર’ જેવા મહાકાય જીવ ક્યારેક આ ધરતી પર વિચરતા હતા. ફિલ્મનું ટ્રેલર જોઈને દેશ આખો સ્તબ્ધ થઈ ગયેલો. હિન્દીમાં ડબ થયેલી એ પહેલી ફિલ્મ...Read more
-
ફિલ્મ રિવ્યૂઃ ‘સમ્રાટ પૃથ્વીરાજ’- કમજોર કડી કૌન?
પૃથ્વીરાજ ચૌહાણ. ભારતવર્ષના છેલ્લા હિન્દુ સમ્રાટ. ઈતિહાસમાં જેમનું નામ એક પરાક્રમી રાજા તરીકે અંકિત થયું હોય એવી વિરલ વ્યક્તિ પર ફિલ્મ બને ત્યારે સ્વાભાવિક છે કે અપેક્ષાઓ ઊંચી હોય. તો શું ‘પૃથ્વીરાજ ચૌહાણ’ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે? લેટ્સ ફાઇન્ડ આઉટ.
ફિલ્મની શરૂઆત મઝાના સીનથી થાય છે. સિંહ સાથે પૃથ્વીરાજ ચૌહાણની બથ્થમબથ્થી બતાવી છે, અને પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણને દિલ્હી-નરેશ બનાવાય, સંયોગિતાનું અપહરણ થાય, મહોમ્મદ ઘોરી આક્રમણ કરે ને કપટથી ચૌહાણને હરાવીને બંદી બનાવે. પ્રસંગો વાંચવામાં તો રસપ્રદ લાગે છે, પણ એમનું ફિલ્માંકન સાવ સામાન્ય સ્તરનું લાગે છે. માન્યામાં નથી આવતું કે આ એ જ ડિરેક્ટર (ચંદ્રપ્રકાશ દ્વિવેદી) છે જેણે દૂરદર્શન માટે ‘ચાણક્ય’ જેવી અપ્રતિમ, અફલાતૂન, ઓલ-ટાઇમ-ક્લાસિક સિરિયલ બનાવેલી! ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની સ્ક્રિપ્ટ એટલી ઠંડી છે કે આખી ફિલ્મમાં સમ ખાવા પૂરતી એકેય ક્ષણ એવી નથી આવતી જ્યારે દર્શકના મોંમાંથી ‘વાઉ’ કે ‘ઓહ માય ગોડ’ સરી પડે. કોઈ કરતાં કોઈ જ સીન અપીલ નથી કરતું. એમાં પાછું વચ્ચે વચ્ચે કંટાળાજનક ગીતો આવીને ઢીલી વાર્તાને ઓર ઢીલી કરતાં જાય.
આમ તો પૃથ્વીરાજ ચૌહાણના જીવનકવન વિશે મતમતાંતર પ્રવર્તે છે, કોઈ છાતી ઠોકીને એમ નથી કહી શકતું કે એમના જીવનમાં આમ જ બન્યું હતું. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ ‘પૃથ્વીરાજ રાસો’ નામના મહાકાવ્ય પર આધારિત છે, પણ એમાંય પાછી છૂટ લેવામાં આવી છે. ફિલ્મમાં સંયોગિતાના પાત્રનો જે પ્રકારે અંત દેખાડ્યો છે, એ સદંતર બિનઅસરકારક છે. એ જ પ્રકારે મૂળ કૃતિમાં ચૌહાણ અને ઘોરીના પાત્રોનો જે અંત છે, એના કરતાં ફિલ્મમાં અલગ દેખાડવામાં આવ્યું છે. આ બંને મહત્વપૂર્ણ દૃશ્યોને તોડીમરોડી સ્લો મોશનમાં દેખાડીને એની ઇમ્પેક્ટની પથારી ફેરવી નાંખવામાં આવી છે. (આ સ્લો મોશનના મોહમાંથી ભારતીય ફિલ્મો ક્યારેય બહાર આવશે ખરી?! મને એની સખત ચીડ છે. મસ્તમઝાનો ટેમ્પો સર્જાયો હોય એમાં સ્લો-મો ઘૂસાડીને સીનનો સત્યાનાશ કરી નાંખે. સીટીમાર સીન્સ તો સ્લો મોશન વગર પણ સર્જાય જ છે ને દુનિયાભરની ફિલ્મોમાં!)
ઐતિહાસિક ફિલ્મોનું ટ્રેલર રિલિઝ થાય ત્યારે જ લોકોમાં એના વિશે ઉત્સુકતા જામી જતી હોય છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું ટ્રેલર જોયેલું ત્યારે પહેલો ખ્યાલ એ જ આવેલો કે અક્ષય કુમાર ‘પૃથ્વીરાજ ચૌહાણ’ના પાત્રમાં નથી જામતો. બસ, આ જ ફીલિંગ આ ફિલ્મ જોતી વખતે શરૂઆતથી અંત સુધી પીછો નથી છોડતી. આવી ધરખમ શખ્શિયતને ફિલ્મી પડદે સજીવન કરવાની તક રોજેરોજ નથી મળતી, એટલે એને માટે પૂરેપૂરી તૈયારી કરવી જોઈએ, પણ અક્ષયે વગર કોઈ તૈયારીએ જ આ રોલ ભજવી દીધો હોય એવું લાગે છે. અસલી મૂછ ઉગાડવાની દરકાર પણ એણે નથી લીધી. કેટલા દિવસો લાગે એક મૂછ ઉગાડવામાં! સાવ આવી આંખોને સતત ખટકે એવી નકલી મૂછો ચોંટાડીને પાત્રનો દાટ વાળવાનો!
એની બોડી લેંગ્વેજ તો સારી છે, પણ ડાયલોગ ડિલિવરી કોઈ સમ્રાટને છાજે એવી બિલકુલ નથી. ‘જોધા અકબર’માં હૃતિકે કે ‘બાજીરાવ મસ્તાની’માં રણવીરે મહારાજા તરીકે જે પ્રભાવ ઊભો કરેલો એવું કંઈક કરવામાં અક્ષય સદંતર નિષ્ફળ નીવડે છે. આવી પડછંદ પર્સનાલિટી તોય કોઈ કરતાં કોઈ જ હીરોઇક મોમેન્ટ એ સર્જી નથી શક્યો. ઈતિહાસ પ્રમાણે પૃથ્વીરાજ ચૌહાણ માંડ ૨૫-૨૭ વર્ષનું આયુષ્ય ભોગવીને અવસાન પામ્યા હતા. ૫૫ વર્ષના અક્ષયને ૨૫નો દેખાડવા માટે એના ચહેરાની કરચલીઓ પર કમ્પ્યુટર દ્વારા જે ઈસ્ત્રી ફેરવવામાં આવી છે, એ વિના કોઈ પ્રયત્ને પકડી શકાય છે. ઠીક વૈસે હી જૈસે ‘ભૂલ ભુલૈયા ૨’ મેં તબુ કે કેસ મેં થા!
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સપાટ લાગી. એનો ચહેરો દેશી ઓછો ને વિદેશી વધારે લાગે છે. ‘જોધા અકબર’માં એશ્વર્યા કેવી જાજરમાન લાગેલી! માનુષીને બદલે કોઈ વધુ ‘ભારતીય’ દેખાવ ધરાવતી હિરોઇનની જરૂર હતી સંયોગિતાના પાત્રમાં. સંજય દત્તના પાત્ર ‘કાકા’ને બાહુબલીવાળા ‘કટપ્પા’ જેવું બતાવવાની કોશિશ કરવામાં આવી છે, જેમાં એક્ટર અને ડિરેક્ટર સરિઆમ નિષ્ફળ નિવડ્યા છે. એવું જ કંઈક સોનુ સૂદ દ્વારા ભજવાયેલા ચંદ બદરાઈના પાત્રનું થયું છે. વિલન મહોમ્મદ ઘોરી બનેલ માનવ વિજ દેખાવે તો ખૂંખાર લાગે, પણ અભિનય અને સંવાદ અદાયગીમાં વામણો. એના પાત્રની સીધી સરખામણી ‘પદ્માવત’ના રણવીર સિંહના કેરેક્ટર સાથે થઈ જ જાય! અહીં ઘોરીના રોલમાં વધુ બળકટ અભિનેતાની જરૂર હતી. આશુતોષ રાણાએ એ જ કર્યું છે જે એ કાયમ કરે છે- મોટા મોટા ડોળા કાઢીને જોર જોરથી ડાયલોગ બોલવું! સાક્ષી તંવર, મનોજ જોશી, રાજેન્દ્ર ગુપ્તા જેવા કલાકારો નાનીનાની, નગણ્ય ભૂમિકાઓમાં વેડફાયા છે. ગેટઅપ તો બધાંના સારા, પણ ધારી અસર કોઈ પાત્ર છોડી શકતું નથી.
શંકર અહેસાન લોયનું સંગીત રાજસ્થાની ફ્લેવરવાળું ખરું, પણ ગીતો સાવ નિરાશાજનક. ડાયલોગ્સ રાઇટિંગ તો સ્ક્રિપ્ટ કરતાં ભંગાર. એકેય સંવાદમાં કોઈ પંચ જ નહીં. બાકી આવા ઐતિહાસિક વિષયની ફિલ્મમાં તો કેવું તોતિંગ કામ થઈ શકે! ફિલ્મ ૩૦૦ કરોડના બજેટમાં બનાવી છે છતાં યુદ્ધના દૃશ્યો બિલકુલ પ્રભાવહિન બન્યા છે. બજેટના અડધોઅડધ અક્કીબાબુને જ આપી દીધા લાગે છે! વીએફએક્સ સારા, પણ હજુ વધુ સારા બની શક્યા હોત. સિનેમેટોગ્રાફી પણ સારીને બદલે ઉત્તમ બની શકી હોત.
ફિલ્મના સારા પાસાં ગણાવું તો સેટ ડિઝાઇનિંગ અને કોસ્ચ્યુમ્સ. બસ, આ બે જ. રિવ્યૂના હેડિંગમાં પૂછેલ ‘કમજોર કડી કૌન?’નો જવાબ એ કે પૃથ્વીરાજ ચૌહાણના આ સિનેમેટિક અવતારમાં એક નહીં અનેક કડીઓ કમજોર છે, એટલે આવી એવરેજ ફિલ્મ જુઓ કે ન જુઓ શું ફરક પડે છે? નવું કશું નથી, બધું જ જોયેલું જાણેલું લાગે. આ બ્લન્ડરનું ઠીકરું નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીના માથે જ ફોડવું જોઈએ જેમણે ફિલ્મની રિલિઝ પહેલા દાવા કરેલા કે આ વિષય માટે એમણે પંદર વર્ષોનું સંશોધન કર્યું છે. સરજી, બિના સંશોધન કિયે હી ફિલ્મ બના દેતે તો ભી શાયદ રિઝલ્ટ યહી હોતા! વેઠ જ ઉતારી છે, એમ સમજોને! અક્ષયના ડાયહાર્ડ ફેન્સ પણ નિરાશ જ થવાના. આમેય બોક્સ ઓફિસ પર ઝાઝું નથી ટકવાની. પાંચમાંથી ૨.૫ સ્ટાર્સ.
મમરોઃ સરકારે એક નિયમ બોલિવુડને માથે મારવો જોઈએ કે, ઐતિહાસિક ફિલ્મો કચકડે કંડારવાની છૂટ ફક્ત અને ફક્ત ભણસાલી સાહેબને જ મળે. બીજા કોઈનું કામ નથી આમાં.
ફિલ્મ રિવ્યૂઃ ‘સમ્રાટ પૃથ્વીરાજ’- કમજોર કડી કૌન?
પૃથ્વીરાજ ચૌહાણ. ભારતવર્ષના છેલ્લા હિન્દુ સમ્રાટ. ઈતિહાસમાં જેમનું નામ એક પરાક્રમી રાજા તરીકે અંકિત થયું હોય એવી વિરલ વ્યક્તિ પર ફિલ્મ બને ત્યારે સ્વાભાવિક છે કે અપેક્ષાઓ ઊંચી હોય. તો શું ‘પૃથ્વીરાજ ચૌહાણ’ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરે છે? લેટ્સ...Read more
-
ફિલ્મ રિવ્યૂઃ આમિરની અદ્ભુત અદાકારીની ઓપતી ‘દંગલ’
મહાવીર ફોગટ. કુશ્તીના નેશનલ ચેમ્પિયન. દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીતવાનું સપનું! આજીવન જીવેલા પણ અધૂરા રહી ગયેલા એ સપનાને પૂરું કરવા પુત્રજન્મની આશા, પણ રે કિસ્મત! એક પછી એક ચાર સંતાન થયાં, પણ ચારેય દીકરી! ઇન્ટરનેશનલ ગોલ્ડના સપના પર સમયની રાખ જામવા લાગી ત્યાં જ એક દિવસ ‘દીકરીઓના શરીરમાંય લોહી તો નેશનલ ચેમ્પિયન રેસલરનું જ વહે છે’, એ સાબિત કરતી એક મજેદાર ઘટના ઘટે છે, અને એ ચેમ્પિયનના દિલમાં ઢબૂરાઈ ગયેલી આશા ફરી ફિનિક્સ પંખીની જેમ બેઠી થાય છે. ‘દીકરીઓને પહેલવાન બનાવી કુશ્તીના મેદાનમાં ઉતારી હોય તો’, એ વિચારે મિડલ ક્લાસ લાઇફમાં ફસાઈ ગયેલા બાપને આશાનો નવો તંતુ મળે છે અને પછી શરૂ થાય છે એક લડત! લડત, ભૂતકાળમાં પોતાને દગો દઈ ગયેલી કિસ્મત સામે! લડત, સતત મેણા-ટોણા મારતા સમાજ સામે! લડત, ભારતની ભ્રષ્ટ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી સામે! ‘મિશન ગોલ્ડ’ સિદ્ધ કરવા માટે મહાવીર ફોગટ અને એમની દીકરીઓ ગીતા અને બબીતા ફોગટે આદરેલા અવિરત સંઘર્ષનું આલાતરિન આલેખન એટલે ‘દંગલ’…
આમિર ખાન આજ સુધી ક્યારેય ના લાગ્યો હોય એટલો કન્વિન્સિંગ દંગલમાં લાગ્યો. અંગત પણે મને એ ‘સરફરોશ’ અને ‘ગજની’માં ધ બેસ્ટ લાગેલો, પણ ‘દંગલ’માં તો તેણે પોતાના પાત્રને અલગ જ ઊંચાઈ પર પહોંચાડી દીધું છે. રેસલરનું હેવીવેઇટ બોડી બનાવવા માટે તેણે સતત નવ મહિના કરેલી તનતોડ મહેનત પડદા પર જબરજસ્ત ખીલી છે. ૨૫ વર્ષીય યુવા રેસલરથી લઈને મધ્યવયસ્ક સરકારી નોકરીયાત અને છેલ્લે ૬૦ પ્લસ ઓવર વેઇટ વૃદ્ધ પહેલવાન સુધીની સફરમાં તેણે ફક્ત ચહેરાથી જ નહીં બોડી લેન્ગવેજથી પણ ‘ધ ગ્રેટ’ કહી શકાય એવું પરફોર્મન્સ આપ્યું છે. એના ચહેરાની કરચલીઓ, વાળની સફેદી, શરીર પર જામેલા ચરબીના થર, બહાર ધસી આવેલું પેટ… બધ્ધું જ જાણે કે એક્ટિંગ કરતું હોય એટલું પરફેક્ટ લાગે છે. પાત્રમાં ઢળવા માટે કલાકારોએ પોતાના શરીર-દેખાવ સાથે આશ્ચર્યજનક પ્રયોગ કર્યા હોય એવા ઉદાહરણો હોલિવુડમાં તો અઢળક મળી રહે છે, પણ અહીં આમિરે ચબરાકિયા મેકઅપ કે પ્રોસ્થેટિકને બદલે અસલી ચરબીના ચડાવ-ઉતાર દ્વારા જે કાયાપલટ આદરી છે એ બોલિવુડ માટે અભૂતપૂર્વ કહી શકાય એવી છે. 'મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ'નું ટેગ કંઈ એમ જ નથી મળ્યું!
આમિરની નોનગ્લેમરસ પત્ની તરીકે સાંક્ષી તંવર અને તેમની દીકરીઓ બનતી અદાકારાઓ કમ્પલીટલી ફિટ! ગીતા ફોગટ અને બબિતા ફોગટના રોલમાં ફાતિમા સના શેખ અને સાન્યા મલહોત્રા જેટલી અસરકારક છે એટલી જ કન્વિન્સીંગ તેમની બાળપણની ભૂમિકામાં ઝાયરા વાસિમ અને સુહાની ભટનાગર લાગે છે. ચારેય અભિનેત્રીઓએ પણ નવ નવ મહિના સુધી કુશ્તીની કઠોર તાલિમ લીધી હતી અને એમની મહેનત ઊડીને આંખે વળગે એટલી રિયલ અને ઇમ્પ્રેસિવ છે.
અગાઉ ‘ચિલ્લર પાર્ટી’ અને ‘ભૂતનાથ રિટર્ન્સ’ જેવી મજેદાર ફિલ્મો બનાવી ચૂકેલા નિતેશ તિવારીએ ‘દંગલ’નું અફલાતૂન ડિરેક્શન કર્યું છે. ફિલ્મમાં એક પણ ફ્રેમ નકામી કે ‘ફિલ્મી’ નથી લાગતી. ફિલ્મનો વિષય સિરિયસ હોવા છતાં ડિરેક્ટરે એને ક્યાંય બોઝિલ બનવા નથી દીધી, એ એમનો પ્લસ પોઇન્ટ. ગંભીર દૃશ્યોમાં પણ કલાકારોના મોઢે રમૂજપ્રેરક ડાયલોગ્સ બોલાવી તેમણે દર્શકોને હસાવ્યા છે. કોમેડીની ઘણીખરી જવાબદારી ગીતા-બબીતાના કઝિન બનતા રોહિત શંકરવર (ચાઇલ્ડ આર્ટિસ્ટ) અને એડલ્ટ તરીકે અપારશક્તિ ખુરાના (આયુશ્માન ખુરાનાના ભાઈ)એ સુપેરે નીભાવી છે. રમૂજની છાંટ ધરાવતા ડાયલોગ્સ પાછા ‘વાહ..!’ પોકારાવી દે એટલા હાર્ડહિટિંગ અને મિનિંગફૂલ પણ ખરા. એડિટિંગ અત્યંત ચુસ્ત! પ્રિતમના ઓસમ મ્યુઝિકથી સજેલા ગીતો ફિલ્મની વાર્તાને આગળ વધારે છે અને પ્રત્યેક ગીતના શબ્દો સીધા દિલમાં ઉતરી જાય એવા, લાગણીથી તરબતર! ‘ધકડ’ દિલ ધડકાવી દે એવું સોલ્લિડ તો ‘હાનિકારક બાપુ’ની પ્રત્યેક લાઇન ફૂલ ઓફ ફન… કેમેરા વર્ક ફેન્ટાસ્ટિક! હરિયાણાના ગામડા અને ગરીબ ઘરનું ઇન્ટિયર સિનેમેટોગ્રાફર સેતુ શ્રીરામના કેમેરામાં આબાદ ઝીલાયું છે.
દંગલ એટલે કે કુસ્તીના દૃશ્યો ખુરશી પર જકડી રાખે એટલા મજબૂત અને ઓથેન્ટિક. છોકરાઓને ધોબીપછાડ આપતી ઝાયરાની કુશ્તી સીટીમાર, તો એક તબક્કે ઇગોને પરિણામે બાપ-બેટી વચ્ચે ખેલાતું મલ્લયુદ્ધ આઉટસ્ટેન્ડિંગ! ક્લાઇમેક્સ પહેલા યોજાતી સેમીફાઇનલ અને ફાઇનલ મેચની ‘એક્શનોગ્રાફી’ પણ અત્યંત રોચક! રેસલિંગના સીન્સમાં કોઈ એક્ટિંગ કરતું લાગતું જ નથી. અહીં રીતસર ઓલિમ્પિક લેવલની કુશ્તી ખેલાઈ છે! એ દૃશ્યોના રોમાંચને વધારતું સાઉન્ડ એડિટિંગ પાછું એટલું તો સુપર્બ છે કે સિન્થેટિક મેટ પર ઘસાતા પહેલવાનોના શરીરથી પેદા થતા કિચૂડાટનો અવાજ પણ કાનને ગમે! સલમાનની ચીડ હોવાથી મેં ‘સુલ્તાન’ નથી જોઈ, પણ ‘દંગલ’ના હેંગઓવર હેઠળ હવે એ પણ જોવી જ પડશે એવું લાગે છે.
‘દંગલ’નો વિષય દેશમાં બહુ ગાજી રહેલા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સૂત્રને બખૂબી સાર્થક કરે છે. દીકરીઓ દીકરાથી સહેજેય કમ નથી અને તક મળ્યે ખાનદાનનું નામ રોશન કરી જ શકે છે, એ મુદ્દો અત્યંત પ્રભાવશાળી ઢંગથી રજૂ કરતી આ ફિલ્મ પ્રત્યેક ભારતીયે જોવી જ જોઈએ. ‘ચક દે ઇન્ડિયા’ પછી આજ સુધીની બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ ગણવી જ પડે એટલી પરફેક્ટ અને ટુ ધ પોઇન્ટ છે ‘દંગલ’.
ફિલ્મ રિવ્યૂઃ આમિરની અદ્ભુત અદાકારીની ઓપતી ‘દંગલ’
મહાવીર ફોગટ. કુશ્તીના નેશનલ ચેમ્પિયન. દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ જીતવાનું સપનું! આજીવન જીવેલા પણ અધૂરા રહી ગયેલા એ સપનાને પૂરું કરવા પુત્રજન્મની આશા, પણ રે કિસ્મત! એક પછી એક ચાર સંતાન થયાં, પણ ચારેય દીકરી! ઇન્ટરનેશનલ ગોલ્ડના સપના પર સમયની રાખ...Read more
-
ફિલ્મ રિવ્યુ: ભૂલ ભુલૈયા 2 - ‘સિક્વલ નથી આ ભૂલ છે’
‘ભૂલ ભુલૈયા 2’માં એક યથાયોગ્ય ડાયલોગ છે જે આ ફિલ્મને શરૂઆતથી અંત સુધી લાગુ પડે છે. એક સીનમાં કાર્તિક આર્યન ભૂતને કહે છે, “યૂ આર ફૂલ ઑફ ક્લિશેઝ!” (તમે એ જ જૂના-પુરાણા ગતકડાંઓથી ભરપૂર છો!) બિલકુલ સહી કહા, કાર્તિક બાબુ. યે ફિલ્મ વહી પુરાને, ઘીસેપીટે ફોર્મુલાઓંસે ભરી પડી હૈ. પ્રેક્ષકોને ડરાવવા માટે સર્જાતી એ જ જૂનીપુરાણી પ્રયુક્તિઓ, હાસ્ય પેદા કરવા માટે મૂર્ખાઈની બધી હદો પાર કરતું કલાકારોનું મોટું ટોળું (એક પાત્ર બીજા પાત્રને તમાચો મારે એમાં કઈ રીતે કોમેડી થઈ જાય, એ મને આજ સુધી સમજાયું નથી. કાંઈ ન મળે ત્યારે આવી ફાલતુંગીરી ઘૂસાડી દેવાની બોલીવુડની ફિલ્મોમાં જૂની પ્રથા છે. આપણી પ્રજા પાછી એવા બુદ્ધિ વગરના સીનમાં દાંતેય કાઢે, બોલો) અને ફિલ્મનિર્માણની એ જ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી શૈલી કે જેમાં કશું ન નવીન કે અસાધારણ નથી.
૨૦૦૭માં આવેલ ‘ભૂલ ભુલૈયા’ એક ક્લાસ મૂવી હતી. વારંવાર જુઓ તોય ગમતી રહે એ કક્ષાની. ‘ભૂલ ભુલૈયા 2’ મૂળ ફિલ્મની જૂતી બરાબર પણ નથી. ખાટલે મોટી ખોડ તો એ કે આ સિક્વલને મૂળ ફિલ્મ સાથે કોઈ કરતાં કોઈ જ સંબંધ નથી. વાર્તાના તાણાવાણા ક્યાંય ભેગા થતા નથી. એક રાજપાલ યાદવના પાત્ર ‘છોટે પંડિત’ સિવાય બીજું કોઈ કેરેક્ટર રિપિટ નથી થયું. ‘મંજુલિકા’ નામ સિવાય બીજી કોઈ સમાનતા નથી, એટલે આને સિક્વલ તો કહેવાય જ નહીં. (જોકે, આ ફિલ્મને ‘સ્ટેન્ડઅલોન સિક્વલ’ તરીકે જ પ્રોજેક્ટ કરવામાં આવી છે એટલે આ મુદ્દે તો એમને માફ કરી શકાય, પણ સાવ જ એવરેજ ફિલ્મ બનાવી હોવાની સજા તો બનતી હૈ.)
એક ગામ છે જેમાં દોઢ-બે હજાર લોકો વસે છે, પણ સમ ખાવા પૂરતી એક્કેયમાં અક્કલનો છાંટો નથી. બધાં ગાંડીઘેલી હરકતો કરતા રહે છે. ગામમાં એક હવેલી છે, ને હવેલી હોય એટલે બટ ઓબ્વિયસ ભૂત તો હોવાનું જ. (આખરે હિન્દી ફિલ્મોમાં હવેલીઓના બાંધકામ જ ભૂતડાઓ માટે થતાં હોય છેને.) તો આવી આ ભૂતિયા હવેલીને મંજુલિકા-મુક્ત કરવા માટે એક જુવાનિયો, બનાવટી તાંત્રિક નામે કાર્તિક એન્ટ્રી મારે છે અને…
…અને પછી એ જ બધું થાય છે જે આપણે સૌ કરોડો વાર જોઈ ચૂક્યા છીએ.
અભિનયમાં તબ્બુ સારી છે(ક્યારે નથી હોતી?), પણ એણે પણ એવું કંઈ લંડન-પેરિસ ઓવારી જવાય એવું કામ નથી કર્યું. એની અન્ય ફિલ્મોની તોલે એનું આ ફિલ્મનું પરફોર્મન્સ તો ન જ મૂકી શકાય. ‘ભૂલ ભુલૈયા’માં વિદ્યા બાલને જે જાદૂ સર્જેલો એની સામે તો તબ્બુ પાની કમ ચાય જ લાગે. ડિટ્ટો કાર્તિકભાઈ આર્યન. બહુ મીઠડો છોકરો છે, કોઈને પણ ગમી જાય એવો. (હું એનો ફૅન નથી, છતાં સિનેપડદે એ ગમતીલો લાગે ખરો) શું એની સ્માઇલ! શું એનો સ્વૅગ! પણ, મૂળ ફિલ્મમાં અક્ષય કુમારે જે ચાર્મ દેખાડેલો એવો ચાર્મ કાર્તિક નથી લાવી શકતો. (બંને ફિલ્મો વચ્ચે સરખામણી કર્યા વિના રહેવાતું નથી કેમ કે ‘ભૂલ ભુલૈયા’ અનહદ ગમેલી) હિન્દી ફિલ્મોમાં મોટાભાગની હિરોઇનો જે કર્યે રાખે છે એ જ કિયારા અડવાણીએ પણ અહીં કર્યું છે. (દેખાવમાં અત્યંત સુંદર એવી કિયુ મને હેમા માલિની જેવી લાગે છે, તમને લાગે કે?) બાકીના કલાકારો — રાજપાલ યાદવ, સંજય મિશ્રા, અશ્વિની કલસેકર, અમર ઉપાધ્યાય, મિલિન્દ ગુણાજી, રાજેશ શર્મા, ગોવિંદ નામદેવ — દર્શકોને પ્રભાવિત કરવાનો, હસાવવાનો પ્રયાસ તો સતત કરે છે, પરંતુ તેમાંથી કોઈ-કોઈ ક્યારેક-ક્યારેક જ સફળ થયા છે.
સંગીત ઘોર નિરાશાજનક છે. એ લોકો જ ગાય ને એ લોકને જ યાદ રહે એવા ગીતો છે. જોકે, મૂળ ફિલ્મના અપ્રતિમ ગીત ‘મેરે ઢોલના...’નું મેલ વર્ઝન સરસ બનાવાયું છે, સરસ રીતે ગવાયું છે, અને એના પર કાર્તિકે ડાન્સ પણ મસ્ત કર્યો છે. સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર, કોસ્ચ્યુમ્સ, મેકઅપ જેવા મૂવીના અન્ય પાસાઓ બસ ચાલેબલ જ છે. VFX અમુક અંશે સારું છે. તબ્બુના ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે લેવાયેલી જહેમત સાફસાફ જોઈ શકાય છે. અનીઝભાઈનું ડિરેક્શન વધુ પડતું જ ‘બઝમી’દાર છે; પ્રિયદર્શનનો જાદુઈ સ્પર્શ અહીં પૂરી રીતે મિસિંગ છે. ‘ઈસ સે અચ્છા તો યે હોતા કિ મેં બિગ બોસ મેં ચલા જાતા, કમ સે કમ વહાં બેઇજ્જત હોને કે પૈસે તો મિલતે’ અને ‘ડોનાલ્ડ ટ્રમ્પ કે ટ્વીટ ઔર ચૂડૈલ કે પૈર હમેશા ઉલ્ટે હોતે હૈ’ જેવા અમુક ડાયલોગ્સ હસાવે છે ખરા, પણ બાકી બધું ફ્લૅટ જ જાય છે. સ્ક્રિપ્ટમાં કંઈ કરતાં કંઈ જ ભલીવાર નથી. મૂળ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો એના રહસ્ય સાથે સંકળાયેલ સાયકોલોજિકલ ઇફેક્ટ. (ઘણા બેવકૂફો તો આજેય માને છે કે 'ભૂલ ભુલૈયા'માં વિદ્યાડીને ભૂત વળગેલું હતું) આવા મજેદાર અને યુનિક સ્ટોરી પોઇન્ટનો આ ફિલ્મમાં સદંતર છેદ ઉડાવી દેવામાં આવ્યો છે અને સીધું સાદું ભૂતડું બતાવી દેવામાં આવ્યું છે. આવી તોતિંગ સફળ અને હરદિલ અઝીઝ ફિલ્મનો બીજો ભાગ બનાવવો તો કેટલી જવાબદારીભર્યું કામ બને, એના બદલે અહીં તો જાણે મહેનત કરવાની કોઈ દાનત જ નહીં. જો કોઈને ક્લાઇમેક્સમાં આવતો રહસ્યમય વળાંક બહુ ગમ્યો હોય તો જાણી લો કે એય ઓરિજનલ નથી. 2015માં રિલીઝ થયેલી બિપાશા બાસુ અભિનીત હોરર ફિલ્મ ‘અલોન’માં પણ આ જ ક્લાઇમેક્સ-ટ્વિસ્ટ હતો. (એય બકવાસ જ છે, હં કે) એ ‘અલોન’ પાછી 2007માં રિલીઝ થયેલી એ જ નામની થાઈલેન્ડની ફિલ્મની રિમેક હતી. ને એ થાઈ મૂવી પાછી અમેરિકન ટીવી સિરીઝ ‘ટેલ્સ ફ્રોમ ધ ક્રિપ્ટ’ના એક એપિસોડ પર આધારિત હતી. ઓ, બાપા!
નવાઈ મને એ વાતની લાગે છે કે આવડી આ એવરેજ ફિલ્મને લોકોએ અમથેઅમથા ચાર ને સાડા ચાર સ્ટાર્સ આપીને માથે બેસાડી છે. હોરર-કોમેડી જોનરની આ ફિલ્મ હોરર અને કોમેડી બંને ક્ષેત્રે અધકચરી લાગે છે. ‘ભૂલ ભુલૈયા’ સામે તો આના ચણાય ન આવે. ભલે બોક્સ ઓફિસ પર ગમે એટલી કમાણી કરે, ‘ભૂલ ભુલૈયા 2’એ મૂળ ફિલ્મની એસેન્સ/ચાર્મનું મર્ડર કર્યું છે, એટલું તો પાક્કું. ‘રામને નામે પથરા તરે’ એ ન્યાયે આ નબળી ફિલ્મ મૂળ ફિલ્મની બ્રાન્ડ વેલ્યુને આધારે તરી જવાની. (‘કેજીએફ ટુ’નેય અધધધ ઓપનિંગ એની મૂળ ફિલ્મની બ્રાન્ડ વેલ્યુને લીધે જ મળેલુંને!)
ન જોવાય તોય કોઈ અફસોસ કરવા જેવું નથી. આના કરતાં તો ‘ભૂલ ભુલૈયા’ ફરી એક વાર જોઈ લેજો.
ફિલ્મ રિવ્યુ: ભૂલ ભુલૈયા 2 - ‘સિક્વલ નથી આ ભૂલ છે’
‘ભૂલ ભુલૈયા 2’માં એક યથાયોગ્ય ડાયલોગ છે જે આ ફિલ્મને શરૂઆતથી અંત સુધી લાગુ પડે છે. એક સીનમાં કાર્તિક આર્યન ભૂતને કહે છે, “યૂ આર ફૂલ ઑફ ક્લિશેઝ!” (તમે એ જ જૂના-પુરાણા ગતકડાંઓથી ભરપૂર છો!) બિલકુલ સહી કહા, કાર્તિક બાબુ. યે ફિલ્મ વહી પુરાને, ઘીસેપીટે ફોર્મુલાઓંસે...Read more